સુપ્રીમ કોર્ટ અગસ્તા વેસ્ટલેન્ડ મામલે ‘મીડિયાની ભૂમિકા’ પર સુનાવણી માટે રાજી

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે મંગળવારે અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ મામલે દાખલ કરવામાં આવેલી જનહિત અરજી પર સુનાવણી કરવા માટે સહમતિ દર્શાવી છે. અરજીમાં એ આરોપો પર સીબીઆઈ અથવા એસઆઈટીની તપાસ માટે માંગણી કરવામાં આવી છે. જેના પ્રમાણે વીવીઆઈપી હેલિકોપ્ટર સોદામાં મીડિયાને ‘મેનેજ’ કરવા માટે અગસ્તા વેસ્ટલેન્ડે 60 લાખ યુરો ખર્ચ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં આ પીઆઈએલ પત્રકાર હરિ જયસિંહે દાખલ કરી છે. તે પંજાબ ન્યૂઝપેપરના દ ટ્રિબ્યુનના પૂર્વ સંપાદક છે. સુપ્રીમ કોર્ટે જયસિંહને અરજીને સીબીઆઈ અને ઈડીને પાઠવવા માટે કહ્યું છે. હરિ જયસિંહે પોતાની અરજીમાં રિપોર્ટના માધ્યમથી સોદાને પ્રભાવિત કરવાના આરોપમાં મીડિયાની કથિત ભૂમિકા પર એક રિપોર્ટ માગ્યો છે. આરોપ છે કે અગસ્તા વેસ્ટલેન્ડના ‘મીડિયા મેનેજમેન્ટ’થી કેટલાક મોટા પત્રકારો સહિત કેટલાક ખાસ પત્રકારો ફાયદો ઉઠાવનારા શામેલ છે. અરજી પ્રમાણે કેટલાક પત્રકારોએ અગસ્તા વેસ્ટલેન્ડ ડીલના પક્ષમાં રિપોર્ટ લખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાના પૂર્વ પ્રમુખ એસ.પી. ત્યાગી અગસ્તા વેસ્ટલેન્ડ કંપની પાસેથી 12 વીવીઆઈપી હેલિકોપ્ટરની ખરીદીમાં થયેલી ગેરરીતિને લઈને કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં થયેલી ગેરરીતિમાં ભૂમિકા માટે ત્યાગીની 9 ડિસેમ્બરના ધરપકડ કરવામાં આવી હતી, જ્યાર બાદ 26 ડિસેમ્બરે નીચલી અદાલત પાસેથી તેમને જામીન મળ્યા હતા.

You might also like