નળ-ગટર અને રસ્તાના પ્રશ્નો માટે તંત્ર જાગ્યુંઃ એકશન પ્લાન ઘડાશે

728_90

અમદાવાદ: અમદાવાદને મેગા સિટી, કલીન સિટી, સ્માર્ટ સિટી એવા જાતજાતનાં છોગાંઓથી ભલે વિભૂષિત કરાય, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે આજે પણ અમદાવાદીઓના નળ, ગટર અને રસ્તાના પ્રશ્નોનું સહેલાઇથી નિરાકરણ થતું નથી. પ્રજાને માળખાગત સુવિધાઓ મેળવવા રીતસરનું ટટળવું પડતું હોઇ હવે તંત્ર આના માટે નિશ્ચિત રૂપરેખા ઘડી કાઢશે.

દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી એમપી-એમએલએની સંકલન સમિતિની બેઠકમાં તંત્રની બેદરકારીથી ખુદ ભાજપના ધારાસભ્યો અકળાઇ ઊઠે છે. જે તે ઝોનના કોર્પોરેટરો સાથે જે તે ઝોનના ડેપ્યુટી કમિશનરે દર મહિને એક બેઠક યોજીને ઝોનલ સ્તરના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કમિશનરે પરિપત્ર કર્યો છે, ગઇ કાલે મોડી સાંજે મેયર ગૌતમ શાહની એન્ટિચેમ્બરમાં બંધબારણે શાસક, વિપક્ષ અને વહીવટીતંત્ર વચ્ચે સંયુક્ત બેઠક યોજાઇ હતી. જેમાં મેયર ઉપરાંત કોંગ્રેસ તરફથી નેતા દિનેશ શર્મા, પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી તેમજ ખુદ કમિશનર મૂકેશકુમાર ઉપસ્થિત હતા.
ટૂંક સમયમાં જે તે ઝોનના ડેપ્યુટી કમિશનરને પ્રત્યેક મહિનાની નિશ્ચિત તારીખે આ બેઠક યોજી કોર્પોરેટરો સાથે નાગરિકોની સમસ્યાના નિરાકરણ માટે ગંભીરતા દાખવવાની ફરી તાકીદ કરાશે.
http://sambhaavnews.com/

You might also like
728_90