ગુજરાતમાં પાણીની ગંભીર પારાયણ

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના તથા સિંચાઈના પાણીની બૂમરાણ ઊઠી રહી છે. નર્મદાનાં નીર રાજ્યના છેવાડા સુધી ભલે રેલાઈ રહ્યાં હોય, પરંતુ સરદાર સરોવર સહિત અન્ય ડેમના કમાન્ડિંગ વિસ્તારોમાં જ પીવાના પાણીના સાંસા હોય ત્યારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં શું પરિસ્થિતિ હશે. પાણીની વિકટ સમસ્યા અંગે ‘અભિયાન’નો ખાસ રિપોર્ટ…

પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે. ઉનાળાના પ્રારંભથી જ દેશના ઘણાં વિસ્તારમાં પાણી માટે યુદ્ધ ખેલાય તેવી શક્યતા નકારી શકાતી નથી. મહારાષ્ટ્રના લાતુરમાં તો જિલ્લા કલેક્ટરે પાણી યુદ્ધની સંભવત પરિસ્થિતિ પારખીને ૧૪૪ની કલમ લાગુ કરી દીધી છે. હોળી-ધુળેટીના તહેવાર પર અન્ય રાજ્યોમાં બેફામ પાણી વેડફાશે ત્યારે મરાઠાવાડના આ સૌથી વધુ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પીવાના પાણીના પણ સાંસા છે. આ મુદ્દે સંભવત પાણી યુદ્ધ પહેલાં રાજકીય યુદ્ધ પણ ખેલાવાનું શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં પણ પાણીની સમસ્યા વિકટ બની રહી છે.

૧૯૫૬માં ઈન્દુલાલ યાજ્ઞિકે જે જમીન પરથી મહાગુજરાત આંદોલનનાં મંડાણ કર્યાં અને જ્યાંથી ગુજરાતની નીંવ નંખાઈ તેવા દક્ષિણ ગુજરાતના વાંકલ અને તેની આસપાસનાં ૧૭૦ જેટલાં ગામો ગુજરાતની સ્થાપનાને છ દાયકા થવા છતાં પાણી જેવી મહત્ત્વની સુવિધા માટે ટળવળે છે. દક્ષિણ ગુજરાતના ચાર તાલુકાઓ માંગરોળ, માંડવી, નેત્રંગ અને ઉમરપાડાની એક તરફ નર્મદા વહે છે, તો બીજી તરફે તાપી. છતાં અહીં પિયત તો ઠીક પીવાના પાણીના સાંસા છે. ૧૯૯૮માં આ વિસ્તારના આદિવાસી ખેડૂતોએ પાણી માટે આંદોલન શરૂ કર્યું હતું. તેને પણ અઢાર વર્ષ વીત્યાં હોવા છતાં સરકારને આ સમસ્યા ઉકેલવામાં કોઈ રસ ન હોવાનું જણાઈ રહ્યું છે.

કમાન્ડિંગ વિસ્તારમાં જ પાણીની રાડ
માંગરોળ, માંડવી, નેત્રંગ, ઉમરપાડા તાલુકાઓ ગુજરાતની સૌથી મોટી બે નદીઓ અને સૌથી મોટા ત્રણ ડેમની વચ્ચેના વિસ્તારમાં આવેલા છે. એક તરફે વહેતી નર્મદાનાં નીર હજારો કિલોમીટરની નહેરો દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છથી પણ આગળ પહોંચ્યાના દાવા વચ્ચે કરજણ અને ઉકાઈ ડેમ આસપાસના ૩૫ કિલોમીટરમાં આવેલાં ૧૭૦ ગામડાંમાં વસતાં આદિવાસીઓને પિયત અને પીવાનું પાણી પહોંચાડી શકાયું નથી. આ ચાર તાલુકાઓમાં આંબલી, પિંગત, ભાંગોરિયા જેવા કુલ ૧૧ ડેમ આવેલા છે. જોકે આ ડેમોના કેચમેન્ટ એરિયા અને પાણીની આવક માટેના રિસોર્સીસ ઓછા હોવાથી આ વિસ્તારોમાં પાણીની સતત અછત રહે છે.

