પાણીનું મૂલ્ય માપતાં ભૂજળ જાણકારો

અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચેથી સૂર્યનારાયણે ધીરેક રહીને ડોકિયું કાઢ્યું છે. એવે ટાણે માંડ દોઢ વીઘાના ખેતરને શેઢે ઊભેલા ગાર-માટીના ખોરડા પાસે મહુડા, બોરડી અને આંબલીનાં ઝાડ નીચે બાંધેલાં પાડાં, લવારાં પોતાની માવડીને ધાવવા અધીરાં બન્યાં છે. સામે તેમની માતાઓ પણ હોંકારા દઈ રહી છે. સામસામેના આ સંકેતો પારખીને ખોરડાનું બારણું ખોલી ૨૨ વર્ષનો એક આદિવાસી યુવાન બહાર નીકળે છે અને પાડાં-લવારાંને તેમની માતાઓ પાસે મૂકીને શાંત કર્યા બાદ ઓસરીની ખીંટીએ ટિંગાડેલી એક થેલી ખભે ભરાવીને ઘઉં-મકાઈનાં લીલાંછમ ખેતરો વચ્ચેની ઝાકળભીની પગદંડી પર ચાલી નીકળે છે.

યુવાન જેમ આગળ વધતો જાય છે તેમ આસપાસનાં ખેતરોમાંથી એક-એક કરીને પાંચેક યુવાનો તેની સાથે જોડાય છે. નાનકડી આ ટોળકી અમુક ખેતરો વટાવ્યા પછી અગાઉથી નક્કી કરેલા એક કૂવા પાસે આવીને ઊભી રહે છે. પેલો યુવાન ખભે ભરાવેલી થેલીમાંથી કેટલાંક સાધનો બહાર કાઢી બધાંને વહેંચી દે છે અને કામ શરૂ થાય છે.

નંદલાલ કૂવાની ઊંડાઈ માપવા માટે મોટી મેજરટેપ (માપણપટ્ટી) અંદર ઉતારે છે. ચંચળભાઈ નોંધણી માટેનો ચોપડો ખોલીને કૂવાની ઊંડાઈ, પાણીના સ્તરમાં થયેલો ફેરફાર વગેરે વિગતો નંદલાલના કહેવા પ્રમાણે નોંધવા માંડે છે. સિંગાભાઈ પાણીનો નમૂનો લઈ તેમાં ટીડીએસ (ક્ષાર) માપણીનું મશીન ગોઠવે છે. શાંતિભાઈ ડોલમાંથી પાણીનો નમૂનો જુદો તારવી પાણીની ઘનતા (પીએચ) માપે છે. જિંદુભાઈ વળી પાણીનું સેમ્પલ નાનકડી બોટલમાં ભરી લે છે. અડધો કલાક બાદ કૂવાની દરેક પરિસ્થિતિનો તાગ મેળવી, આંકડાઓ નોંધી આખો રસાલો વધુ એક કૂવા તરફ આગળ વધે છે. નંદલાલ, ચંચળભાઈ, સિંગાભાઈ, શાંતિભાઈ અને જિંદુભાઈ નામના આ યુવાનો છે મેઘરજ તાલુકાનાં નવાંઘરાં, ધાંધિયા, વલુણા, રાજેડી, ભાટકોટા અને તરકવાડિયા ગામોના ભૂજળ જાણકારો.

બાળભાષામાં પાણીને ‘ભૂ’ કહેવામાં આવે છે. આ ‘ભૂ’ ધરતીના પેટાળમાં કેટલી ઊંડાઈએ છે, કેવી સ્થિતિમાં છે, તેના જાણતલો તે આ ભૂજળ જાણકારો. ઉપર જણાવેલાં છ ગામોમાં સાવ સ્વૈચ્છિક રીતે કામ કરતાં ભૂજળ જાણકારોનું પાણી વિશેનું જ્ઞાન ભલભલાં વૉટર મેનેજમેન્ટ એક્સપર્ટને પણ ભૂ પાઈ દે તેવું છે.

