શિયાળામાં સંતરાં ખાતી વખતે થોડા સાવચેત રહેવા ડોક્ટરોની ચેતવણી

મુંબઇ: શિયાળાની સાથે સંતરાંની સિઝન પુરબહારમાં ખીલતી હોય છે. બજાર સંતરાંથી ઊભરાય છે. વિટા‌િમન-સીનો સ્રોત નારંગી આરોગ્ય માટે ગુણકારી છે અને સાથે તેનો ખાટો-મીઠો સ્વાદ રસથી ભરપૂર હોવાથી મોટા ભાગના લોકોનું તે ફેવરિટ ફ્રૂટ છે. હાલમાં ૬૦થી ૧૦૦ રૂપિયે ડઝન મળતું આ ફ્રૂટ લોકો ફળ તરીકે અથવા રસ કાઢીને ખાય છે, પરંતુ સાવચેતી રાખ્યા વગર ખવાતી પેશી કે જ્યૂસ ડેન્જર બની શકે છે.

ઘણી વાર સંતરાંની છાલમાં કે પેશીમાં તેના રેસા જેવી સફેદ ઇયળ નીકળે છે. એક ટપકાંથી લઇને અડધા સેન્ટિમીટરની આ ઇયળ રીતસર સંતરાંની પેશીઓમાં ફરે છે અને તેમાંથી બહાર કાઢો તો પણ લાંબો સમય જીવતી રહે છે. એપીએમસીના ડિરેકટર સંજય પાનસરે જણાવ્યું કે હાલમાં રોજ નાગપુરથી એવરેજ ૧૦ ટન માલ ભરીને ૧રથી ૧પ ગાડીઓ અને પંજાબથી ૧પથી ર૦ ટ્રક ભરીને મુંબઇની એપીએમસી માર્કેટમાં આવે છે.

પંજાબથી આવતાં સંતરાં ‘કીનુ’ તરીકે ઓળખાય છે. તે સ્વાદમાં થોડા ખાટા તેમજ તેની છાલ ચમકતી અને વેક્સ કરેલી હોય છે. જ્યારે નાગપુરની નારંગી રસાળ અને ખાટી-મીઠી હોય છે. ઘણી વખત ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ જ સમય લાગી જાય છે. આ દરમિયાન ટ્રક તડકામાં ઊભી રહે છે અને સંતરાં ગરમીના કારણે બફાઇ જાય છે, જેથી તેમાં ઇયળ થઇ શકે છે. સંતરાંમાં જીવતી ઇયળ નીકળવી નવું નથી. બે-ત્રણ વર્ષથી આવું બન્યાના ઘણા કિસ્સા ભારતના લોકોએ યુટ્યૂબ પર અપલોડ કર્યા છે.

શું કરી શકાય?
સંતરાંની દરેક પેશી ચેક કરીને ખાવી. પેશી ચેક કરવા તેની પહોળી બાજુ છરીથી કાપી લેવી અને થોડીક પળ માટે ખુલ્લી રાખી દેવી. જો ઇયળ હશે તો મૂવમેન્ટ થશે અને નહીં હોય તો તે ખાવા માટે સેફ છે. દરેક પેશીને આવી રીતે તપાસીને ખાવી. ઘણી વાર છાલમાં પણ ઇયળ હોઇ શકે છે. તેથી ખાતી વખતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે.

You might also like