મોદીને ચેતવ્યા હતા કે વિદ્યાર્થીઓ સામે ટક્કર ન લોઃ કેજરીવાલ

નવી દિલ્હી: દેશદ્રોહના આરોપમાં તિહાર જેલમાં બંધ જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ કન્હૈયા કુમારનો જેલમાંથી છુટકારો થયા બાદ કન્હૈયા કુમારે ગુરુવારે રાત્રે જેએનયુમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કન્હૈયાના ભાષણને જબરદસ્ત ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે મેં તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પહેલેથી જ ચેતવ્યા હતા કે વિદ્યાર્થીઓ સાથે ટક્કર ન લો.

કેજરીવાલે કન્હૈયાના ભાષણ બાદ રાત્રે ટ્વિટ કરતાં લખ્યું છે કે ‘કન્હૈયાનું ભાષણ જબરદસ્ત’. ત્યાર બાદ આજે સવારે કેજરીવાલે ટ્વિટ કર્યું હતું અને વડા પ્રધાન મોદી સામે નિશાન તાકીને જણાવ્યું હતું કે, ‘મેં ઘણીવાર કહ્યું હતું મોદીજી વિદ્યાર્થીઓ સામે ટક્કર ન લો, પરંતુ મોદીજી માન્યા નહીં.’

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ પણ કન્હૈયાના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું અને કેજરીવાલના ટ્વિટને શેર કરતાં લખ્યું હતું કે ‘કન્હૈયા અને જેએયુએ દેશમાં નકલી રાષ્ટ્રવાદીઓની ખતરનાક વિચારધારા વિરુદ્ધ નિર્ણાયક જંગની આશા જગાવી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ સાથે પોતાના ૪૦ મિનિટથી વધુ મોટા સંબોધનમાં કન્હૈયાએ જણાવ્યું હતું કે તેમને દેશના બંધારણમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને આશા છે કે પરિવર્તન જરૂર આવશે. જેએનયુ વિવાદ દેશના પાયાના પ્રશ્નોથી અન્યત્ર ધ્યાન વાળવાનો પ્રયાસ છે. કન્હૈયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકાર, ભાજપ અને આરએસએસ પર નિશાન તાક્યું હતું અને મોદીને હિટલર સાથે સરખાવ્યા હતા.

You might also like