વિસ્તારના ત્રણ મોટા ડેમો ઉકાઈ, કરજણ અને સરદાર સરોવરમાંથી નાના ડેમોને પાણી પહોંચાડાય અને નહેરની એક ચેનલ ગોઠવી ડેમોની સપાટી જાળવવામાં આવે તો પાણીની કાયમી સમસ્યાનો અંત આવી શકે. જોકે ખેડૂતો પ્રત્યે સરકારની નીરસતા અને ઔદ્યોગિક એકમો પ્રત્યેની પ્રીતિના કારણે આ વિસ્તારની પાણીની સમસ્યા હલ થતી નથી. આ મુદ્દે આદિવાસી આગેવાનોએ હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવતા ચાર વર્ષ અગાઉ જ હાઈકોર્ટે ગુજરાત સરકારને ૬ મહિનામાં આ અંગેનું કાર્ય શરૂ કરીને ૭ વર્ષમાં આ સમસ્યા ઉકેલવા કહ્યું હતું. જોકે કોર્ટના આદેશને સરકાર ઘોળીને પી ગઈ હોય તેમ હજુ સુધી આ અંગે કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી.

પાણીના અભાવે શહેરો તરફ સ્થળાંતર
માજી પંચાયત મંત્રી અને આદિવાસીઓના પ્રશ્ને લડત ચલાવતા રમણભાઈ ચૌધરી કહે છે, “૧૯૯૮માં ઝંખવાવમાં મહાસભા યોજી હતી ત્યારથી આ સમસ્યા અંગે માગણી ચાલુ છે. તે સમયે સમસ્યાનું નિરાકરણ લાવવા સરકારે ગંભીરતા દાખવેલી, પરંતુ ૨૦૦૧માં કચ્છમાં આવેલા ભૂકંપ પછી આ સમસ્યા પ્રત્યે સરકારે સંપૂર્ણ દુર્લક્ષ સેવ્યું છે. પાણીની સમસ્યાને કારણે આ વિસ્તારના લોકો રોજી મેળવવા માટે શહેરો તરફ જઈ રહ્યા છે.”

માંગરોળ, માંડવી, નેત્રંગ અને ઉમરપાડા તાલુકા સહિતનો ૯૦ ટકા વિસ્તાર ખેતી અને પશુપાલન પર નભે છે. પાણીની સમસ્યાને કારણે આ વિસ્તારમાં માત્ર એક ખરીફ પાક જ લઈ શકાય છે. વિસ્તારના મોટાભાગના બોર અને કૂવાઓ ડૂકી ગયા છે અને ભૂગર્ભ જળનું લેવલ પણ નીચું ગયું છે.

મત્સ્યોદ્યોગ વધારવા પાણી છોડાતું નથી
આ સમસ્યા અંગે કવાસિયા ગામના કાનજીભાઈ ચૌધરી કહે છે, “છેલ્લાં ૪-૫ વર્ષથી વરસાદ ઓછો પડવાને કારણે કૂવાઓ અત્યારથી જ ડૂકી ગયા છે. ગામથી અડધો કિલોમીટર દૂર આવેલો ભાંગોરિયા ડેમ પીવાનું પાણી પૂરું પાડી શકતો નથી ત્યાં સિંચાઈના પાણી માટે શું આશા રાખી શકાય? વળી ભાંગોરિયા ડેમમાં માછલી ઉછેરવામાં આવતી હોઈ મત્સ્યોદ્યોગ વધારવા માટે પાણી છોડાતું નથી. ખેડૂતોનો પાક પાણી વગર બળી રહ્યો છે ને સરકારને માછલીની કમાણીમાં રસ છે. ડેમમાંથી પાણી ન છોડાતાં આસપાસનાં ૬ ગામમાં વસતાં લોકોને પીવાનું પાણી ભરવા ૩-૪ કિલોમીટર દૂર જવું પડે તેવી હાલત છે.”