‘જળ એ જ જીવન છે’ એ સૂત્ર ગામડાંની પ્રાથમિક શાળાની દીવાલો પર વાંચવા મળતું, પરંતુ આ વાક્ય વાંચતી વખતે આપણે તેના અર્થ પ્રત્યે ભાગ્યે જ સભાન હતા. જ્યાં ચોવીસે કલાક પાણીની સગવડ ઉપલબ્ધ હોય ત્યાં આ સૂત્રની કોઈ કિંમત ભલે ન હોય, પરંતુ તેને ખરા અર્થમાં સાર્થક કરીને જીવતી પ્રજાને જોવી હોય તો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની મુલાકાત લેવી પડે.

મેઘરજ પર ‘મેઘો’ય મહેરબાન નથી
જેના નામમાં જ ‘મેઘ’ શબ્દ સમાવિષ્ટ છે, એવા મેઘરજ પર જ મેઘરાજા મહેરબાન નથી. અહીં ચોમાસા દરમિયાન પાંચથી છ વખત વરસાદ પડે છે. સિઝનમાં અહીં માંડ ૬૦૦થી ૬૫૦ મિમી. વરસાદ પડે છે. મેઘરજની ભૂસ્તરીય રચના જ એવી છે કે અહીં પાણીની અછત કાયમ રહે. એક તો ડુંગરાળ પ્રદેશ અને ઉપરથી ઊંધા મૂકેલા વાટકા જેવો ભૂભાગ. પરિણામે વરસાદી પાણી પડ્યાંભેગું જ અરવલ્લીનાં કાળમીંઢ કોતરોમાં વહી જાય છે.

એટલે બને એવું કે અહીં સપ્ટેમ્બર આસપાસ છલકાતાં દેખાય એવાં કૂવાઓ, જળાશયો જાન્યુઆરીની શરૂઆત થતા જ કોરાંધાકોર થઈ જાય. ચોમાસે નવાં નીરથી હિલોળા લેતી મેશ્વો અને માઝુમ નદીઓ વરસાદની વિદાય સાથે જ ધીમેધીમે પોતાનું નદીપણું ગુમાવી બેસે. પર્વતમાળાની હાજરીના કારણે અહીંનાં ખેતરોમાં માટીની સાથે ગોળ પથ્થરો પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેના કારણે ખેતરોમાં ઊંડી ખેડ થઈ શકતી નથી. અહીં ખરીફ પાકની ખેતી પૂર્ણ થયા બાદ ૩૦ ટકા લોકો મહેસાણા તરફનાં ગામડાંમાં કપાસની ખેતીમાં મજૂરી કરવા સ્થળાંતર કરી જાય છે.

મેઘરજમાં એકાદ બે કોમને બાદ કરતાં મોટાભાગની વસતી આદિવાસીઓની છે. સમય જતાં તેમણે જીવનનિર્વાહ ચલાવવા માટે અહીંનાં જંગલો કાપી ખેતી કરવાની પણ શરૂઆત કરેલી. ધીમેધીમે વૃક્ષો કપાતાં ગયાં અને ખુલ્લો જમીની ભાગ ખેતર તરીકે અસ્તિત્વમાં આવ્યો.

પાણીની સમસ્યા અને સંઘર્ષ
એંસીના દાયકામાં મેઘરજના આદિવાસીઓનો એક જ જીવનક્રમ રહેતો. ચોમાસા દરમિયાન ખેતરમાં વાવેલ દેશી મકાઈનો ખરીફ પાક લેવો. એ પૂરી થાય કે તરત મહેસાણા આસપાસના કોઈ કપાસની ખેતી કરતાં ગામમાં જઈને મજૂરી કરવી. એ વખતે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ઓછા વરસાદમાં ખેતી માટે મકાઈનો પાક શ્રેષ્ઠ ગણાતો. જોકે પાણીની અછત, પથરાળ જમીન, ખેતીની તદ્દન દેશી પદ્ધતિ અને સિંચાઈના અભાવે સરેરાશ પાંચ વ્યક્તિઓના એક કુટુંબને વર્ષ સુધી ચાલે તેટલી મકાઈ પણ નહોતી ઉપજતી.

