‘વી ટીવી’ એટલે આપણું ટીવીઃ રૂપાણી

અમદાવાદ: ‘સમભાવ ગ્રૂપ’ની વી ટીવી ન્યૂઝ ચેનલે સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો તેની ઉજવણીના ભાગરૂપે સમભાવ હાઉસ ખાતે એક ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વી ટીવી અને સમભાવ ગ્રૂપને શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, ‘વી ટીવી એટલે આપણું ટીવી તેવો ભાવ પેદા થાય છે. આજના યુગમાં ઈલેકટ્રોનિક મીડિયા પાવરફૂલ બન્યું છે અને તેના કારણે મોટાં પરિવર્તન આવ્યાં છે. ગુજરાતમાં ગુજરાતી ચેનલોનો વિકાસ થયો છે. મીડિયાથી લોકોની નાનામાં નાની વાત સરકાર સુધી પહોંચી શકી છે.’

મુખ્યપ્રધાને વી ટીવી ઓફિસની મુલાકાત લઇ ન્યૂઝરૂમની સમગ્ર કામગીરી પણ નિહાળી હતી અને સ્ટાફને મળ્યા હતા. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ વી ટીવીને શુભેચ્છા આપતાં કહ્યું હતું કે, ‘વી ટીવીએ પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે.’
અા પ્રસંગે સમભાવ મીડિયા ગ્રૂપના ચેરમેન અને એમ.ડી. કિરણ વડોદરિયાએ જણાવ્યું હતું કે, ‘સમભાવ ગ્રૂપે તેમના સ્થાપક અને પથદર્શક ભૂપતભાઇ વડોદરિયાએ આપેલા નિષ્પક્ષ અને તટસ્થ પત્રકારત્વના સિદ્ધાંતોને આગળ વધાર્યા છે. વી ટીવી ન્યૂઝ ચેનલ પણ આ દિશામાં જ આગળ ધપી રહી છે. આગામી સમયમાં સમભાવ ગ્રૂપ એફએમ ક્ષેત્રે પણ પદાર્પણ કરવા જઇ રહ્યું છે. જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં સમભાવ ગ્રૂપ પહોંચ્યું છે.’

વી ટીવીની આ ઉજવણીમાં પ્રધાનમંડળના સભ્યો, રાજ્યના ચીફ સેક્રેટરી જે. એન. સિંઘ ભાજપના પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણી, કોંગ્રેસ પ્રદેશપ્રમુખ ભરતસિંહ સોલંકી, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, મેયર ગૌતમ શાહ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રૂપ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ અફેર્સ) અને સાંસદ પરિમલ નથવાણી, આઇએએસ, આઇપીએસ અધિકારીઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

You might also like