પાણીની સમસ્યાને કારણે આ વિસ્તારના આદિવાસી ખેડૂતો શહેરોમાં મજૂરીકામ કરવા સ્થળાંતર કરી રહ્યા છે. હાલમાં પરિસ્થિતિ એટલી ગંભીર છે કે લગભગ ૭૦ જેટલાં ગામડાં તો સ્થળાંતર કરી ચૂક્યાં છે. દિવાળી બાદ સિઝનમાં શિયાળુ પાક લઈ લીધા બાદ મોટાભાગના આદિવાસી ખેડૂતો સુરત, વાપી, અંકલેશ્વર કે હજીરા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થળાંતર કરે છે અને ચોમાસાની શરૂઆત પહેલાં પરત ફરે છે, જેથી ચોમાસુ પાક માટે જમીન તૈયાર કરી શકાય.

પાણીની સમસ્યા માટે લડત ચલાવી રહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ મેનેજર સવીલાલભાઈ ચૌધરી કહે છે, “સ્થળાંતર એ ગંભીર બાબત છે, પરંતુ અહીંના આદિવાસી ખેડૂતો પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. હું બેંકમાં મેનેજર હતો ત્યારે આ વિસ્તારમાં દુધાળાં પશુઓ માટે અપાયેલી લોન રિકવર થઈ શકતી નહોતી. કારણો તપાસતાં જણાયું કે પાણીના અભાવે ખેતી ન કરી શકતા આ વિસ્તારના આદિવાસી ખેડૂતોના પરિવારને ખાવાનાં ફાંફાં છે ત્યારે પશુઓ માટેનો ઘાસચારો ક્યાંથી લાવવો? પાણીની એક સમસ્યા તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ સર્જી રહી છે. આદિવાસી બાળકોમાં અભ્યાસનું પ્રમાણ ઓછું હોવાનું પણ આ એક કારણ છે. સ્થળાંતરને કારણે ઘણાં બાળકો શાળાનો ઝાંપો જોઈ શકતાં નથી.”

દૂધ ઉત્પાદનને અસર
સુરતની સુમુલ ડેરીમાં સૌથી વધુ દૂધની આવક આદિવાસી વિસ્તારોમાંથી થાય છે. માંગરોળ, માંડવી, ઉમરપાડા અને નેત્રંગ તાલુકાનાં ગામડાંમાં પણ અનેક દૂધડેરીઓ કાર્યરત છે. જોકે પાણીની સમસ્યાની સીધી અસર દૂધના ઉત્પાદન પર પડે છે.

આ અંગે દૂધ ઉત્પાદક મંડળીના અગ્રણી અને ઓગણીસા ગામના માજી સરપંચ કેલિયાભાઈ ચૌધરી કહે છે, “પાણીની સમસ્યા તથા સરકારના ઉદાસીન વલણથી જમીનમાં પાણીનાં તળ ઊંડાં ઊતરી ગયાં છે. ખેતરોમાં ઘાસચારાની સમસ્યા છે અને બજારમાં ઘાસચારાનો ભાવ ખૂબ જ ઊંચો છે. ચારા-પાણીના અભાવે પશુઓમાં પણ નૂર રહ્યું ન હોઈ દૂધ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. સરકાર સમયસર પગલાં નહીં ભરે તો આ વિસ્તારની હાલત દયનીય થઈ જશે.