પાણીની તંગીના કારણે સૌથી વધુ મહિલાઓને સહન કરવાનું આવતું, કારણ કે ઘરના સભ્યો માટે જરૂરી પાણી પૂરું પાડવાની જવાબદારી મહિલાઓને માથે હતી. ઝરડાં ગામનાં કૈલાસબહેન બરંડા કહે છે, “એ જમાનામાં ઉનાળામાં ગામના દસમાંથી પાંચ કૂવામાં પણ પાણી ન હોય. વીજળીની સગવડ ન હોવાથી બધું વહેલાસર પતાવી દેવું પડતું. જોજનો દૂર પાણી ભરવા જતાં અને એમાં જ સૂરજ માથે ચઢી જતો (બપોર થઈ જાય). વીજળીની અપૂરતી સગવડના કારણે સાંજ પડતાં પહેલાં બધું કામ પતાવી દેવું પડતું.”

૧૯૯૫માં એક સંસ્થાના સહકારથી મેઘરજનાં ૧૧ ગામોની ૬૭૦૦ હેક્ટર જમીનમાં વૉટરશેડ યોજના શરૂ થઈ. આ કાર્ય આગળ જતાં તાલુકાનાં અન્ય ગામોમાં પણ વિસ્તાર પામ્યું. યોજનાનો મુખ્ય હેતુ મેઘરજનાં ગામડાં-ખેતરોમાં સિંચાઈની સુવિધા ઉભી કરવા સાથે પાણીની તંગીનો ઉકેલવાનો હતો. વોટરશેડ યોજનાથી બનેલા ચેકડેમોના કારણે પાંચ જ વર્ષમાં આ ગામોમાં પાણીની સ્થિતિ સુધરી અને કૂવાઓમાં ચોમાસા સિવાયના સમયમાં પણ પાણી ઉપલબ્ધ બન્યાં.

ખેડૂતોની લાલચથી સમસ્યા વધુ વકરી
જોકે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થતાં કેટલાક સારી જમીન ધરાવતા આદિવાસી ખેડૂતોની દાઢ સળવળી. કપાસનાં ખેતરોમાં કરેલી મજૂરીના અનુભવને કામે લગાડ્યો. ઉછીના પૈસા લઈને ખેતરોને વાડીમાં ફેરવી દીધાં અને સિંચાઈ માટે બેફામ પાણી ખેંચ્યા.

ભૂજળ જાણકારોની ટીમના આગેવાન ભરતભાઈ પરમાર પાણીના બેફામ ઉપયોગને યાદ કરતાં કહે છે, “ખેતી માટે પાણી ઉપલબ્ધ બનતાં ખેડૂતો આવક વધારવા મરણિયા બન્યા હતા. દરેકને ઝડપથી પૈસાદાર બનવું હતું. પરિણામે મોંઘું અને વધુ પાણી માંગતા બિયારણ ખરીદી ખેતરમાં વાવવા લાગ્યાં. આવક વધતાં લાલચ પણ વધી અને વધુમાં વધુ પાણી જમીનમાંથી ખેંચવા માંડ્યાં.”

નવાઘરાં ગામના પીઢ ખેડૂત સવજીભાઈ દોઢા ભૂતકાળ વાગોળતાં કહે છે, “કપાસના પાકમાં આવક સારી હતી પણ પાણી પુષ્કળ જોઈએ. એ જ સમસ્યા ઘઉંની ખેતીમાં પણ હતી. વધુ કમાણીની લાલચમાં ખેડૂતો એ ભૂલી ગયા કે પાણી મર્યાદિત છે. વધુમાં વધુ પિયત થતાં અંતે પાણી પાતાળે જઈ પહોંચ્યાં ત્યારે જ બધાંની સાન ઠેકાણે આવી.”

ઢુંઢેરા ગામના ખેડૂત કાવજીભાઈ દામા કહે છે, “વધુ પાક મેળવવા ખેડૂતો આખું વર્ષ વિવિધ પાકોની ખેતી કરવા લાગ્યા જેથી એક ખેડૂત પોતાના ખેતરમાં ૧૦૦ ફૂટ ઊંડો કૂવો ગાળે, તો બાજુવાળો ૨૫૦ ફૂટનો કૂવો ગાળતો, ત્રીજો એનાથી આગળ વધતો. પરિણામે પોતાનાથી વધુ ઊંડો કૂવો ગાળે તો પોતાના કૂવાનું પાણી તેના કૂવામાં ખેંચાઈ જતાં ખેડૂતો વચ્ચે તકરાર થવા લાગી હતી.”

