અમદાવાદમાં પાણીની બૂમઃ હજુ વધુ ૧૯ આઈસોલેટેડ બોર બનાવવાની મંજૂરી

અમદાવાદ: ઉનાળાની કાળઝાળ ગરમીની સાથે સાથે રાસ્કાની શેઢી કેનાલમાંથી દરરોજ મળતું ર૦૦ એમએલડી પાણી બંધ થવાથી સ્વાભાવિકપણે શહેરભરમાંથી પાણીની બૂમ ઊઠી છે. સવાર-સાંજ પાણીના રાબેતા મુજબના પાણીના પુરવઠામાં તંત્રે ર૦ ટકા અઘોષિત પાણી કામ મૂકવાથી સર્જાયેલા કકળાટથી તંત્ર અને શાસકો ભીંસમાં મુકાયા છે. બીજી તરફ કમિશનર મૂકેશકુમારે પાણીનું નેટવર્ક ન ધરાવતા વિસ્તારના લોકોને પણ પાણી પૂરું પાડવા વધુ ૧૯ આઇસોલેટેડ બોરને મંજૂરી આપી છે.

મેગાસિટી અમદાવાદનેે સ્માર્ટ સિટી બનાવવાના બણગાં ફૂંકતાં સત્તાધીશો આજે પણ શહેરના ર૦ ટકા વિસ્તારને સરફેસ વોટર પૂરું પાડી શકતા નથી. આ વિસ્તારના નાગરિકોને નર્મદાનું કે શેઢી કેનાલ આધારિત ચોખ્ખું પાણી પીવા માટે મળતું નથી, પરંતુ બોરનું ભારે ક્ષારયુકત પાણી પીવા માટે વિવશ થવું પડે છે. અત્યારે પાણીના નેટવર્ક વગરના આ વિસ્તારમાં તંત્રના કુલ ર૯૦ આઇસોલેટેડ બોર ચાલી રહ્યા છે.

જોકે કમિશનર મૂકેશકુમારે તાજેતરમાં નવા ૧૯ આઇસોલેટેડ બોરના નિર્માણની મંજૂરી આપી છે. આ નવા બોર આગામી તા.ર૦ મેની અાસપાસ બનશે. જ્યારે પાણીની ટાંકી સાથે જોડાનારા નવા ૩૦ બોર પૈકી ૧૭ બોર બની ગયા છે, પરંતુ આ સઘળા બોરને હજુ ટાંકી સાથે જોડયા ન હોઇ સ્થાનિક લોકોને તેના પાણીનો લાભ આપી શકાતો નથી.

પશ્ચિમ ઝોનમાં ઉસ્માનપુરા, સ્ટેડિયમ, નવા પશ્ચિમ ઝોનમાં જોધપુર, સરખેજ, પૂર્વ ઝોનમાં ગોમતીપુર, રાજપુર મળીને શહેરમાં હજુ નવા ૧૩ બોર બનાવવાના બાકી છે. આ તમામ નવા બોર આગામી તા.૧પ મેની પહેલા બને તેવી શકયતા નથી. તંત્ર. નવા ૩૦ બોરમાંથી વધુ ૪૮થી પ૦ એમએલડી પાણી મેળવવાનું છે.

મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા અત્યારે દૈનિક ૧૦થી ૧ર કલાક મોટર ચલાવીને બોરમાંથી ૧પ૭ એમએલડી પાણી મેળવાઇ રહ્યું છે. જો આ બોરને ર૦ કલાક ચલાવાય તો વધુ ૧૦૦ એમએલડી પાણી મળી શકે તેમ છે, પરંતુ બોરનું પાણી ક્ષારયુકત હોઇ તેનો વધુ વપરાશ કરવાનું સત્તાવાળાઓ ટાળી રહ્યા છે.

દરમિયાન ગઇ કાલે મળેલી વોટર સપ્લાય કમિટીમાં ભાજપના સભ્યોએ અઘોષિત પાણી કાપ સામે ઉગ્ર નારાજગી વ્યકત કરી હતી. ખાડિયા સહિતના વિસ્તારમાં લોકોને પડતી તકલીફ દૂર કરવા ઝોનના ડેપ્યુટી કમિશનરે મુલાકાત લેવી જોઇએ તેવી માગણી પણ ઊઠી હતી.

You might also like