દૂધમંડળીના અન્ય અગ્રણી પાણી માટેની લડત સાથે જોડાયેલા આમભઠા ગામના રૂપસિંહ ગામીત કહે છે,”આ વિસ્તારમાં સરકારે માત્ર પાણીની સુવિધા પૂરી પાડવાની જરૂર છે. અહીંના લોકો મહેનતુ છે અને ખેતી અને પશુપાલનથી જ સમગ્ર વિસ્તારનો વિકાસ થઈ શકે તેમ છે. આમભઠામાંથી જ દર મહિને પંદરેક લાખનું દૂધ ડેરીઓમાં જાય છે. પાણીની સમસ્યા હોવા છતાં જો આટલું થઈ શકે તો પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી દેવાય તો ઘણું થઈ શકે. જોકે સરકારને ઔદ્યોગિક વિકાસમાં વધુ રસ હોવાનું લાગી રહ્યું છે. ”

ડેમનાં તળમાં જ પિયતનો અભાવ
પિંગોટ ડેમના નિર્માણમાં ખેડૂત રામસિંગભાઈ ઝવેરની ૨૫ એકર જમીન કપાત થઈ હતી. બાકીની બચી ગયેલી જમીન ડેમનાં તળમાં જ આવેલી છે, પરંતુ ખેતરમાં પિયત માટે પાણીની વ્યવસ્થા નથી. ડેમમાંથી અન્ય ગામોને કેનાલ વાટે પાણી અપાય છે, પરંતુ પિંગોટના ખેડૂતો આ લાભથી વંચિત છે.

નિરાકરણનું કામ ચાલુ છે
આ વિસ્તારના ભાજપના ધારાસભ્ય મોતીભાઈ વસાવા કહે છે, “પાણીની સમસ્યા વર્ષોજૂની છે અને તેના નિરાકરણનું કામ ચાલુ છે. છેલ્લાં ૪-૫ વર્ષથી વરસાદ ઓછો હોવાથી સમસ્યા વકરી છે, પરંતુ તેને પહોંચી વળવા અમે સરકાર પાસે નવા ૨૫૫ હેન્ડપંપ અને ૬૪ નવી સુજલ ધારાની માગ કરી છે. આ ઉપરાંત ઉકાઈ ડેમમાંથી બોરધા સુધી પાણી લાવવા માટેની ૪૨૦ કરોડની એક યોજનાનો પણ સરવૅ થઈ ગયો છે. કાકડિયા, આંબા અને ચોપાડવાવ નાની સિંચાઈ યોજના અંગે પણ સરકારને રજૂઆત કરાઈ છે. ગંગાપુર સિંચાઈ યોજનાના સરવૅને મંજૂરી મળી ગઈ છે અને થોડા સમયમાં તેનો સરવૅ પણ શરૂ કરી કરાશે. અમે જૂથ સિંચાઈ યોજનાથી સુવિધાઓ પૂરી પાડવાના પ્રયત્નો કરી રહ્યાં છીએ.”

તો આ વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી કહે છે, “પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. સરકારને આદિવાસીઓ ખેડૂતોની સમસ્યાની ચિંતા જ નથી. વર્ષોની માગણી છતાં પાણીની સમસ્યા ઉકેલાઈ નથી. જો ઉકાઈનું પાણી લિંક કેનાલ દ્વારા જમણા કાંઠાના ગોડધા સુધી લવાય તો સમગ્ર વિસ્તારની સમસ્યાનો અંત આવી શકે છે. ઉકાઇમાંથી ઉદ્યોગોને પાણી પૂરું પડાય છે, પરંતુ આદિવાસી ખેડૂતોને પાણી માટે ટળવળવું પડે છે. સિસ્ટમેટિક રીતે સિંચાઈની વ્યવસ્થા નહીં કરાય ત્યાં સુધી આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ નહીં આવે. ઉકાઈથી ગોડધા સુધી લિંક કેનાલ દ્વારા પાણી વિતરણનો પ્રસ્તાવ પર્યાવરણના બહાને ફગાવી દેવાયો હતો. આદિવાસીઓની સમસ્યામાં સરકારને પર્યાવરણ નડે છે, ઉદ્યોગગૃહો માટે નહીં.”