જે ખેડૂત અગાઉ પાણી ઓછું હોવાથી ઓછી જમીનમાં ખેતી કરતો તે પિયતની સગવડ મળતાં બેફામ બન્યો. આ અંધાધૂંધીમાં પાણીનાં તળ જે ઉપર આવ્યાં હતાં તે માત્ર દસ જ વર્ષમાં તેના મહત્તમ તળિયે જઈ પહોંચ્યાં. મેઘરજનાં ૧૧ ગામો માત્ર એક જ દાયકાની પાણીદાર સાહ્યબી ભોગવીને હતાં ત્યાંથી પણ નીચે આવી ગયાં.

આખરે આશાનું કિરણ ઉગ્યું
ખેતી અને ઘરવપરાશ માટેના પાણીની તંગી વચ્ચે ૨૦૧૨માં ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર નામની સ્વૈચ્છિક સંસ્થાએ મેઘરજમાં પાણીના મુદ્દે કામ કરવાનું શરૂ કર્યું. મેઘરજનાં વલુણા, ભાટકોટા, નવાઘરાં, રાંજેડી, તરકવાડિયા, ધાંધિયા સહિતનાં ગામોમાં એક સામાજિક-આર્થિક મોજણી હાથ ધરી. ત્યારબાદ ૫૦૦ કૂવાઓનો સરવે કરીને કેટલા ફૂટે પાણી છે, પાણીનો પ્રકાર, સ્વાદ, ક્ષારનું પ્રમાણ, પાણીના લેવલમાં થતી વધઘટ વગેરે આંકડા મેળવાયા.

લોકસંવાદમાં પુરુષો ખેતી માટે વૉટરશેડ યોજનાની માગ કરતા, ત્યારે અગાઉના અનુભવમાંથી શીખ મેળવીને અભણ આદિવાસી મહિલાઓએ આગળ આવીને કહ્યું, “પહેલાં પીવાના પાણીનું કરો, પછી વધે તો ખેતી કરજો.” વાત મુદ્દાની હતી. કારણ કે અગાઉ ગમે તેવી પરિસ્થિતિમાં પણ ઘરવપરાશ માટેનું પાણી મહિલાઓએ જ લઈ આવવું પડતું હતું. નવાઘરાં ગામનાં ચંપાબહેન ડામોર કહે છે, “અગાઉના અનુભવે અમારા ધ્યાનમાં આવ્યું કે ઘરના તમામ સભ્યો માટે પાણી અમારે જ પૂરું પાડવાનું છે. આથી ખેતીના પાણી માટેની પુરુષોની જીદ છતાં અમે બહેનો અડગ રહીને પીવાનાં પાણી માટે મક્કમ બની રહી.”

આ કાર્ય માટે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટરના એન્જિનિયરો દ્વારા ગામના જ કેટલાક યુવાનોને વૉટર મેનેજમેન્ટ માટે તૈયાર કરવાનું નક્કી કરાયું અને તમામ છ ગામોમાં સુજલ સમિતિ ઊભી કરાઈ. ઘરમાં તમામ પ્રકારનાં પાણી ૫ૂરી પાડવાની જવાબદારી મહિલાઓને માથે હોવાથી સંસ્થાએ સુજલ સમિતિમાં ૫૦ ટકા મહિલાઓને સ્થાન આપ્યું. નવાઘરાંના નંદલાલભાઈ મેણાતના કહેવા મુજબ, “પાણી મામલે તેઓ પુરુષો કરતાં વધુ સક્રિય જોવાઈ અને તેમની કોઠાસૂઝથી અનેક કામો પણ સરળ થયાં.”

સંસ્થાના સહકારથી પાણીનું વિજ્ઞાન સમજી શકે તેવા યુવાનોની ટીમ તૈયાર કરવા ગ્રેજ્યુએટ યુવાનોની શોધ કરાઈ, પરંતુ આ ગામોમાં બહુ ઓછા યુવાનો ગ્રેજ્યુએટ સુધી પહોંચી શકતા. અંતે યુવાનોની આવડતને પ્રાધાન્ય આપીને ૯ ગામોમાંથી ભૂજળ વિશે જાણવામાં રસ હોય તથા જરૂરી તાલીમ લઈ સમાજ કાર્યમાં નિયમિત સમય ફાળવી શકે તેવા ધોરણ આઠ સુધી ભણેલાં યુવાનોની ભૂજળ જાણકાર તરીકે પસંદગી કરાઈ.

