દિવાળી ટાણે જ સાંજના પાણીનો કકળાટ

અમદાવાદ: હિંદુ સંસ્કૃતિમાં તહેવારોના રાજા તરીકે ઓળખાતા દિવાળીના સપરમા દિવસોની હવે શરૂઆત થશે. ઉત્સવપ્રેમી પ્રજામાં કારમી મોંઘવારીની ઝાળ સહન કરીને પણ દીપોત્સવને વધાવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે, જોકે તહેવારોના આ દિવસોમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં સાંજના પાણી પુરવઠાનો કકળાટ સર્જાયો છે. હાલના સમયગાળામાં ઘરે ઘરે ગૃહિણીઓએ સાફસફાઇની કામગીરી હાથ ધરી છે. વિવિધ બજારમાં મોટા પાયે ગૃહલક્ષી ખરીદી હાથ ધરાઇ છે, પરંતુ સાંજના અડધા કલાકના પાણીના પુરવઠામાં અનિયમિતતા જોવા મળે છે. ખાસ કરીને કોટ વિસ્તારના કાળુપુર, દરિયાપુર, જમાલપુર સહિતના વિસ્તારોમાં તો છેલ્લા એક મહિનાથી સાંજનો પાણીનો પુરવઠો અનિયમિત બન્યો છે.

જોકે મ્યુનિ. સત્તાવાળાઓએ એવો દાવો કર્યો છે કે કોતરપુર વોટર વર્ક્સના ફિલ્ટરોમાં લીલ જામી જવાથી કોટ વિસ્તારમાં પણ સવાર-સાંજનો પાણીનો પુરવઠો પ્રભાવિત થયો હતો, જોકે શનિવારથી રાબેતા મુજબ પાણી અપાઇ રહ્યું છે. દૂધેશ્વરમાંથી સવારે ૮૮થી ૯૦ એમએલડી અને સાંજે ૧૮થી ૨૦ એમએલડી પાણી અપાઇ રહ્યું છે એટલે વોટર વર્ક્સનો પ્રશ્ન નથી, કદાચ નેટવર્કમાં સમસ્યા સર્જાઇ હશે.બીજી તરફ મધ્ય ઝોનના ઇજનેર વિભાગનાં સૂત્રો કહે છે કે કોટ વિસ્તાર સહિતના મધ્ય ઝોનમાંથી સાંજના પાણીના પુરવઠાને લઇને કોઇ ખાસ ફરિયાદો ઊઠી નથી. દરમિયાન મ્યુનિ.ના જાણકાર વર્તુળો કહે છે કે આગામી દિવસોમાં બેસતા વર્ષે વહેલી સવારે મંદિરોમાં દેવદર્શન માટે જનારા શહેરીજનો માટે અડધો કલાક વધારાનું પાણી પૂરું પાડવાની જાહેરાત કરીને ભાજપના સત્તાધીશો લોકોથી વાહ વાહ મેળવશે, પરંતુ દૈનિક પાણીના પુરવઠાની નિયમિતતા કે શુદ્ધ પીવાલાયક પાણી જેવી પ્રાથમિક બાબતો પ્રત્યે ઉપેક્ષા દાખવશે.

You might also like