પાણીજન્ય બીમારીઅોથી સાવધાન જુલાઈમાં ૧૦૮ને ૨૭૩૦ કોલ મળ્યા!

અમદાવાદ: શહેરમાં પાણીજન્ય રોગચાળો અને વાયરલ ફીવર તરખાટ મચાવી રહ્યો છે. સરકારી અને ખાનગી દવાખાનાંઓ ઝાડા-ઊલટી અને તાવના દર્દીઓથી ઊભરાઈ રહ્યાં છે. આ ઉપરાંત પેટનો દુઃખાવો સહિતની વાયરલ ફીવરની ફરિયાદો સાથે છેલ્લા એક જ માસમાં ૨૭૩૦થી વધુ દર્દીઓએ ૧૦૮ની મદદ લીધી છે. રોગચાળાની કથળી રહેલી પરિસ્થિતિ જોતા દિન-પ્રતિદિન દર્દીઓની સંખ્યા વધી રહી છે. ૧૦૮નાં સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા એક માસમાં વાયરલ ઝાડા ઊલટીના કેસોના દર્દીની સંખ્યા વધી છે.

સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગનાં સૂત્રો મુજબ છેલ્લા એક માસથી વાતાવરણમાં ભેજ અને અમુક પ્રકારના વાયરલ હવામાં ઝડપથી ફેલાતા હોવાથી રોગચાળો દિન પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ગંદાં પાણી ચોમાસામાં ભરાયેલાં રહેતાં હોવાના કારણે રોગના પ્રમાણે ચિંતા વધારી છે. લોકો ઝાડા-ઊલટી અને તાવની ઝપટે ચઢી રહ્યા છે.

મોટા ભાગની બાંધકામની સાઈટ પર ડ્રાય ડે ઝુંબેશ કાગળ પર દેખાય છે. મજૂરોનાં રહેઠાણો શ્રમિક પરિવારો મેલેરિયા, તાવ, ઝાડા -ઊલટીના ભોગ બની રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં ૧૦૦થી વધુ દર્દીઓ રોજ પેટના દુઃખાવો, ઊલટી, તાવ, ઈન્ફેકશનના આવી રહ્યા છે. છેલ્લા એક માસ દરમિયાન ૧૦૮ દ્વારા ઝાડા-ઊલટીના ૮૪૫ કેસ તાવના ૫૦૭, છાતીમાં દુઃખાવાના ૪૭૮ અને પેટના દુખાવાના ૯૦૦ કેસો નોંધાયા હતા. ગત માસની તુલનાએ આવા કેસોનું પ્રમાણ ૩૦ ટકા જેટલું વધ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ અંગે ડો. રાજેશ ફીઝીશીયનઅે જણાવ્યું હતું કે પીવાનં પાણી, ડ્રેનેજ લાઈનમાં મિક્સિંગ, રોડ પર રખડતી ગાય-કૂતરાનાં મળમૂત્ર તેનાથી થતી ગંદકી, ખુલ્લો વેચાતો ખોરાક અને ઓટોરિક્ષાનું પોલ્યુશન અત્યારે મુખ્ય કારણ છે. જેના કારણે કમળો કોલેરા, અસ્થમા, ટાઈફોઈડ, ડેન્ગ્યુ, પેટનો દુઃખાવો વગેરે દર્દીઓ વધે છે. દર્દીએ તેના માટે ખાસ ઉકાળેલું પાણી પીવું જોઈએ, વાસી ખુલ્લો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, દવાનો છંટકાવ કરવો જોઈએ.

જુલાઈમાં ૧૦૮ને મળેલા કોલ્સ
પેટનો દુખાવો                                   ૯૦૦
છાતીમાં દુખાવો                               ૪૭૮
તાવ                                                 ૫૦૭
એસિડિટી, ઊલટી, ગેસ્ટ્રિક, ટ્રબલ     ૯૪
ઝાડા-ઊલટી ડીહાઈટ્રેશન                 ૨૭૮
ઊલટી                                              ૪૭૩
કુલ                                                    ૨૭૩૦

You might also like