સોશિયલ મીડિયા પર પોતાનાં બાળકોના ફોટા અને વીડિયો શેર કરતાં પહેલાં સાવધાન!

મુંબઇ: ગ્લોબલ સાયબર સિકયોરિટી ફર્મ McAfee એ તાજેતરમાં એક સર્વે કર્યો છે. જેમાં ખુલાસો થયો છે કે મોટા ભાગનાં ભારતીય પેરન્ટસ પોતાના બાળકોનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

‘ધ એજ ઓફ કન્સેન્ટ’ નામથી કરાયેલા સર્વેમાં કહેવાયું છે કે ભારતમાં ૪૦.પ ટકા માતા-પિતા રોજ પોતાના બાળકનો કમસેકમ એક ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. જ્યારે ૩૬ ટકા માતા-પિતા અઠવાડિયામાં એક વાર આમ કરે છે.

સર્વે મુુજબ ૭૬ ટકા પેરન્ટસને એ વાતની જાણ છે કે સોશિયલ મીડિયા પર બાળકોનો ફોટો કે વીડિયો શેર કરવાને કારણે તેનો ખોટો ઉપયોગ થઇ શકે છે. તેમ છતાં પણ પેરન્ટસ આમ કરે છે.  મુંબઇના ૬૬.પ ટકા પેરન્ટસ માને છે કે તેમણે પોતાના બાળકોનો ફોટો કે વીડિયો શેર કરતાં પહેલાં કોઇ ત્રીજી વ્યકિતની સલાહ લેવાની જરૂર નથી. જ્યારે આ બાબતમાં દિલ્હી બીજા અને બેંગલુરુ ત્રીજા નંબર પર છે.

આ સર્વેમાં જાણવા મળ્યું છે કે મુંબઇમાં રહેતા ૪૮ ટકા માતા-પિતા રોજ પોતાનાં બાળકોનો કમસેકમ એક ફોટો કે વીડિયો જરૂર શેર કરે છે. જ્યારે દિલ્હીના ૩૮.પ અને બેંગલુરુના ૩૧ ટકા માતા-પિતા આમ કરે છે. સર્વેમાં સામેલ ૬૭ ટકા માતા-પિતાનું માનવું છે કે સ્કુલ યુનિફોર્મમાં પોતાના બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવાથી ખતરો રહે છે. તેનાથી કોઇ ત્રીજી વ્યકિતને બાળક અંગે જાણકારી મેળવવામાં સરળતા રહે છે.

સર્વેમાં એક દિલચસ્પ વાત એ પણ સામે આવી છે કે પોતાનાં બાળકોનો ફોટો કે વીડિયો શેર કરવાની બાબતમાં પિતા આગળ છે. સર્વે મુજબ ૪૭ ટકા માતાઓએ માન્યું કે તેઅો કયારેય પોતાના બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી નથી. આ સર્વેમાં દિલ્હી, મુંબઇ અને બેંગલુરુના ૧,૦૦૦ માતા-પિતાને સામેલ કરાયા હતા.

McAfee નું કહેવું છે કે ફોટો પોસ્ટ થવાની સાથે જ મોટા ભાગના સોશિયલ નેટવર્ક યુઝર્સ લોકેશનને ટ્રેક કરવા લાગે છે તેથી ફોટો પોસ્ઠ કરતાં પહેલાં માતા-પિતા એ ધ્યાન રાખે કે લોકેશન ઓફ હોય. ખાસ કરીને જ્યારે તેઓ દૂર હોય. આ ઉપરાંત McAfee એ એમ પણ કહ્યું કે પેરન્ટ પોતાના બાળકોનો ફોટો અને વીડિયો માત્ર પોતાની ઓળખવાળા લોકો સાથે જ શેર કરે.

You might also like