અભિનેત્રી તરીકે યોગદાન અાપવું છેઃ અનુષ્કા શર્મા

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા નાની હતી ત્યારથી જ તેને એક્ટિંગનો શોખ હતો. તે નાટકો કરતી રહેતી. બીજાની કોપી કરવી તેને ત્યારથી જ ગમતી હતી. તે કહે છે કે બાળપણમાં મારી બહેન સાથે મળીને હું ઘરમાં નૌટંકી ડાન્સ અને ફિલ્મોના ડાયલોગ બોલ્યા કરતી હતી. મારાં માતા-પિતાના મિત્ર અને તેમનાં બાળકો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં છે. તેથી બાળપણથી જ મારા પર બોલિવૂડની અસર હતી, છતાં પણ તે પહેલાંથી નક્કી ન હતું કે હું બોલિવૂડમાં અાવીશ.

અનુષ્કા અભિનેત્રીની સાથેસાથે પ્રોડ્યૂસર પણ બની ચૂકી છે. સામાન્ય રીતે એવું માનવામાં અાવે છે કે જ્યારે અભિનેત્રીનું કરિયર ડાઉન હોય છે ત્યારે તે પ્રોડ્યૂસર બને છે, પરંતુ અા વાત સાથે અનુષ્કા સહમત નથી. તે કહે છે કે જ્યારે એક અભિનેત્રી પોતાની કરિયરને નવો વળાંક અાપવા ઈચ્છે છે ત્યારે તે પ્રોડ્યૂસર બને છે. અાજની જનરેશન રિસ્ક લેતાં ડરતી નથી. હવે તે રિસ્કને સપોર્ટ કરનારી સિસ્ટમ પણ સ્ટ્રોન્ગ થઈ છે. સમય બદલાયો છે, ઈન્ડસ્ટ્રી પણ બદલાઈ છે.

અનુષ્કા કહે છે કે હું એવી ફિલ્મોનો ભાગ બનવા ઈચ્છું છું, જેમાં અભિનેત્રી તરીકે કંઈક યોગદાન અાપી શકું. હું સારી ફિલ્મોનો ભાગ બનવા ઈચ્છું છું, કેમ કે દરેક ફિલ્મ મોટી જ હોય છે. હું મારી સામે કોણ છે એવું ક્યારેય વિચારતી નથી. મારા માટે માત્ર સારી કહાણીઓ મહત્ત્વની છે.

You might also like