અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ: વચેટિયા મિશેલને કોર્ટમાં રજૂ કરીને સીબીઆઈ 15 દિવસના રિમાન્ડ માગશે

નવી દિલ્હી: ૩૬૦૦ કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડમાં ભારતને બહુ મોટી સફળતા મળી છે. આરોપી દલાલ ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવ્યા બાદ હવે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈએ આખી રાત મિશેલની પૂછપરછની તૈયારીઓ કરી છે અને કોર્ટમાં રજૂઆતનો મજબૂત ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સીબીઆઈએ એક યાદી બનાવી છે, જેમાં મિશેલને દલાલી (લાંચ) આપનારા લોકોનાં નામ છે. આ તમામ લોકોની સઘન પૂછપરછ સીબીઆઈ કરશે.

તપાસ એજન્સી સીબીઆઈ આજે મિશેલને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરશે. સીબીઆઈ તરફથી ૧પ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. વીવીઆઈપી ચોપર ડીલમાં આરોપી વચેટિયા મિશેલે રરપ કરોડની દલાલી લીધી હોવાના આરોપ છે.

દેશની રાજનીતિમાં ભૂકંપ લાવનારા અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડમાં હવે નવા ખુલાસા થવાના છે. યુપીએ સરકારના શાસન દરમિયાન વર્ષ ર૦૧૦માં ૧ર વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદવા માટે અગસ્તા વેસ્ટલેન્ડ કંપની સાથે કરાર થયા હતા.

આ સોદામાં ૩૬૦ કરોડ રૂપિયાની દલાલી ચૂકવાઈ હોવાના ગંભીર આરોપો થયા હતા. ૩૬૦૦ કરોડ રૂપિયાની આ ડીલને જાન્યુઆરી-ર૦૧૪માં યુપીએ સરકારે રદ કરી દીધી હતી. પૂર્વ વાયુસેના અધ્યક્ષ એસ.પી. ત્યાગી સામે પણ લાંચ લેવાના આરોપો લાગ્યા હતા અને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

મિશેલને ભારત લાવવાના સિક્રેટ ઓપરેશન ‘યુનિકોર્ન’ની કમાન ડોભાલે સંભાળી હતી
નવી દિલ્હીઃ યુપીએ શાસનકાળમાં થયેલા અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં વચેટિયાની ભૂમિકા ભજવનાર ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં સફળતા મળી છે. મિશેલને લાવવા સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર સાઈ મનોહરની આગેવાનીમાં એક સ્પેશિયલ ટીમ ગયા સપ્તાહે દુબઈ જવા રવાના થઈ હતી.

આખી રાત મિશેલને સીબીઆઈના હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યો હતો. સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલના દિશા-નિર્દેશમાં જ આ મિશન સીબીઆઈના પ્રભારી ડાયરેક્ટર નાગેશ્વર રાવે પાર પાડ્યું હતું.

મિશેલને ભારત લાવવાના ઓપરેશનને એકદમ ગુપ્ત રાખવામાં આવ્યું હતું અને તેને ‘ઓપરેશન યુનિકોર્ન’ નામ આપવામાં આવ્યું હતું. આ આખા ઓપરેશનની કમાન એનએસએ ડોભાલે ખુદ સંભાળી હતી. આ ઓપરેશનમાં ઈન્ટરપોલ અને સીઆઈડીના અધિકારીઓએ પણ પૂરી મદદ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મિશેલને લઈને આવી રહેલું ગલ્ફસ્ટ્રીમનું પ્લેન મંગળવારની રાતે ૧૦.૩પ કલાકે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતર્યું હતું.

એરપોર્ટ પર બે કલાકની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ રાતે ૧.૩૦ કલાકે મિશેલને સીધો સીબીઆઈના હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. સીબીઆઈએ મિશેલની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરી હતી. સ્પેશિયલ સેલની ટીમ પણ સતત મિશેલની સાથે તહેનાત હતી.

રૂ.૩૬૦૦ કરોડના વીવીઆઈપી હેલિકોપ્ટર અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડમાં ભારતીય તપાસ એજન્સીઓને ઘણા સમયથી મિશેલની તલાશ હતી. પ૭ વર્ષીય મિશેલની ફેબ્રુઆરી, ર૦૧૭માં દુબઈ ખાતે ધરપકડ કરવામાં આવી હતી. ઈન્ટરપોલે તેની વિરુદ્ધ રપ નવેમ્બર, ર૦૧પના રોજ રેડ નોટિસ જારી કરી હતી. દુબઈમાં ધરપકડ બાદ ૧૯ માર્ચ, ર૦૧૭ના રોજ ભારતે તેના પ્રત્યર્પણની માગણી કરી હતી.

You might also like