ખરી કામગીરી હવે આરંભાઈ
આ યુવાનોએ ધાંધિયા, નવાઘરાં, વલુણા, રાજેડી, ભાટકોટા, તરકવાડિયા ગામોમાં પ્રથમ સરવેના આધારે દરેક ગામમાં ૨૫ કૂવા પસંદ કર્યાં અને છ ગામોના કુલ ૧૨૫ કૂવાઓનું દર ગુરુવારે ચકાસણી આરંભી. જે માહિતી મળે તેનું વિશ્લેષણ કરીને વિવિધ ભાગોમાં વર્ગીકૃત કરવાનું શરૂ થયું. આમ જે તે કૂવાઓનો સ્વતંત્ર ડૅટા તૈયાર થયો. તાલીમ બાદ યુવાનોએ દરેક ગામના જુદાજુદા નકશા બનાવવ્યાં.જે તેમની કામગીરીનું સૌથી અગત્યનું અંગ હતું. કામગીરી આગળ વધતી ગઈ તેમ વિવિધ નકશા તૈયાર થતા ગયા.

આ નકશાઓમાં બેઝ મેપ (ગામનાં તળાવ, કૂવાઓ દર્શાવતો નકશો), લેન્ડયુઝ મેપ (જમીનનો પ્રકાર દર્શાવતો નકશો), જિઓફાર્મોલોજી મેપ (ડુંગરાળ વિસ્તાર, નદી, વોંકળા, માટીનો પ્રકાર, કોતરો વગેરે દર્શાવતો નકશો), સરફેસ જિઓલોજી મેપ (જમીનમાંના જળસ્ત્રોત, ખડકો, તેના સ્તરના પ્રકાર દર્શાવતો નકશો), વૉટર રિસોર્સ મેપ (કૂવાઓ, તળાવો, નદી, વોંકળા, હેન્ડપંપ, ચેકડેમો જેવા પાણીના સ્ત્રોત દર્શાવતો નકશો) સિવાય વૉટરશેડ મેપ અને વૉટરશેડ પ્લાનિંગ મેપ દ્વારા અદભૂત કામગિરી શક્ય બની.

નકશાઓને આધારે પદ્ધતિમાં ફેરફાર
નકશાઓ અને આંકડાઓ પરથી ખેડૂતને પોતાના કૂવાનાં પાણી ઉપરાંત પાણીના અન્ય સ્ત્રોતની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવ્યો અને ખેડૂતોને પાકમાં ફેરફાર કરવાનું, પિયત પદ્ધતિ અને બિયારણની જાત બદલવાં જણાવાયું. ધાંધિયા ગામના ભૂજળ જાણકાર બાબુભાઈ સડાત કહે છે, “શરૂમાં ત્રણ અલગઅલગ ખેતરોમાં ઘઉંની એક જ જાતનું બિયારણ વાવી ફક્ત પાણી આપવાની પદ્ધતિ બદલી. જેમાં ખ્યાલ આવ્યો કે જીડબલ્યુ ૪૯૬(ઘઉંની એક જાત) સૌથી વધુ ૬-૭ પાણીમાં તૈયાર થાય છે. જેથી ખેડૂતોને લોક-૧ જાત વાવવાની સલાહ આપી, જે પાંચ પાણીમાં તૈયાર થતી હતી. બાદમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની જીડબલ્યુ-૨૭૩ જાત અપનાવી. જે ૩-૪ પાણીમાં તૈયાર થઈ જાય છે.”

ભાટકોટા ગામના સુજલ સમિતિના સભ્ય શાંતિભાઈ ભગોરા કહે છે, “પિયત માટે અમે ખેડૂતોના કૂવા પર વૉટરમીટર વાપરીએ છીએ. જેથી ખ્યાલ આવ્યો કે, એક વીઘા ખેતરમાં રેળ પદ્ધતિ (સળંગ લાંબો ક્યારો બનાવીને થતું પિયત)થી જીડબલ્યુ-૪૯૬ જાત માટે ૫૨,૦૦૦ લિટર જોઈએ, પરંતુ એ જ જાત ટપક પદ્ધતિથી માત્ર ૧૭,૦૦૦ લિટરમાં તૈયાર થઈ જાય છે. આમ, ખેડૂતોને રેળ પદ્ધતિ બંધ કરીને ટપક પદ્ધતિ અપનાવવા ખેડૂતોને સૂચન કરાયું. વધુ પાણી શોષતું સેન્દ્રીય ખાતર બંધ કરાવીને વર્મી કમ્પોસ્ટ(અળસિયાંનું ખાતર)નો ઉપયોગ કરવાનું સૂચવાયું.”

