જેલના ૧૨૩ કેદીઓ ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા આપશે

અમદાવાદ: રાજ્યભરમાં આવેલી જેલમાં નાની-મોટી સજાઓ કાપી રહેલા ૧૨૩ કેદીઓ શિક્ષણબોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ-૧૦માં માત્ર ૧ મહિલા અને ૮૯ પુરુષ જ્યારે ધોરણ-૧૨માં ૩૩ પુરુષ કેદી બોર્ડની પરીક્ષા આપશે. જેલના કેદીઓનાં પરીક્ષાફોર્મ જે તે સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ભરાયા હતા. રાજ્યની ચાર જેલમાં કેદીઓનાં પરીક્ષાફોર્મના આધારે બેઠક ફાળવવામાં આવી છે. રાજ્યની ચાર મુખ્ય જેલ અમદાવાદની સેન્ટ્રલ જેલ, સૌરાષ્ટ્રના કેદીઓ માટે રાજકોટ જેલ, મધ્ય ગુજરાતના કેદીઓ માટે વડોદરા જેલ અને દક્ષિણ ગુજરાતના કેદીઓ માટે સુરતની સેન્ટ્રલ જેલમાં વર્ગખંડ ઊભા કરવામાં આવશે. કેદીઓની પરીક્ષાનું મો‌િનટ‌િરંગ અને અન્ય કામગીરી જેલ સુપરિન્ટેન્ડેન્ટ અને શિક્ષણ બોર્ડ સાથે મળીને કરશે, જે સુપરવાઈઝર તરીકે જે તે જેલમાં સ્થાનિક કક્ષાએથી શિક્ષણબોર્ડ દ્વારા શિક્ષકો મૂકવામાં આવશે.

જેલમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી રહેલા કેદીઓમાં ૩૭ કેદી જનમટીપની સજા પામેલા છે, જ્યારે ૨૩ કેદીઓ કાચા કામના કે ૫૫૦ દિવસની સજા પામેલા છે. ધોરણ-૧૦ની પરીક્ષા આપી રહેલી એકમાત્ર મહિલા કેદી કાજલબહેેન ભટ્ટ હત્યાના આરોપ હેઠળ સજા કાપી રહી છે, જેની ઉંમર ૨૦ વર્ષ છે. ધોરણ-૧૨ની પરીક્ષા આપી રહેલા ૩૩ કેદીઓમાંથી ૮ કેદીઓ જનમટીપની સજા કાપી રહ્યા છે. ૧૩ કેદીઓ કાચા કામની સજા કાપી રહ્યા છે. જ્યારે અન્ય ૩૦૨, ૩૦૭, ૩૭૬, ૩૬૩ કલમ હેઠળ જુદી જુદી સજા કાપી રહ્યા છે. ગત વર્ષની તુલનાએ ધોરણ-૧૦માં ૧૧ કેદી ઘટ્યા છે. ગત વર્ષે ૧૦૧ કેદીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે આ વર્ષે ધોરણ-૧૨માં ગત વર્ષની તુલનાએ ૪૩ની સામે ૩૩ કેદીઓ એટલે કે ૧૦ કેદીઓ ઘટ્યા છે.

http://sambhaavnews.com/

You might also like