કચરાના નિકાલમાં નિષ્ફળ કંપની સાથે મ્યુનિ. વીજળી પેદા કરવાનો કરાર કરશે

અમદાવાદ: અમદાવાદમાં દરરોજ ૪૨૦૦ મેટ્રિક ટનથી વધારે ઘન કચરો ઉત્પન્ન થાય છે. આ તમામ કચરાનું ડમ્પિંગ પીરાણા ડમ્પિંગ સાઈટ પર કરવામાં આવે છે. મ્યુનિ. તંત્ર દ્વારા કચરામાંથી ખાતર, વીજળી, બાયોગેસ જેવા બાય પ્રોડક્ટના ઉત્પાદન માટે વિવિધ કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે. પરંતુ આ મોટા ભાગના કરાર ફક્ત ‘ઓનપેપર’ રહેવા પામ્યા છે. જેના કારણે હવે તંત્રે ચાર વર્ષ જૂના કચરામાંથી વીજળી પેદા કરવાના ઠરાવ પરથી ધૂળ ખંખેરવા જઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૨થી મ્યુનિ. સત્તાવાળાઓએ દૈનિક ૪૨૦૦ મેટ્રિક ટન કચરો પ્રોસેસ કરવાના ચક્ર ગતિમાન કર્યાં હતાં. જેમાં એ ટુ ઝેડ ઈન્ફ્રા. લિમિટેડ કંપની, એબેલોન કંપની વગેરેનો સમાવેશ થાય છે. આ કંપનીઓને દરરોજ ૧૦૦૦ મેટ્રિક ટન કચરો પ્રોસેસ કરવાનો હતો. જે માટે પીરાણા ડમ્પિંગ સાઈટ ખાતે એ ટુ ઝેડને ૧,૧૨,૫૦૦ ચો.મી. અને એબેલોનને ૫૮,૫૦૦ ચો.મીટર જમીન ફાળ‍વાઈ હતી.

જોકે કોઈ કંપનીએ કામગીરી શરૂ ન કરતાં એ ટુ ઝેડનો કોન્ટ્રાક્ટ રદ કરીને બેન્ક ગેરન્ટી જપ્ત કરીને ફક્ત રૂ.૫૭ લાખનો દંડ કરાયો હતો. આ કંપનીને બ્લેક લિસ્ટ ન કરાતાં વિવાદ ઉઠ્યો છે. પરંતુ એબેલોન કંપનીને ફરીથી ‘નવી તક’ આપવાની દિશામાં ચક્ર ગતિમાન કરાતાં નવેસરથી વિવાદનો વંટોળ ઊઠ્યો છે.

એબેલોનને છ મહિનામાં પ્લાન્ટ સ્થાપવા સહિતનો વધારાનો સમયગાળો ચાર ચાર વર્ષ બાદ પુનઃ અપાશે. આજે મળનારી હેલ્થ કમિટીની બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આ અંગેની દરખાસ્ત રજૂ કરી છે. ખરેખર તો કોર્પોરેશને આવી તમામ કંપનીઓ પાસેથી જમીન પરત લઈ તેમજ બ્લેકલિસ્ટ કરીને કડકાઈ દાખવવાની જરૂર છે. પરંતુ અગમ્ય કારણસર સત્તાધીશો નરમાશ દાખવી રહ્યા છે. હેલ્થનાં વર્તુળોએ એવો દાવો કર્યો છે કે ‘એબેલોને જર્કમાંથી વીજળી ઉત્પન્નમાં થતી ખોટને સરભર કરવા આદેશ મેળવ્યો છે. એટલે આ કંપનીની વિદ્યુત વેચાણની ખોટ સ્વચ્છ ભારત મિશનના ફંડમાંથી પૂરી કરાશે. જેના કારણે હવેથી કચરો પ્રોસેસ કરવાની પ્રક્રિયા ઝડપભેર હાથ ધરાશે. ભવિષ્યમાં તંત્ર પાસેથી કચરો પ્રોસેસિંગ માટે મેળવવા વિવિધ કંપનીઓ પડાપડી કરશે!

You might also like