કાંકરિયા લેકફ્રન્ટના સ્ટોલ પર પાણીની બોટલ બેરોકટોક વેચાતી રહેશે!

અમદાવાદ: આબાલ વૃદ્ધોના માનીતા કાંકરિયા લેકફ્રન્ટમાં પર્યાવરણની રક્ષાના નામે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ અગાઉ સહેલાણીઓ દ્વારા પીવાના પાણીની પ્લાસ્ટિકની બોટલ લઇ જવા પૂર્ણ પણે પ્રતિબંધ મૂકવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરી હતી.

જો કે આ મામલે ભારે ઊહાપોહ થતા તંત્ર પારોઠનાં પગલાં ભરીને સહેલાણીઓને છુટછાટ આપવાની મને કમને ફરજ પડી છે. જો કે આશ્ચર્યજનક બાબત એ છે કે, કાંકરિયા લેકફ્રન્ટમાં ધમધમતા ફૂડસ્ટોલ પર પાણીની પ્લાસ્ટિકની બોટલ બેરોકટોક વેચાતી રહેશે. તંત્રે ફૂડસ્ટોલવાળા પર કોઇ પણ જાતનો પ્રતિબંધ મૂક્યો નથી.

ગઇ કાલે મ્યુનિસિપલ સત્તાધીશોએ પાણીનાં પાઉચ, પ્લાસ્ટિકનાં ઝભલાં થેલી પર પૂર્ણ પ્રતિબંધ મૂકવાની સાથે સાથે કાંકરિયા લેકફ્રન્ટના સહેલાણીઓ પાસેથી પાણીની પ્લાસ્ટિકની બોટલને અંદર લઇ જવા માટે પ્રતિ બોટલ રૂ.૧૦ની ડિપોઝિટ પેટે લેવાનો આદેશ કર્યો છે.

કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાતે દરરોજના ૧પથી ર૦ હજાર સહેલાણી આવતા હોય છે. કાંકરિયાના પુષ્પકુંજ, ફુટબોલ ગ્રાઉન્ડ, વ્યાયમશાળા, દેડકી ગાર્ડન, બાલવાટિકા, એમ્યુઝમેન્ટપાર્ક અને નગીનાવાડી એક કુલ સાત ગેટ પરથી પાણીની બોટલ અંદર લઇ જવા માગતા સહેલાણીઓએ તે માટે નિર્ધારિત કરેલા ચોક્કસ નિયમ પાળવા પડશે. સવારે ૪થી ૮ વાગ્યા સુધી મોર્નિંગ વોકર્સ માટે મફત એન્ટ્રી છે પરંતુ તેઓએ પણ નિયમનું પાલન કરવું પડશે.

ગેટ પરના સિક્યોરિટી ગાર્ડ દ્વારા સહેલાણીનું આધારકાર્ડ, પાનકાર્ડ, વોટરકાર્ડ, પાસપોર્ટ સહિતના કોઇપણ એક આઇડીપ્રૂફનો નંબર, હસ્તાક્ષર અને પ્રતિ બોટલ રૂ.૧૦ પ્રમાણે રજિસ્ટ્રેશન કરાશે. ત્યારબાદ પરત ફરતી વખતે સહેલાણી પાણીની ખાલી કે ભરેલી બોટલ ગાર્ડને બતાડીને ડિપોઝિટ પાછી મેળવી શકશે. કાંકરિયા લેકફ્રન્ટમાં પ્લાસ્ટિક વેસ્ટના ઢગલાને થતા રોકવા માટે સહેલાણીએ ગેટ બહારના ડસ્ટબિનમાં પાણીની બોટલનો નિકાલ કરવો પડશે.

બીજી તરફ બલૂન સફારી, ઝૂ, બાલવાટિકા, એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ એક્સપ્રેસ રેલવે સ્ટેશન અને નગીનાવાડીમાં ધમધમતા ૪પથી વધુ ફૂડ સ્ટોલ પરથી લેવાયેલી પાણીની બોટલનું કોઇ રજિસ્ટ્રેશન થતું ન હોઇ તેની ડિપોઝિટની રકમ પાછી મેળવવાની ન હોઇ તેનો નિકાલ લેકફ્રન્ટના ડસ્ટબિનમાં કરી શકાશે! બીજા અર્થમાં ફૂડ સ્ટોલ પરથી દરરોજ વેચાતી હજારથી વધુ પાણીની બોટલના પ્લાસ્ટિક વેસ્ટ સામે તંત્રને કોઇ વાંધો નથી!

You might also like