નર્મદાનાં નીર કચ્છને હરિયાળું કરશે?
કચ્છમાં નર્મદાનાં નીરનું આગમન થઇ ચૂક્યું છે, પરંતુ પાણી જિલ્લાના ખૂણેખૂણે પહોંચતાં હજુ વાર લાગશે. આ પાણીથી હાલ માત્ર રાપર તાલુકાનો થોડોક વિસ્તાર જ ભીંજાયો છે. કેનાલનું કામ ચાલુ છે, પરંતુ તે મંથર ગતિએ થતું હોવાની ફરિયાદો ઊઠી છે.

રાપરના ખેડૂત અગ્રણી કરમશીભાઇ ચામડિયા કહે છે, “હાલ નીચાણવાળા વિસ્તારમાં સુવઇ સુધીના રણકાંધીનાં ગામોનાં ખેતરોમાં નર્મદાનાં પાણી પહોંચ્યાં છે, પરંતુ તાલુકામથક રાપર, ગાગોદર, નીલપર, કિડિયાનગર, પ્રાગપર, ભીમાસર જેવાં ગામો પાણી ઝંખી રહ્યાં છે. આ તાલુકાની જમીન બહુ કસદાર છે. જો નર્મદાનું પૂરતું પાણી મળે તો જીરું, રાયડો, વરિયાળી, ઘઉં, એરંડા ઉપરાંત વધુ પાણી માગતાં મગફળી જેવા પાક તથા બાગાયતી પાક પણ સહેલાઈ લઈ શકાય. અત્યારે તો આકાશી મહેર પર જ ખેડૂતોને ખેતી કરવી પડે છે. અમુક ખેડૂતોની વાડીમાં બોર છે, પરંતુ પાણી ખૂબ ઊંડે ગયાં છે અને તે ખારાં થઇ ગયાં છે.”

વારંવાર દુષ્કાળનો ભોગ બનતાં લખપત અને અબડાસા તાલુકાનાં ગામડાં ચાતક નજરે પાણીનો ઇંતજાર કરી રહ્યાં છે. એક જમાનામાં સિંધુ નદીનાં વહેણના કારણે ચોખાનો પાક મોટા પાયે લઇ શકાતો હતો તે વિસ્તાર આજે વેરાન બન્યો છે. હાલ પાણીના અભાવે સારી જમીન ધરાવતા ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. જો પૂરતું મીઠું પાણી મળે તો તમામ પાક સહેલાઈથી લઈ શકાય. આથી જ ખેડૂતો વહેલી તકે નર્મદાનું પાણી મળે તેમ ઇચ્છે છે.

સુરેન્દ્રનગરની મીટ પણ નર્મદાનાં નીર પર
અમદાવાદ-સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગનાં ગામોના ખેડૂતો નર્મદાનાં નીર પર મીટ માંડીને બેઠાં છે. જોકે સબમાઈનોર કેનાલનું મોટાભાગનું કામકાજ બાકી હોવાથી જિલ્લાનાં અંતરિયાળ ગામો સુધી નર્મદાનાં નીર હાલ પહોંચી શકે તેમ નથી.

ફળદ્રુપ જમીન પાણી વગર બંજર
અમદાવાદ નજીકના ધોલેરા વિસ્તારની જમીન ખેતી માટે ફળદ્રુપ મનાય છે. આ વિસ્તારના ભાલિયા ઘઉં તેની રતાશને કારણે અન્ય પ્રદેશના ઘઉં કરતાં પ્રખ્યાત છે. જોકે પાણીના અભાવે અહીં માત્ર એક જ સિઝનનો પાક લઈ શકાય છે. જો નર્મદા આધારિત સિંચાઈ ઉપલબ્ધ બને તો અન્ય પાક પણ લઈ શકાય. આ વિસ્તારના હેબતપુર ગામના ખેડૂત ફુલજીભાઈ બાવળિયારી કહે છે, “પિયતની સુવિધા મળે તો આ વિસ્તારમાં બાગાયતી અને રોકડિયા પાકની સમૃદ્ધ ખેતી કરી શકાય.”

