વી.એસ. હોસ્પિટલનું રૂ.૧ર૮.ર૩ કરોડનું બજેટ

અમદાવાદ : શેઠ વા.સા. જનરલ હોસ્પિટલ અને ચિનાઈ પ્રસૂતિ હોસ્પિટલ બોર્ડના અધ્યક્ષ ચેરમેન ગૌતમભાઈ શાહના અધ્યક્ષસ્થાને આજે મળેલી બોર્ડની બેઠકમાં હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. એસ.ટી. મલ્હાને વા.સા. હોસ્પિટલનું વર્ષ ર૦૧૬-૧૭નું રૂ.૧ર૮.ર૩ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કર્યું હતું. જે પૈકી હોસ્પિટલની આવક રૂ.૪.૯પ કરોડ, રૂ.૧ર૧.૩ર કરોડ અ.મ્યુ.કો. પાસેથી ર કરોડ રાજ્ય સરકાર પાસેથી મેળવવામાં આવશે.

ગરીબ દર્દીઓને ઓછા ખર્ચે અને રાહતદરે દવા-ઈન્જેકશન મળી રહે તે માટે ગત વર્ષ કરતા ઈન્જેકશન અને દવાઓના બજેટમાં રૂ.૩૦ લાખનો વધારો સૂચવેલ છે. જ્યારે સ્વચ્છતા અભિયાનમાં ભારત સરકાર, ગુજરાત રાજ્ય સરકાર તથા અમ. મ્યુ. કોર્પો. દ્વારા ચલાવવામાં આવેલ સ્વચ્છતા ઝુંબેશમાં શેઠ વા.સા. હોસ્પિટલ પણ અનેરો સાથ પૂરો પાડે છે અને હોસ્પિટલમાં સ્વચ્છતાના ઊંચા ધોરણો જળવાઈ રહે તે માટે સેનિટેશનના નવા સાધનો વસાવવા માટે ૭ લાખ ફાળવવામાં આવેલા છે.

હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેઓના મુલાકાતીઓને વધુ સુવિધા અને સગવડ મળી રહે તે માટે હોસ્પિટલના પ્રાંગણમાં જુદા જુદા સ્થળે બેસવાની અને જમવાની સગવડ ઊભી કરવા નવા ફર્નીચર વસાવવાનું નક્કી કરાયેલ છે. જે માટે બજેટમાં રૂ.૧૦ લાખની જોગવાઈ કરી છે. હોસ્પિટલની રોજીંદી વહીવટી પ્રક્રિયા પેપરલેસ થાય તે માટે નવા કોમ્પ્યુટર્સ વસાવાશે. જે માટે રૂ.૧પ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

શહેરના નાગરિકોને પ્રાઈવેટ હોસ્પિટલમાં મોંઘા દરે સોનોગ્રાફી ન કરાવવી પડે અને અત્રે પણ વેઈટિંગ પીરિયડ ઓછો થાય તે માટે હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં બે સોનોગ્રાફી મશીન ૧.ર૦ કરોડના ખર્ચે વસાવવામાં આવશે. હોસ્પિટલના કર્મચારીઓ સતત દર્દીઓની વચ્ચે રહીને સેવા કરતા રહે છે તેઓના આરોગ્યની ગુણવત્તા જળવાઈ રહે તેની કાળજી રાખી હોસ્પિટલના તમામ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ હોસ્પિટલમાં જ વિનામૂલ્યે કરવામાં આવશે.

You might also like