યુદ્ધ જેવી હાલતઃ LOC પર ભારતે ફોજ વધારતાં પાકિસ્તાન ગભરાયું

નવી દિલ્હી: ઉરી આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન બોર્ડર પર તણાવ એકાએક વધી ગયો છે. પાકિસ્તાનની તૈયારી વચ્ચે ભારત પણ બોર્ડર પર પોતાની તૈયારીઓ મજબૂત કરવામાં વ્યસ્ત છે. ૭૭૮ કિ.મી. લાંબી એલઓસી પર વધુ સંખ્યામાં જવાનોને બોલાવાઈ રહ્યા છે. સાથે-સાથે હથિયાર અને ફ્યૂઅલ પણ જમા કરવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાની મીડિયામાં એવા સમાચારો પણ ચાલી રહ્યા છે કે એલઓસીની કેટલીક જગ્યાઓ પર બોફોર્સ તોપની તહેનાતી પણ શરૂ થઈ ચૂકી છે. આ તૈયારીઓ જંગ જેવી હાલત તરફ ઈશારો કરે છે. આર્મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યવાહીને લઈને કેટલાંય પ્રેઝન્ટેશન પણ બનાવ્યાં છે. ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ઈમર્જન્સી પ્લાન પણ તૈયાર કરી દીધો છે.

પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ જીઓ ટીવીના એડિટર હામિદ મીરે ટ્વિટ કર્યું કે ઈસ્લામાબાદના આકાશમાં રાત્રે ૧૦.૨૦ વાગ્યે એફ-૧૬ ફાઇટર પ્લેન ઊડતાં દેખાયાં. કેટલાક અન્ય લોકોએ પણ ટ્વિટ કરીને આ વાતને સમર્થન આપ્યું છે. આ ઘટના બાદ ઈસ્લામાબાદના કેટલાક વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ અને લોકો રસ્તાઓ પર દોડી આવ્યા.

જોધપુરમાં પણ સર્જિકલ ઓપરેશન જેવી પ્રેક્ટિસ
પાકિસ્તાનની સીમા પર રાજસ્થાનના જોધપુરમાં એરફોર્સના ગરુડ કમાન્ડોની રૂટિન પ્રેક્ટિસ થઈ છે. સર્જિકલ ઓપરેશન જેવી આ કાર્યવાહી જોધપુર એરબેઝ પર એરફોર્સના ૮૪મા સ્થાપના િદવસ પહેલાં ગુરુવારે ડિસ્પ્લે દરમિયાન જોવા મળી. પશ્ચિમ સીમા પર તણાવની વચ્ચે જોધપુર એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર એન. તિવારીએ કહ્યું કે એરફોર્સનો રિએકશન ટાઈમ કલાકોમાં છે. જોધપુરના તમામ યુનિટ આ માટે તૈયાર છે. અમને જે પણ આદેશ મળશે તે માટે અમે તૈયાર છીએ.

પાક.નો હજુ પણ ઈનકાર
રવિવારે ઉરી સેક્ટરમાં આર્મી કેમ્પમાં થયેલા આતંકી હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. આ હુમલામાં ભારતના ૧૮ જવાન શહીદ થયા હતા. પાકિસ્તાને ખુદ પર લાગેલા આક્ષેપોને નકારી દીધા છે અને ભારતે તપાસ કર્યા વગર જૂઠા આક્ષેપ કર્યા હોવાની વાત કરી.

You might also like