અમદાવાદમાં Vtv રિપોર્ટરે કર્યું જાંબાઝ કામ, ધરાશયી વૃક્ષ નીચે દબાયેલ વાહનચાલકને બચાવાયો

અમદાવાદઃ શહેરનાં સુરધારા સર્કલ નજીક આજે એકાએક વૃક્ષ ધરાશાયી થયું હોવાંની ઘટના સામે આવી છે. જેને લઇને વૃક્ષ ધરાશાયી થતાં વાહન ચાલકો ફસાઇ ગયાં હતાં. તેમજ વૃક્ષ ધરાશયી થતાં જ એક વાહનચાલક તેની નીચે દબાઇ ગયો હતો. ત્યારે તેને બહાર નીકાળવા માટે Vtvનાં રિપોર્ટરે વૃક્ષ નીચે દબાયેલા વાહનચાલકને તુરંત બચાવ્યો. ત્યારે તેને બહાર નીકાળવા માટે ત્યાનાં આસપાસનાં સ્થાનિક લોકો પણ મદદમાં જોડાઇ ગયાં હતાં.

ઉલ્લેખનીય છે કે આજે સમગ્ર અમદાવાદમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. ત્યારે શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી-પાણી ભરાઇ ગયાં હતાં. ઠેર-ઠેર રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. મહત્વનું છે કે આજે ઘણાં સમય બાદ હવે વરસાદે માઝા મૂકી છે. ત્યારે લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવાં મળ્યો છે.

લોકોએ પ્રથમ ભારે વરસાદમાં ન્હાવાનો પણ અનેરો લ્હાવો લીધો હતો. આ ઉપરાંત અમદાવાદમાં ભારે વરસાદને લઈ ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતાં. મણીનગર સહિતનાં વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

મહત્વનું છે કે શહેરનાં કેટલાંક વિસ્તારો જેવાં કે જજીસ બંગલો, એસ.જી હાઈવે, વસ્ત્રાપુર, જીવરાજ પાર્ક, સેટેલાઈટ, સહિતનાં અનેક વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસતાં ઘણાં ખરાં વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. આ ઉપરાંત શહેરનાં પ્રહલાદનગર, સોલા, વેજલપુર અને સીલજ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે તેમજ પૂર્વ વિસ્તાર જેવાં કે નિકોલ, ઓઢવ, બાપુનગર સહિતનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં શહેરીજનોને ગરમીથી રાહત મળી છે.

You might also like