૧૦-૧૫ દિવસ પાણીની મુશ્કેલી સર્જાવા શક્યતા

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોતરપુર અને જાસપુરના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે નર્મદાનું પાણી પહોંચતું કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે નર્મદા મેઇન કેનાલમાં પમ્પિંગ મશીનરી બેસાડાઇ રહી છે, જેના કારણે આગામી ૧૦થી ૧પ દિવસ નાગરિકોએ પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો પડશે.

નર્મદા મેઇન કેનાલમાં પાણીનું લેવલ ઓછું થવાથી ધોળકા બ્રાન્ચ કેનાલમાંથી જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે હાલ લેવામાં આવતો ર૪૦ એમએલડી પાણીનો જથ્થો બંધ થનાર છે. આનાથી પશ્ચિમ ઝોનના ચાંદખેડા અને મોટેરા તેમજ નવા પશ્ચિમ ઝોનના તમામ વોર્ડમાં પાણીના પુરવઠા પર અસર ઊભી થાય તેમ છે. જાસપુરની મેઇન કેનાલથી ધોળકાની બ્રાન્ચ કેનાલમાં પાણી મેળવવા જરૂરી પમ્પિંગ મશીનરી ઇન્સ્ટોલ કરીને નર્મદા મેઇન કેનાલમાંથી પાણી લિફ્ટ કરી ધોળકા બ્રાન્ચ કેનાલમાં નાખવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.

મ્યુનિ. તંત્ર કોતરપુરના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને પણ નર્મદાનું પાણી ગ્રેવિટીથી પહોંચાડવા માગે છે, જેના કારણેે દૈનિક પ૦૦ એમએલડી પાણીનો જથ્થો ઉપલબ્ધ થઇ શકશે. આનાથી મ્યુનિ. સંચાલિત ર૦૦ જેટલા બોર તેમજ બંને ઇન્ટેકવેલ બંધ કરવાથી પણ વીજ વપરાશમાં વર્ષે રૂ.પાંચથી છ કરોડની વીજબચત શક્ય બનશે.

You might also like