કચરો પ્રોસેસ કરવામાં નિષ્ફળ કંપનીની રૂ. ૧.૫૦ કરોડની ડિપોઝિટ જપ્ત કરાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ૧૦૦૦ મેટ્રિક ટન ઘનકચરાને પ્રોસેસ કરવાની કામગીરી વર્ષ ૨૦૧૩માં આપી હતી. આ માટે પ્રોજેક્ટ સ્થાપવા ૧૩ એકર જમીન પણ એ ટુ ઝેડ ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.ને મ્યુનિ. કોર્પોરેશને આપી હતી. પ્રોજેકટ સમયમર્યાદામાં શરૂ ન થતાં મ્યુનિ. કોર્પોરેશને રૂ. ૧.૫૦ કરોડની બેન્ક ગેરંટી જપ્ત કરવા, જમીનનો કબજો પરત લેવા, લીકવિડેટેડ ડેમેજિસનાં રૂ. ૫૭ લાખ વસૂલ કરવા અને કંપનીને બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થઇ છે. જે અંગે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પીરાણા ખાતે આજ ધોરણે અન્ય છ કંપનીઓને વિશાળ જમીન અને અન્ય સવલતો આપ્યા છતાં કંપનીએ જમીનનો કબજો મેળવ્યા પછી કરાર મુજબના કચરાનું પ્રોસેસિંગ કરતી નથી અને કેટલીક કંપની પ્રોસેસિંગ કરે છે પણ કરાર કરતાં ઓછા વજનનું જ પ્રોસેસિંગ કરે છે. આમ આગામી દિવસોમાં કચરાનો તાત્કાલિક નિકાલ નહીં થાય તો મોટી સમસ્યા વધશે.

બહેરામપુરા વોર્ડમાં નારોલ-સરખેજ હાઇવે ઉપર કચરાના મોટા ડુંગરો સર્જાયા છે. જેના કારણે આ વિસ્તારમાં ઝેરી ગેસનું ઉત્પાદન થાય છે. જે માનવજીવન માટે હાનિકારક છે.મ્યુનિ. વિપક્ષ દ્વારા આવી કંપનીઓ કે જે કચરાના પ્રોસેસિંગની કામગીરી પૂરતા પ્રમાણમાં ન કરતી હોય તેમની સામે પગલાં લેવાં, જમીન પરત લેવા, ડિપોઝિટ જપ્ત કરવા માગણી કરવામાં આવી છે.

You might also like