પરિમલ ગાર્ડન બહાર આડેધડ પાર્કિંગ કરનાર મોર્નિંગ વોર્ક્સને ચેતવણી

અમદાવાદ: શહેરમાં આડેધડ પાર્ક કરેલાં વાહનો પર પોલીસે કરેલા મેગા ઓપરેશન બાદ પણ વાહનચાલકોમાં વાહન પાર્કિંગના મામલે જોઇએ એવી શિસ્ત હજુ આવી નથી. વહેલી સવારે અથવા તો મોડી રાતે વાહનચાલકો જ્યાં-ત્યાં પોતાનાં વાહન પાર્ક કરીને જતા હોય છે. આજે વહેલી સવારે પરિમલ ગાર્ડન પાસે મોર્નિંગ વોક માટે આવેલા લોકોએ ગેટ પાસે આડેધડ પાર્કિંગ કરતાં પોલીસે વાહન પાર્ક નહીં કરવા ચેતવણી આપી હતી.

આજે વહેલી સવારે ટ્રાફિક ડીસીપી અક્ષયરાજ મકવાણા મોર્નિંગ વોક માટે પરિમલ ગાર્ડન ગયા હતા. ગાર્ડનની બહાર ગેટ પાસે આડેધડ પાર્ક થયેલાં વાહનોને જોઇને તેમણે ફોન કરીને ટ્રાફિક પોલીસની સ્કવોડ બોલાવી હતી.

ગાર્ડનના ગેટ પર નો પાર્કિંગનું બોર્ડ લગાવેલું હોવા છતાંય લોકોએ પોતાનાં વાહન પાર્ક કર્યાં હતાં. પોલીસ આવતાં મોર્નિંગ વોક માટે આવેલા લોકો બહાર દોડી આવ્યા હતા. ડીસીપીએ લોકોને સમજાવ્યા હતા અને વાહન પાર્ક નહીં કરવાની સૂચના આપી હતી.

આ મામલે ડીસીપી અક્ષયરાજે જણાવ્યું હતું કે આજે સવારે પણ તેઓ પરિમલ ગાર્ડનમાં ગયા ત્યારે બહાર ગેટ પર લોકોએ આડેધડ વાહન પાર્ક કર્યાં હતાં. તેથી પોલીસની ટીમને બોલાવી દીધી હતી.

પોલીસ વાહન ડિટેઇન કરવા ક્રેન લઇને પહોંચી ગઇ હતી. ડિટેઇનની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં મોર્નિંગ વોક માટે આવેલા લોકોએ આવી ભૂલ ફરી નહીં થાય તેવી બાંયધરી આપી હતી. તેથી કોઇ કાર્યવાહી કરી ન હતી, જોકે હવે પછી વાહન પાર્ક કરશો તો ડિટેઇન કરવાની ચેતવણી આપી હતી.

You might also like