જળ સંપત્તિ વિકાસ નિગમના પટાવાળાની રૂપિયા ૧.૧૮ કરોડની સંપત્તિ મળી અાવી

અમદાવાદ: ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ આજે રાજ્યમાં જુદાં જુદાં શહેરમાં સપાટો બોલાવી આવક કરતાં વધુ સંપત્તિના ત્રણ કેસ નોંધ્યા છે. એસીબીની તપાસમાં ગાંધીનગરના ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિ.ના પટાવાળા પાસેથી ૧.૧૮ કરોડ જેટલી આવક કરતાં વધુ સંપત્તિ મળી આવી હતી. જ્યારે રાજકોટમાં એક સસ્પેન્ડ પ્રિન્સિપાલ પાસેથી રૂ.૧૮ લાખની સંપત્તિ જ્યારે ઉપલેટાના નાયબ મામલતદાર પાસેથી રૂ.૪૦ લાખની બેનામી સંપત્તિ મળી આવી છે. હાલ એસીબીએ આ અંગે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ રાજ્યના અલગ અલગ એસીબી પોલીસ સ્ટેશનના ઉપરી અધિકારીઓ દ્વારા ગાંધીનગર, રાજકોટ તેમજ ઉપલેટામાં તપાસ શરૂ કરાઇ હતી. ગાંધીનગર જળ સંપત્તિ વિકાસ લિ.ના પટાવાળા હસમુખભાઇ રતિલાલ રાવલ પાસેથી ર૦ર ટકા જેટલી બેનામી સંપત્તિ હોવાનું બહાર આવ્યું હતું. એસીબીએ કરેલ ‌ફરિયાદ મુજબ ૧, એપ્રિલ ર૦૦૪થી ૩૧ માર્ચ ર૦૧૬ સુધીના સમયગાળા મુજબ હસમુખભાઇએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રૂ.૧.૧૮ કરોડની અપ્રમાણસરની સ્થાવર અને જંગમ મિલકત વસાવી છે. ઉપરાંત રાજકોટના સસ્પેન્ડ પ્રિન્સિપાલ પાસેથી એસીબીને તપાસ દરમ્યાન રૂ.૬૮ લાખની બેનામી સંપત્તિ મળી આવી છે. ઉપલેટાના નાયબ મામલતદાર પાસેથી પણ રૂ.૪૦ લાખની બેનામી સંપત્તિ મળી આવતાં ફફડાટ ફેલાયો છે.

રાજ્યના જુદાં જુદાં શહેરમાં ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ ઉપર એન્ટી કરપ્શન બ્યૂરોએ સપાટો બોલાવતાં ભ્રષ્ટાચારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં એસીબીએ તેઓની સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like