વૉરરૂમ બેઠકમાં સુષમા સ્વરાજ ભુલાઈ ગયાં!

ઉરી આતંકી હુમલા અંગે ૧૯ સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૉરરૃમમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. એ બેઠકમાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજને બોલાવવાનું જ ભુલાઈ ગયું. એ બેઠકમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓને પણ બોલાવાયા ન હતા. આ ભૂલ ગંભીર અને આશ્ચર્યજનક હતી એટલા માટે કે બેઠકમાં લશ્કરી પ્રતિક્રિયા અંગે નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આક્રમક ડિપ્લોમેટિક પૉલિસી અંગે વિચારણા કરવા માટે યોજાઈ હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે આવી રાજદ્વારી નીતિના અમલનું કામ વિદેશ મંત્રાલય જ કરે છે. બેઠક સુરક્ષા અંગેની કેબિનેટ કમિટીના અન્ય સભ્યો અરુણ જેટલી, સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર અને ગૃહપ્રધાન રાજનાથસિંહ સામેલ હતા. તેમની સાથે ટોચના લશ્કરી અધિકારીઓ અને ગુપ્તચર વિભાગના વડા પણ હાજર હતા. આ બેઠકમાં વિદેશ પ્રધાનની ગેરહાજરીની વાત ટ્વિટર પર આવતાં સરકારના મેનેજરોએ અનુભવ્યું કે વિદેશપ્રધાનની ગેરહાજરીને કારણે સંકટના આ સમયમાં સરકારની ઇમેજને નુકસાન થયું છે. એ પછી કહે છે કે મોદીએ સુષમા સ્વરાજને ફોન કરીને આ ભૂલને સુધારવાની કોશિશ કરી. તેમણે સુષમા સમક્ષ ખેદ પણ વ્યક્ત કર્યો. વિદેશ મંત્રાલયનાં સૂત્રોના જણાવવા પ્રમાણે વડા પ્રધાનના નિવાસસ્થાને આ બેઠક ચાલતી હતી ત્યારે સુષમા તેમની ઓફિસમાં જ બેઠાં હતાં. આ ક્ષતિ થયા પછીની દરેક બેઠકમાં સુષમા હાજર રહ્યાં છે.

You might also like