તે દિવસની રાહ જોઇ રહ્યો છું જ્યારે કાશ્મીર પાકિસ્તાનનું બની જશે : શરીફ

મુજફ્ફરાબાદ : પાકિસ્તાનનાં વડાપ્રધાન નવાઝ શરીફે એકવાર ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો છે. શરીફે કહ્યું કે તેને તે દિવસની રાહ છે જ્યારે કાશ્મીર, પાકિસ્તાનનું અભિન્ન અંગ બની જશે. આ સાથે જ તેમણે ભારત પર કાશ્મીરમાં લોકોની હત્યાઓ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. ડોનનાં અહેવાલ અનુસાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ની રાજધાની મુજફ્ફરાબાદમાં શુક્રવારે એક રેલીને સંબોધિત કરતા શરીફે કહ્યું કે, અમે તે દિવસની રાહ જોઇ રહ્યા છે જ્યારે કાશ્મીર, પાકિસ્તાનનું બની જશે. હાર્ટ સર્જરી બાદ લંડનમાંથી પરત ફરેલી શરીફની આ પહેલી રેલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પીઓકેમાં વિધાનસભા ચુંટણી થઇ છે અને તેમાં નવાઝની પાર્ટી પીએમએલ-એનની જીત મળી છે.

રેલી દરમિયાન શરીફે પીઓકેનાં લોકોને કહ્યું કે તેને કાશ્મીરનાં લોકોને ન ભુલવા જોઇએ જેઓ આઝાદી માટે પોતાનો જીવ આપી રહ્યા છે. શરીફે કહ્યું કે આઝાદીની તેમની લડાઇ અટકશે નહી અને તેમને સફળતા મળશે. તમને તે યાદ હોવું જોઇએ કે હાલ તેઓનાં પર કેવું દમન થઇ રહ્યું છે. કઇ રીતે તેમની હત્યાઓ થઇ રહી છે. અમારી પ્રાર્થનાઓ તેમની સાથે છે અમે તે દિવસની રાહ જોઇ રહ્યા છીએ જ્યારે કાશ્મીર પાકિસ્તાનનું બની જશે.

ચુંટણીમાં પોતાની પાર્ટી જીતી હોવા અંગે તેમણે કહ્યું કે મને પરિણામો અંગે રાત્રે જાણવા મળ્યું. તે જ સમયે મે વિચાર્યું કે જો અમારી જીત થઇ છે તો મારે મુજફ્ફરાબાદ જવું જોઇએ અને મારા ભાઇ બહેનોનો આભાર વ્યક્ત કરવો જોઇએ. મને એક કે બે દિવસ બાદ આવવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ હું રાહ જોઇ શકુ તેમ નહોતો.

You might also like