હાર્દિકની જામીન અરજી પર આજે વિધિવતરીતે સુનાવણી

અમદાવાદ : અનામત આંદોલનનું નેતૃત્વ કરનાર હાર્દિક પટેલ વતી એક જ કેસમાં બે જામીન અરજી દાખલ કરવામાં આવી છે. જેના પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સોમવારના દિવસે એટલે કે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટના જજની સાથે સાથે વકીલો સામે પણ કઈ અરજી ઉપર સુનાવણી થવી જોઇએ તેને લઇને દુવિધાભરી સ્થિતિ રહેશે. કારણ કે, બે જુદી જુદી અરજીઓ એક એફઆઈઆરના સંબંધમાં દાખલ કરવામાં આવી ચુકી છે.

આ એફઆઈઆર શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા દાખલ કરવામાં અવી છે. પાટીદાર અનામત આંદોલનના લીડર માટે કોર્ટની કાર્યવાહીમાં વકીલ બીએમ મંગુકિયા ઉપસ્થિત રહેનાર છે. તેમના દ્વારા હાર્દિક માટે જામીનની અરજી દાખલ કરવામાં આવી હતી. ૧૬મી ડિસેમ્બરના દિવસે દેશદ્રોહના કેસમાં જામીન અરજી દાખલ કરાઈ હતી. તેજ દિવસે મોડેથી અન્ય એક વકીલ રફીક લોખંડવાલા તરફથી પણ અન્ય જામીન અરજી આજ કેસમાં હાર્દિક માટે હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.

સીટી ક્રાઈમ બ્રાંચ દ્વારા નોંધવામાં આવેલા એક જ કેસમાં બે જામીન અરજીઓ દાખલ કરાઈ હતી જેમાં હાર્દિક પટેલ અને અન્ય ચાર સામે દેશદ્રોહ અને કાવતરાના આક્ષેપો મુકવામાં આવ્યા છે. હવે આ બંને જામીન અરજીઓ જસ્ટિસ એજે દેસાઈ સમક્ષ આવતીકાલે હાથ ધરવામાં આવનાર છે. પ્રશ્ન એ ઉપસ્થિત થઇ રહ્યો છે કે, કઇ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે અને હાર્દિક માટે દલીલો કોણ કરશે. હાર્દિક પટેલના કેસનું પ્રતિનિધિત્વ કરનાર વકીલ મંગુકિયાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

કારણ કે, હાર્દિકના પરિવારના સભ્યો જામીન માટે મંગુકિયા દલીલ કરે તેમ ઇચ્છતા નથી. હાર્દિકના પિતા ભરત પટેલ કહી ચુક્યા છે કે, વકીલ મંગુકિયાને હાર્દિક માટે જામીન અરજી દાખલ ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી પરંતુ તેઓ આગળ વધ્યા હતા અને જામીન માટેની અરજી દાખલ કરી હતી. મંગુકિયાને ઇનકાર કરાયો હોવા છતાં જામીન અરજી કરવામાં આવી હતી. જામીન માટેની અરજી હાર્દિક માટે દાખલ કરાઈ છે તેવી માહિતી પણ મંગુકિયાએ આપી ન હતી.
જેથી હાઇકોર્ટમાં જામીન કાર્યવાહી માટે અન્ય વકીલને રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પટેલના કાયદાકીય સલાહકાર વિપુલ પટેલ કહી ચુક્યા છે કે, તેમની ટીમે આ કેસમાં એક જ વકીલ સાથે આગળ નહીં વધવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે સુનાવણી દરમિયાન અન્ય વકીલની નિમણૂંક માટેના કારણો આપવામાં આવશે.

કોંગ્રેસની ટીકીટ ઉપર અગાઉ બે વિધાનસભા ચૂંટણી લડી ચુકેલા એડવોકેટ મંગુકિયા પાટીદાર અનામત આંદોલન છેડાઈ ગયા બાદથી જ તેમની સેવા આપી રહ્યા છે. આવતીકાલના દિવસે સુનાવણી દરમિયાન તમામની નજર જામીન ઉપર કેન્દ્રિત રહેશે.

You might also like