વીએસના ટ્રોમા સેન્ટરમાંથી રાત્રે ડોક્ટરો ગાયબ થઈ જાય છે!

અમદાવાદ: શહેરની મ્યુનિ. સંચાલિત વી.એસ. હોસ્પિટલની એક સમયે ગુજરાત અને ગુજરાત બહાર પણ ભારે પ્રતિષ્ઠા હતી. વી.એસ. હોસ્પિટલ ગરીબોની હોસ્પિટલ તો હતી જ પરંતુ સારા સારા પ્રતિષ્ઠિત ઘરના દર્દીઓ પણ વી.એસ. હોસ્પિટલમાં સારવાર માટે આવતા હતા. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી આ હોસ્પિટલના ગૌરવનું ખુલ્લેઆમ હનન થઇ રહ્યું છે. દર્દીઓની ઉમદા સારવાર ને બદલે વી.એસ. હોસ્પિટલ આંતરિક રાજકારણનો અખાડો બની ગઇ છે. હોસ્પિટલના કેટલાક ડોકટર પણ પક્ષાપક્ષી અપનાવતાં હોઇ પોતાની ફરજ પ્રત્યે બેદરકાર બન્યા છે. જેના કારણે ડોકટરોની ગેરહાજરી વારંવાર ચર્ચાનાં એરણે ચડી છે. ગઇ કાલે રાત્રે મેયર ગૌતમ શાહની ઓચિંતી મુલાકાત દરમ્યાન ટ્રોમા સેન્ટરમાં જ ફરજ પરના જવાબદાર ડોકટરો ગેરહાજર જોવા મળતાં ખુદ મેયર રોષે ભરાઇને તંત્રને જવાબદારો વિરુદ્ધ આકરા પગલાં લેવાની તાકીદ કરી હતી.

અમદાવાદમાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વૃદ્ધિ થઇ રહી છે. એક પ્રકારે મેગાસિટી અમદાવાદે હવે ‘એક્સિડેન્ટ સિટી’ની ઓળખ પણ મેળવી છે. તેવા સંજોગોમાં હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યપ્રધાનપદના શાસનકાળ દરમ્યાન વી.એસ. હોસ્પિટલને અત્યાધુનિક ટ્રોમા સેન્ટરની ભેટ આપી હતી. ટ્રોમા સેન્ટરમાં ગંભીર ઇજાગ્રસ્ત દર્દીને સમયસર સારવાર આપીને તેનું મહામોલું જીવન બચાવી લેવાનાં નરેન્દ્ર મોદીનાં અરમાન હતાં પરંતુ વડા પ્રધાનનાં અરમાન ટ્રોમા સેન્ટરનાં ધાંધિયાંથી પૂરાં થતાં નથી.

મેયર ગૌતમ શાહે ગઇ કાલે રાત્રે ૧૧-૦૦ વાગ્યાથી મધરાતના ૧ર-૩૦ વાગ્યા સુધી વી.એસ. હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેઓ મેયરના હોદ્દાની રૂએ વી.એસ. હોસ્પિટલ મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન પણ છે. તેમની ઓચિંતી મુલાકાતમાં હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉ. સંદીપ મલ્હાન પણ જોડાયા હતા.

મેયર ગૌતમ શાહ કહે છે, મારી ઓચિંતી મુલાકાતમાં મને હોસ્પિટલના જવાબદાર ડૉકટરોની ગેરહાજરી જણાઇ આવી હતી. ટ્રોમા સેન્ટરમાં જ ફરજ પરના કેટલાક ડોકટરો હાજર ન હતા. અન્ય વિભાગમાં પણ કેટલાક ડોકટરોની અનુપસ્થિતિ જણાઇ હતી. કેટલાક ડોકટરો અને નર્સિંગ સ્ટાફે પોતાની ફરજને અનુરૂપ યુનિફોર્મ પહેર્યો ન હતો. જે તે સિક્યોરિટી પોઇન્ટ પર સિક્યોરિટીના જવાન દેખાતા ન હતા. સિક્યોરિટી સ્ટાફ પણ જરૂરી સંખ્યા કરતા ઓછો હતો. સફાઇનાં ધાંધિયાં હતાં. ટોઇલેટમાં પણ ગંદકી જોવા મળી હતી. આ તમામ બાબતોમાં જવાબદારો સામે આકરા શિક્ષાત્મક પગલાં લેવાની હોસ્પિટલ તંત્રને સૂચના આપી છે અને ડૉ.મલ્હાન આજે બપોરે મને પોતાની વિસ્તૃત રિપોર્ટ રજૂ કરશે.’

અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાએ આતંક મચાવ્યો છે વી.એસ. હોસ્પિટલમાં પણ આઠ ડોકટરો ડેન્ગ્યુમાં સપડાયા છે. આવા સંજોગોમાં ગંદી, ગોબરી વી.એસ. હોસ્પિટલ સારવારનું ધામ બનવાને માંદગીનું કેન્દ્ર બની શકે છે.

You might also like