વોશિંગ્ટનની ફ્રીમેન હાઈસ્કૂલમાં ફાયરિંગઃ એકનું મોત, ત્રણ ઘાયલઃ એકની ધરપકડ

વોશિંગ્ટન: અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના સાઉથ સ્પોકેનની એક હાઇસ્કૂલમાં થયેલા ગોળીબારમાં એકનું મોત થયું છે અને ત્રણ ઘાયલ થયા છે. ફાયર બ્રિગેડના અધિકારીએ આ ઘટનાની માહિતી આપી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર શકમંદની અટકાયત કરવામાં આવી છે.

સ્પોકેન ફાયર ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે રોકફોર્ડના ફ્રીમેન હાઇસ્કૂલમાં થયેલા ફાયરિંગમાં એક વ્યકિતનું મોત થયું છે અને ઘવાયેલા ત્રણને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કે જ્યા તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાય છે.

‘ધ સ્પોકસમેન રિવ્યૂ’ અખબારના અહેવાલો અનુસાર રોકફોર્ડ સ્પોકેન કાઉન્ટીની દ‌િક્ષણમાં આવેલું છે. કાઉન્ટીના શેરિફ ઓજી કનેજોવિકે જણાવ્યું હતું કે ફાયરિંગ કરનાર હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના બાદ અનેક એમ્બ્યુલન્સ અને લાઇફ ફલાઇટ હેલિકોપ્ટર સ્કૂલમાં મોકલી અપાયાં છે.

સ્પોકેન પબ્લિક સ્કૂલ્સેે ટ્વિટર પર જણાવ્યું હતું કે ફ્રીમેન હાઇસ્કૂલમાં કરવામાં આવેલા ગોળીબારના કારણે તમામ શાળાઓ તકેદારીના પગલાંરૂપે બંધ કરી દેવામાં આવી છે. ફ્રીમેન હાઇસ્કૂલના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તે જુનિયર સ્ટુડન્ટ છે અને ફાયરિંગ થયું તે પહેલાં તે સ્કૂલની બહાર નીકળી ગયો હતો. તેણે લખ્યું છે કે ગોળીબારના ચાર રાઉન્ડ છોડવામાં આવ્યા હતા. સ્પોકેનના શેરિફની ઓફિસે ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. એવરી ટાઉન ફોર ગન સેફટી અભ્યાસ અનુસાર ર૦૧૩ બાદ યુએસમાં ૧૪ર સ્કૂલોમાં ફાયરિંગની ઘટનાઓ ઘટી છે.

You might also like