ભૂજળ જાણકારોની આ મહેનત આજે રંગ લાવી છે અને આ છ ગામોમાં પાણીના સ્ત્રો ઉપલબ્ધ બન્યાં છે. નવાઘરાં ગામનાં ચંપાબહેન ડામોર કહે છે, “હવે અમારે વહેલા પાંચ વાગ્યે ઊઠીને પાણી ભરવા નથી જવું પડતું. ઘરમાં પાસે જ પાણીનો બોર બનાવી શક્યા છીએ. સારી જમીનમાં ઘર માટે મકાઈ-ઘઉં વાવીએ છીએ. છોકરાંના ભણતરનો ખર્ચ કાઢવા બાકીની જમીનમાં દિવેલા, વરિયાળી, ચણા, કપાસ, તુવેર, અડદ જેવા રોકડિયા પાક વાવતા થયા છીએ. શાકભાજી વાવીને વેચીએ છીએ. આ બધું માત્ર ભૂજળ જાણકારોના કારણે શક્ય બન્યું. તેમણે પાણીની કિંમત સમજાવી છે.”

ધાંધિયા ગામની પ્રાથમિક શાળા સંચાલક સમિતિના અધ્યક્ષ જિંદુસિંહ રાઠોડ કહે છે, “કૂવાના મોનિટરિંગથી મળતાં ડેટાના આધારે આગામી ૨૫-૩૦ વર્ષ પછી પાણીની સ્થિતિ અંગેની જાણકારી મળવા લાગી છે. શાળામાં ભણતાં બાળકોને પણ પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરીને મહત્તમ ફાયદો મેળવી શકાય તે શીખવીએ છીએ.”

ભૂજળ જાણકારોની મહેનતનો સૌથી મોટો ફાયદો આ ગામોની મહિલાઓને થયો છે. બહેનોએ મળીને પોતાની બચતમંડળી શરૂ કરી છે. જેમાં આજે ચૌદ લાખ રૂપિયાનું ભંડોળ પણ છે. આ મંડળીમાં ૭૯૨ બહેનો સભ્ય છે. મંડળી દ્વારા ગીરો મૂકેલા દાગીના-જમીન પાછાં મેળવવા, બકરી-ભેંસ ખરીદવા, છોકરાંને ભણાવવા, બીમાર માતા-પિતાની સારવાર કરાવવા લોન આપવામાં આવે છે. અભણ આદિવાસીઓ માટે આ આખી ઘટના કોઈ ચમત્કારથી કમ નથી.

રિપોર્ટિંગના અંતે નવઘરાંનાં લક્ષ્મીબહેનને પૂછવામાં આવ્યું કે, “હવે આગળ શું કરશો ?” અભણ પરંતુ કોઠાસૂઝથી છલકતાં લક્ષ્મીબહેને ખોંખારો ખાઈને વટથી જવાબ આપ્યો. “સાહેબ, તમે જો જો તો ખરા!, ૨૦૨૦ સુધીમાં અમારી પોતાની બેંક ઊભી કરશું!”

ભૂજળ જાણકારોએ તેમનું પાણી માપી લીધું, પરંતુ વોટર રિસોર્સિસ પર કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ કે કોર્પોરેટ હાઉસ પણ આવી કોઠાસૂઝ ધરાવતાં લોકોની મદદ લઈને યોગ્ય દિશામાં કાર્યવાહી આરંભાય તો આવનારા ભવિષ્યમાં જેની શક્યતા જોવાઈ રહી છે એવા બેડાંયુદ્ધને ચોક્કસપણે નિવારી શકાશે. સરકારે પણ આવી બાબત ધ્યાનમાં લઈને સકારાત્મકતા દાખવવાની તાતી જરૂરિયાત છે.
નરેશ મકવાણા

You might also like