અન્યાય અને અપમાનને ક્ષમાભાવનાના નીરથી ધોઇ નાંખો….

આપણે એક યા બીજા પ્રકારની અન્યાયની તીવ્ર લાગણી અનુભવીએ છીએ...

  • ભૂપત વડોદરિયા

‘આ દુનિયામાં ન્યાય જેવું કશું જ નથી !’ આ વારંવાર સાંભળવા મળતું વાક્ય છે. માત્ર આપણે ત્યાં જ નહીં પણ અન્ય દેશોમાં આ જોવા મળે છે. મશહૂર નવલકથા ‘ધી ગોડફાધર’ આ લાગણીથી પ્રારંભ પામે છે. કથાના પ્રારંભિક પ્રકરણમાં એક કન્યાના પિતા અન્યાયની અસહ્ય લાગણી વચ્ચે ‘ગોડફાધર’ની મદદ લેવા જાય છે. ‘ગોડફાધર’ વ્યંગ્યમાં કહે છે, ‘બસ, અદાલતનાં બારણાં ખખડાવીને થાક્યા ? તમારે ન્યાય જોઈએ છે ને ? બોલો, પેલા જુવાનને શી શિક્ષા કરવી છે ? તેના હાથપગ ભંગાવી નાંખું ?’

હરેક સમાજમાં લાખો મનુષ્યો એક યા બીજા પ્રકારની અન્યાયની તીવ્ર લાગણી અનુભવે છે. આમાંથી કેટલાંક અદાલતોના દ્વારે જાય છે. કેટલાક ગોડફાધર જેવી કોઈ ગુંડા ટોળીનો આશ્રય લઈને આરોપીને સીધોદોર કરી દેવાનું કાવતરું રચે છે. છતાં ઘણાં માણસો પોતાના મનમાં અન્યાયની તીવ્ર લાગણી ભંડારીને જીવે છે. અન્યાયનો કાંટો મનમાંથી નીકળતો નથી. એ વારેવારે પ્રશ્ન કરે છે કે ન્યાય જેવું કંઈ નથી ?

જિંદગીને જરા પણ બારીકાઈથી જોઈશું તો લાગશે કે જેને આપણે ન્યાય-અન્યાય કહીએ છીએ. એને ત્રાજવે જીવનને તોળીશું તો જણાશે કે માણસ અન્યાયને વારસામાં લઈને જન્મે છે. એક કિશોર છે. તેના પગ કોઈએ ભાંગી નાખ્યા નથી. એના પગ પક્ષાઘાતથી જકડાઈ ગયા છે. કોઈ માણસની મોટર નીચે એ આવી ગયો હોત તો આ કિશોરના પિતાનો રોષ એ મોટરવાળા પ્રત્યે કેદ્રિત થયો હોત; પણ અહીં કોઈ મોટરવાળો જ નથી, કુદરતે જ એને પાંગળો બનાવ્યો છે. આવી સ્થિતિમાં માનવી ભગવાનને સવાલ કરે છે કે, અરે ભગવાન તારો આ ન્યાય કેવો ? મેં કદી કોઈનું બગાડ્યું નથી, જાણી જોઈને કોઈ હિંસા કરી નથી, છતાં મારા પુત્રનો જ પગ કેમ છીનવી લીધો ? ધાર્મિક પિતાનો પુત્ર લાકડાની ઘોડીએ ચાલે અને પાપીનો પુત્ર ઘોડે ચડે?

કેટલાક માણસો એક નાનામાં નાના અન્યાય માટે સરકારી કચેરીના સત્તર ધક્કા ખાય છે. અદાલતોનાં પગથિયાં ગણે છે. બધું કામ ભૂલીને એ ન્યાય મેળવવા લાંબી ખટપટમાં પડે છે. એમની જિંદગીનું મુખ્ય કાર્ય જ ન્યાય મેળવવાની ઝંખના બની જાય છે. બહુ વર્ષો વીતી જાય છે ત્યારે તેમને ભીતિ થાય છે કે જીવનને સંતોષ થાય તેવો ન્યાય તો ન જ મળ્યો, પણ ન્યાય મેળવવાની કોશિશમાં ને કોશિશમાં ઘણાં ઉત્તમ વર્ષો બરબાદ કર્યાં, ઘણી શક્તિ વેડફી નાખી.