નવાડિયા ગામના ઉપસરપંચ બલભદ્રસિંહ પરમાર કહે છે, “આ વિસ્તારના ખેડૂતોનો નિર્વાહ વરસાદી ખેતી પર છે. આ વર્ષે ચોમાસુ મોડંુ રહેતા ૭૦ ટકા કપાસનો પાક ફેલ ગયો છે. ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળે તો આ સમસ્યાનો અંત આવી શકે. સિંચાઈ માટે નર્મદાનાં પાણી માટે આ વિસ્તારનાં ગામોના ખેડૂતો સાથે અમે વિસ્તારના ધારાસભ્ય અને ગાંધીનગર સુધી રજૂઆત પણ કરી હતી. છેલ્લાં પાંચ વર્ષથી ખેડૂતો નર્મદાનાં નીર પર આશા માંડીને બેઠા છે.”

ખેડૂત સંગઠનના મંત્રી સાગર રબારી કહે છે, “સરકારે નર્મદાનાં નીર માટે નિયત કરેલા વિતરણમાંથી ઔદ્યોગિક એકમોને ૦.૨૦ મિલિયન એકર ફીટ પાણી આપવાની જોગવાઈ છે. જોકે તેનાથી વધુ પાણી ઔદ્યોગિક એકમોને અપાઈ રહ્યું છે. ઉપરાંત અમદાવાદની સાબરમતી નદીમાં માત્ર રિવરફ્રન્ટનું લેવલ જાળવવા અને મનોરંજન માટે છોડવામાં આવતું પાણી સિંચાઈ માટે કોઈ કામમાં આવતું નથી.”

મુખ્ય ડેમ સરદાર સરોવર તથા સિંચાઈ યોજનાનું માળખું ધરાવતા અન્ય ડેમોમાંથી અછતવાળા વિસ્તારોને પાણી આપવાની માગ ઊઠી રહી છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જ પડશે, અન્યથા ભરઉનાળામાં આ પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.

સૌરાષ્ટ્રમાં પણ સિંચાઈનાં પાણીની સમસ્યા
ગુજરાતના અન્ય વિસ્તારો કરતાં સૌરાષ્ટ્ર પાણીની સમસ્યાથી સૌથી વધુ ત્રસ્ત છે. સિંચાઈ તથા પીવાના પાણી માટે સરકાર કરોડો રૂપિયાની યોજનાઓ બનાવે છે, પરંતુ તેનાથી સૌરાષ્ટ્રવાસીઓની તરસ છિપાવી શકાઈ નથી. પીવાના પાણીની સમસ્યા સેંકડો ગામોમાં છે, સાથે સિંચાઈના અભાવે ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે. નર્મદા આધારિત પાઈપલાઈનથી સૌરાષ્ટ્રવાસીઓને પીવાના પાણીની રાહત જરૂર થઈ હશે, પરંતુ સિંચાઈની સમસ્યા હજુ પણ યથાવત્ છે. એટલે જ સૌરાષ્ટ્રમાં પાણીનો મુદ્દો રાજકીય બની રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં મોટાભાગની ખેતી સ્થાનિક બોર, કૂવા કે તળાવ આધારિત છે અને સરકારના સત્તાવાર આંકડા મુજબ ફેબ્રુઆરીની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રનાં ૧૩૭ જળાશયોમાં માત્ર ર૧.૩૪ ટકા પાણી બચ્યું છે. જળાશયોનાં તળિયાં અત્યારથી જ દેખાઈ રહ્યાં છે. તેની સીધી અસર ખેતી પર પડી રહી છે. આ વર્ષે શિયાળુ પાકનું આશરે ત્રીસેક ટકા ઓછું ઉત્પાદન થવાનો અંદાજ છે. પીવાના પાણીની તંગી ઊભી થઈ રહી હોઈ ભવિષ્યની વિકટ સ્થિતિને પહોંચી વળવા તંત્રએ રાજ્યનાં ૩પ જળાશયોનું પાણી પીવા માટે અનામત રાખ્યું છે, તેમાં સૌથી વધુ જળાશયો સૌરાષ્ટ્રનાં છે. આમ, આ પાણી ખેતી માટે નહીં અપાતાં ખેતીને ફટકો પડશે. એક તરફ કૂવા-તળાવ ડૂકી ગયાં છે, બીજી તરફ જળાશયોમાં પણ પાણી ખૂટી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં નર્મદા આધારિત યોજના હેઠળ સિંચાઈનું પાણી અપાતું ન હોવાથી સ્થિતિ વિકટ થઈ છે.

