ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ વચ્ચે ડીલ લગભગ ફાઈનલ

નવી દિલ્હી: અમેરિકન રિટેલ કંપની વોલમાર્ટ ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટનો મોટો હિસ્સો ખરીદવાના આરે છે. માહિતગાર સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ૧૨ અબજ ડોલર (અંદાજે રૂ. ૭૯,૪૫૨ કરોડ)ની આગામી બે સ્તાહમાં ફાઇનલ થઇ શકે છે. ફ્લિપકાર્ટનો હિસ્સો ખરીદવાના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કરવાની સાથે વોલમાર્ટ પરોક્ષ રીતે ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની બની જશે.

જાણકારોનું કહેવું છે કે ડીલ અત્યારે એ મુદ્દે અટકી છે કે હિસ્સો વેચ્યા બાદ ફ્લિપકાર્ટની કમાન કોના હાથમાં રહેશે. ફ્લિપકાર્ટ ઓનલાઇન સર્વિસીઝ પ્રાઇવેટના તમામ મોટા રોકાણકારો વોલમાર્ટ કંપનીને વેચવાની તરફેણમાં છે.

અગાઉ રોકાણકારોમાં અમેરિકન કંપની એમેઝોનને ફ્લિપકાર્ટનો હિસ્સો વેચવાના સમાચાર આવ્યા હતા. ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ ફ્લિપકાર્ટમાં પોતાનાે સંપૂર્ણ ૨૦ ટકા સ્ટેક વેચવા તૈયાર છે. જ્યારે સોફ્ટ બેન્ક ગ્રૂપ કોર્પોરેશન પોતાની ૨૦ ટકાથી વધુ ભાગીદારીનો કેટલોક હિસ્સો વેચશે.

વોલમાર્ટ ફ્લિપકાર્ટમાં ૬૦થી ૮૦ ટકા સ્ટેક ખરીદી શકે છે. ફ્લિપકાર્ટની કિંમત ૨૦ અબજ ડોલરની આસપાસ આંકવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે મામલો એ વાત પર અટક્યો છે કે ફ્લિપકાર્ટના ફાઉન્ડરનું શું થશે અને સ્ટેક વેચ્યા બાદ ફ્લિપકાર્ટ કોણ ચલાવશે? જો આ ડીલ ફાઇનલ થઇ જશે તો વોલમાર્ટ ૧૩૦ કરોડની વસ્તીવાળા માર્કેટમાં સૌથી મોટી પહોંચ બનાવી લેશે.

You might also like