જિંદગીમાં સુખી થવાનો માર્ગ અન્યાયની લાગણીને વ્યાપક ક્ષમાભાવનાથી ધોઈ નાખવાનો છે. બહુ ન્યાયની પાછળ પડવા જેવું નથી. ન્યાયની પાછળ દોટ મૂકવા છતાં જિંદગીનો પંથ ભુલાઈ જાય છે. ન્યાય મેળવવાની તાલાવેલીમાં જીવનનો આનંદ ખોઈ બેસીએ છીએ. ન્યાયનું કામકાજ આપણી જીત પર નાખવા જેવું નથી. એ કુદરત પર છોડી દો. હૈયામાં ક્ષમાની સરવાણી વહાવો. અન્યાયની લાગણી ધોવાનો એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

માણસ ગમે તેટલો સાવધાન હોય, સહિષ્ણુ હોય, ને નમ્ર હોય, સીધા રસ્તાનો રાહી હોય તો પણ નાના નાના અન્યાયો અને આવાં નાનાં નાનાં અપમાનો તેને જ્યાં ને ત્યાં ભેટ મળવાનાં જ. આ બધાનો મુકાબલો કરવાની જરૃર જ નથી. આપણે માનવ વસ્તીમાં જીવીએ છીએ અને આપણને આ ધક્કામુક્કીની કંઈક અસર થવાની જ. આ નાનાં નાનાં અન્યાય, અપમાન, અણગમાને મનમાં ભેગા કરીને જીવીએ તો જીવનની મજા જ ના રહે. સહેલો ને સાચો રસ્તો આવી બાબતોને મનમાંથી હાંકી કાઢવાનો ને આપણી ખુશમિજાજી યા ખેલદિલીને સતત બહેલાવતા રહેવાનો છે. છેવટે તો આ બધાં નાનાં નાનાં અન્યાયો, અપમાનો કે અગવડોને વધુમાં વધુ સંબંધ આપણા મિજાજના પારા સાથે હોય છે. આવી બાબતોથી ખરેખર આપણને કોઈ મોટી પરેશાની કે નુકસાન થતું નથી, પણ નજીવી બાબતમાં આપણો મિજાજ ભડકી ઊઠે છે અને બગડેલો મિજાજ પછી નાનામાં નાના આવરણને મોટો પહાડ બનાવી દે છે.

માણસને ક્યારેક અત્યંત વિકટ પરિસ્થિતિમાં મિજાજ ગુમાવવાનું મન પણ થાય. માણસે મનની વરાળ કાઢવી તો પડે છે. જવાહરલાલ નેહરુની વારેવારે મિજાજ ગુમાવવાની ટેવ પર એક વાર મહાત્મા ગંધીએ હળવી ટકોર કરી ત્યારે જવાહરલાલે એવો જ રમૂજી જવાબ આપ્યો હતો, ‘બાપુ, અત્યારે આપણી પાસે ગુમાવવા જેવી ચીજ એ એક જ છે!’ આપણો બગડેલો મિજાજ કોઈક વાર આનંદના પ્રસંગનેય બરબાદ કરી શકે છે.

જગતની દસ શ્રેષ્ઠ નવલકથાઓમાં જેની ગણના થઈ છે તે ‘મોબી ડીક’માં (લેખક હરમાન મેલ્વીલ) એક જગ્યાએ એક માણસના મોંમાં કંઈક આવા શબ્દો મૂકેલા છે ઃ ‘ધન્યવાદ એ મરદને, જે તેના છેલ્લા શ્વાસ સાથે કહી શકે છે કે, હે પિતા (ઈશ્વર) ! અહીં હું વિદાય પામું છું. આ જગતનો કે મારો પોતાનો બનવા કરતાં મેં હંમેશા તારો જ બની રહેવાની કોશિશ કરી છે. પણ એમાં શું? જે કંઈ અનંત છે તે હું તને સોંપીને જાઉં છું ! પોતાના ઇષ્ટદેવની પહેલાં જ ચાલ્યો જવાનો વિવેક ના બતાવે તે કઈ જાતનો માનવ!’

માનવ સંસારમાં સમજી ન શકાય, નિકાલ કરી ના શકાય તેવા અન્યાયો અપરંપાર છે. ન્યાયાધીશ થવાનું તો કોઈનું ગજું જ નથી; કેમકે અહીં બધા ફરિયાદીઓ તેમજ આરોપીઓ સાક્ષીઓ તરીકે પણ નામ લખાવી ચૂક્યા છે. કોણે કોને અન્યાય કર્યો છે કે કોણ તેના સાક્ષી છે તેનો નિર્ણય કરવાની વાત માણસની ત્રેવડ બહારની છે.

——————–.

You might also like