સમુદ્રથી ફૂંકાતા ભેજવાળા પવનથી અઠવાડિયું ગરમીમાં રાહત મળશે

અમદાવાદ: તાજેતરમાં ફાંટાબાજ કુદરતની કમાલથી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન ઓચિંતું બદલાયું હતું હવે વસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો ગુજરાતમાંથી પસાર થઇ ગયું છે પરંતુ અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવન ફુંકાઇ રહ્યા છે. જેના કારણે કમસેકમ આ અઠવાડિયું લોકોને કાળઝાળ ગરમી સામે રાહત મળશે.

આમ તો ગરમીની સિઝન શરૂ થઇ ચુકી છે. એપ્રિલમાં પણ મે-જૂનની જેમ ગરમીનો પારો ઉંચકાઇને ૪૩ થી ૪૪ ડિગ્રીની આસપાસ રમવા લાગે છે. ભીષણ ગરમીના પ્રકોપ સામે નાગરિકોનું હીટ સ્ટ્રોક વગેરેની સામે રક્ષણ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ હીટ એકશન પ્લાન પણ અમલમાં મુક્યો છે.

જો કે આ વખતે એપ્રિલ મહિનો અડધો પતવા આવ્યો છે તેમ છતાં કાળઝાળ ગરમીને બદલે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદીઓ વાદળછાયા વાતાવરણનો અહેસાસ કરી રહ્યા છે. સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રો કહે છે, અરબી સમુદ્રથી સતત ભેજવાળા પવન ફુંકાઇ રહ્યા છે ઉત્તર પૂર્વ દિશા ધરાવતા ભેજવાળા પવનને કારણે હજુ ગરમીનો પ્રકોપ પૂરેપૂરો વર્તાતો નથી. અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન ૪૦થી ૪૧ ડિગ્રીની વચ્ચે રહેશેે.

દરમ્યાન ગઇકાલે અમદાવાદમાં ૪૦.૩ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન જેટલું જ હતું. જ્યારે આજે સવારે શહેરનું લઘુતમ તાપમાન ર૩.૮ સેલ્સિયસ નોંધાયુ હતું. કે જે સામાન્ય તાપમાન જેટલું જ હતું. રાજ્યનાં અન્ય પ્રમુખ શહેરોનું આજનું લઘુતમ તાપમાન તપાસતાં વડોદરામાં ર૭.૦, સુરતમાં ર૬.૬, રાજકોટમાં રપ.૯ અને ભૂજમાં ર૪.ર ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

You might also like