પાણીની બોટલ પણ બીમારીનું બની શકે છે કારણ

ઓફિસ હોય કે ઘર-દરેક સ્થળે વોટર બોટલનો ઉપયોગ સામાન્ય બની ગયો છે, જોકે આ વોટર બોટલ બીમારીનું કારણ પણ બની શકે છે. બોટલ પ્લાસ્ટિક, સ્ટેનલેસ સ્ટીલ કે કાચની હોય તો પણ જો એની સફાઇ વ્યવસ્થિત રીતે કરવામાં ન આવે તો બીમારી થવાની શક્યતા વધી જાય છે.

બોટલમાં પાણી રહેતું હોવાથી હંમેશાં એમાં ભેજ રહે છે, જે બેકટેરિયાને વિકસવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. આ બેક્ટેરિયાના કારણે ડાયરિયા, ઊલટી કે જુલાબ પણ થઇ શકે છે. આમ, બોટલ ઢાંકણવાળી હોય કે સ્ટ્રોવાળી હોય, એની રોજેરોજ સફાઇ થવી અત્યંત આવશ્યક છે, જેથી એમાં કોઇ પણ પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન ન થઇ શકે.

ગેસ્ટ્રોએન્ટરાઇ‌િટસ અને ફૂડ પોઇઝનિંગ થવા માટે પણ બોટલનું પાણી જવાબદાર હોય છે. ગંદી બોટલના કારણે ટોન્સિલની બીમારી પણ થઇ શકે છે. ડોક્ટરોના કહેવા મુજબ પાણીની બોટલને રોજ ગરમ પાણી અને વાસણ ધોવાના સાબુથી સ્વચ્છ કરવી જોઇએ.

ધોયા બાદ સ્વચ્છ કોરા કપડાંથી લૂછવી જોઇએ, જેથી બેક્ટેરિયા ફરીથી બોટલમાં પ્રવેશી ન શકે. વિનેગરના ઉપયોગથી પણ બોટલ સાફ કરી શકાય છે, એનાથી તમામ પ્રકારના વાઇરસ અને બેક્ટેરિયા દૂર થઇ જાય છે.

You might also like