પાણીનાં પાઉચની તકરારમાં દુકાન અને વાહનોમાં તોડફોડ

અમદાવાદ: શહેરમાં ખુલ્લેઆમ અસામા‌િજક તત્ત્વો દ્વારા તોડફોડ અને હથિયારો સાથે મારામારીની ઘટના હવે સામાન્ય બની ગઇ છે. આવાં અસામા‌િજક તત્ત્વોને ખુલ્લો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસ અગાઉ ખોખરામાં અસામા‌િજક તત્ત્વોએ સામાન્ય બાબતે તલવાર અને ધા‌િરયા સાથે રોડ પર ઊતરી તોડફોડ કરી હતી ત્યારે ગત રાત્રે પાલડી-ભઠ્ઠા વિસ્તારમાં આવેલ એક પાનના ગલ્લા-કીટલી પર પાઉચ લેવા આવેલ વ્યક્તિ પાસે દુકાનદારે પાઉચના પૈસા માગતાં વ્યક્તિએ દુકાનદાર મહિલાને લાફો મારી દીધો હતો. ગાળાગાળી, બોલાચાલી કર્યા બાદ કેટલાક શખ્સો સાથે બાઇક પર હથિયારો સાથે આવી દુકાન અને વાહનોમાં તોડફોડ મચાવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતાં પાલડી પોલીસે ગુનો નોંધી કેટલીક વ્યક્તિઓની અટકાયત કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલડી-ભઠ્ઠાના હ‌ીરલ શોપિંગ સેન્ટરના ભોંયરામાં રહેતાં ઉષાબહેન રમણલાલ ઠાકોર પાલડી-ભઠ્ઠા ચાર રસ્તા નજીક પાન પાર્લર-‌કીટલી ચલાવે છે. ગત રાત્રે ફતેપુરા-પાલડી ગામમાં રહેતી અક્ષય ઠાકોર નામની વ્યક્તિ પાણીનું પાઉચ લેવા ગઇ હતી. ઉષાબહેને પૈસા માગતાં અક્ષયે ઉષાબહેન સાથે બોલાચાલી કરી તેઓને લાફો મારી દીધો હતો તેમજ ગાળાગાળી કરી હતી. બાદમાં અક્ષય ઠાકોર તેના અન્ય સાગરીત ધમો ઉર્ફે અંડો (રહે. વાસણા), મીકો ઉર્ફે ‌િસકંદર (રહે. વાસણા), મલવ ઉર્ફે મવો ઠાકોર (રહે. વાસણા), પ્રફુલ્લ ધોબી (રહે. વાસણા), વિજય (રહે. જમાલપુર), સાગર ધોબી (રહે. એકતા ટાવર) અને અન્ય શખસો સાથે બાઇક ઉપર તલવાર, ધારિયા જેવાં ઘાતક હથિયારો સાથે આવ્યો હતો અને દુકાનમાં રહેલાં ફ્રીઝ અને અન્ય માલસામાનમાં તોડફોડ કરી હતી.

આટલું જ નહીં પણ તેણે ઘરમાં ઘૂસી બારણા પર તલવારના ઘા મારી એક્ટિવામાં પણ તોડફોડ મચાવી હતી. ઘટના બાદ તમામ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કા‌િલક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધી કેટલાક શખ્સોની અટકાયત કરી છે.

You might also like