જામનગર જિલ્લાનાં જળાશયોમાં માત્ર ૩ ટકા જ પાણી બચ્યું છે. જિલ્લાના લાલપુર, ખંભાળિયા, ભાટિયા સહિતના વિસ્તારનાં ગામોમાં અછતની સ્થિતિ ઊભી થઈ છે. આ વિસ્તારોમાં સિંચાઈનું પાણી ન મળતાં શિયાળુ પાકને મોટું નુકસાન થયું છે. જૂનાગઢ જિલ્લામાં પણ પાણીની સ્થિતિ વિકટ છે. વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ગામડાંઓમાં પાણીની સ્થિતિની સમીક્ષા કરવા વહીવટીતંત્રની બેઠક બોલાવવાની માગણી પણ કરી છે.

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ નીલેશ વિરાણી કહે છે, “પીવાના પાણી માટે હાલત કફોડી છે ત્યારે સિંચાઈનાં પાણીની સ્થિતિ કેટલી વિકટ હશે તેનો અંદાજ લગાવી શકાય છે. ડેમોમાં પાણી નથી અને નહેરો આધારિત પાણી પણ પૂરતું મળતું નથી. સિંચાઈના પાણીની તકલીફથી આ વર્ષે શિયાળુ પાકને મોટું નુકસાન થયું છે. રાજકોટ તાલુકાના ભંગડા, રંગપર સહિતનાં ગામોમાં તો હાલત ગંભીર છે. જિલ્લા પંચાયત પાણીની વિકટ સ્થિતિને હળવી કરવા પ્રયાસો કરે છે, પરંતુ સરકારે પણ આ દિશામાં તાત્કાલિક પગલાં ભરવાં જોઈએ.”

ડેમ ૧૦૦ મીટર દૂર, પાણી માટે ૧૫ કિમી ધક્કો
આંબલી ડેમથી માત્ર ૧૦૦ મીટર દૂર આવેલા દેવધર ગામે ૩૬ જેટલા બોર કરાયા હતા. તેમાંથી ૧૧ જેટલા બોર ૩૦૦ ફૂટથી પણ વધુ ઊંડાઈના હતા. આમ છતાં તેમાંથી પાણી ન મળતાં ગામવાસીઓ પરેશાન થઈ ગયા હતા. અંતે વનવિભાગને વિનંતિ કરીને ગામથી ૧૫ કિલોમીટર દૂર આવેલા એક બોર પરથી પાણી મેળવવાની પરમિશન લેવાઈ. હાલ આખું ગામ આ બોરનાં પાણી પર નભે છે.

પાણીના અભાવે ખેતી ન કરી શકતાં આદિવાસી ખેડૂતોના પરિવારને ખાવાનાં ફાંફાં છે ત્યારે પશુઓ માટેનો ઘાસચારો ક્યાંથી લાવવો? પાણીની સમસ્યા તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ સર્જી રહી છે : સવીલાલભાઈ ચૌધરી, પાણીની સમસ્યા માટે લડત ચલાવનાર

માહિતીઃ દેવેન્દ્ર જાની-રાજકોટ, ગૌતમ શ્રીમાળી-અમદાવાદ, સુચિતા બોધાણી કનર-ભૂજ

You might also like