પાણીને સ્વચ્છ કરવા એક કરોડની ફટકડી ખરીદાશે!

અમદાવાદ: અમદાવાદીઓ માટે પીવાનું પાણી ડહોળું અાવે તેમાં હવે કોઇ નવાઇ નથી રહી. કેમ કે શહેરભરમાં ડહોળાં પાણીની સમસ્યા બારેમાસની બની છે, પરંતુ મ્યુનિ. કોર્પોરેશન તો કલોરિનેશન કરવા પાછળ દર વર્ષે લાખો-કરોડોનું આંધણ કરતું આવ્યું છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા ડહોળાં પાણીને સ્વચ્છ કરવા રૂ.૧.૦૭ કરોડના ખર્ચે ફટકડી ખરીદવાનાં ચક્ર ગતિમાન કરાયાં છે.

તંત્રની દરખાસ્ત મુજબ વાર્ષિક રેટ કોન્ટ્રાકટથી કુલ ૭પ૦ મેટ્રિક ટન ફટકડીનો જથ્થો પ્રતિ મેટ્રિક ટન રૂ.૧૪,૩૦૦ના ભાવથી ખરીદવામાં આવશે. ફટકડીના કુલ જથ્થાનો ૬૦ ટકા જથ્થો એલ-૧ ટેન્ડરર સનફલેકસ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ખરીદાશે. અન્ય ૪૦ ટકા હિસ્સા માટે અન્ય ટેન્ડરરો જો એલ-૧ના ભાવે ફટકડી આપવા તૈયાર ન થાય તો સનફલેકસ પાસેથી સો ટકા જથ્થો ખરીદાશે. જોકે આમાં સૌથી ચર્ચાસ્પદ બાબત એ છે કે જો સમગ્ર વર્ષ દરમિયાન આટલી જંગી માત્રામાં પ્રજાના ટેકસનાં નાણાંથી ફટકડી ખરીદાતી હોય તેમ છતાં ડહોળાં પાણીની સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ બનતી જાય તેમજ બાળકો, વૃદ્ધો, પાણીજન્ય કોલેરા જેવા રોગનો ભોગ બને તો શું વોટર ઓપરેશન વિભાગ ફટકડીનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે? કે પછી ફટકડીનું સેમ્પલ સારું બનાવાય, પરંતુ તેનો પાછળથી હલકી ગુણવત્તાનો જથ્થો તંત્રને પધરાવી દેવાય છે? અથવા તંત્ર જથ્થાની ગુણવત્તા ચકાસવાણી મહેનત કરતું નથી?

આ ઉપરાંત તંત્ર દ્વારા પેપરલેસ ગવર્નન્સનાં બણગાં ફૂંકવાં સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડા ઇ મેઇલ મારફતે સ્ટેન્ડિંગ સભ્યોને મોકલવાનાં નાટક કરાય છે. તો બીજી તરફ તંત્ર એ/૪ સાઇઝના કમ્પ્યૂટર પેપરનાં ર૦,૦૦૦ નંગ પેકેટ આશરે રૂ.ર૯.૩૭ લાખના ખર્ચે ખરીદશે. આની સાથે સાથે નવા પશ્ચિમ ઝોનના આંબલી ગામમાં પાણીની ટાંકી પાસે રૂ.૬૮.પપ લાખના ખર્ચે નવું અર્બન હેલ્થ સેન્ટર બનાવવાની દિશામાં પણ કવાયત હાથ ધરાઇ છે.

You might also like