કાશ! વીઅેસ હોસ્પિટલમાં શિન્ઝો અાબેની મુલાકાત ગોઠવાઈ હોત

અમદાવાદ: શહેરમાં મ્યુનિ. સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઇ હોસ્પિટલ (વીએસ)માં ગરીબ અને મધ્યમવર્ગના દર્દી‍ઓને ઇન્ટરનેશનલ કક્ષાની ઉત્તમ સારવાર પૂરી પાડવા માટે ૩૩૧ કરોડના ખર્ચેમલ્ટિસ્ટોરિડ મલ્ટિ સ્પેશિયાલિટી બિલ્ડિંગનું નિર્માણ થઇ રહ્યું છે અને હજુ આ બિલ્ડિંગને તૈયાર થવામાં એક વર્ષ જેટલો સમય લાગી જશે, પરંતુ હાલમાં વીએસ હોસ્પિટલના બિલ્ડિંગની દીવાલોમાં તિરાડ તેમજ સ્લેબ પડી ગયા છે તેમજ વોર્ડમાં પોપડા ખરવાની શરૂઆત થતાં સ્ટાફ તથા દર્દીઓમાં મોતનો માહોલ જોવા મળી રહ્યો છે.

હોસ્પિટલમાં રોજના હજારોની સંખ્યામાં દર્દીઓ અમદાવાદ તેમજ દૂર દૂરથી સારવાર અર્થે આવતા હોય છે તેમજ અહીંયાં મોટી સંખ્યામાં દર્દીઓ સાથે લોકોની અવરજવર પણ વધુ રહેતી હોય છે. હાલમાં વીએસ હોસ્પિટલના સંકુલમાં આવેલી ઇમારતો જર્જરિત હાલતમાં હોવાના કારણે તેના નવીનીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ બિલ્ડિંગને તૈયાર થતાં હજુ એક વર્ષ જેટલો સમય લાગી જશે, પરંતુ હાલમાં એવી પરિસ્થિતિ છે કે જર્જરિત બિલ્ડિંગના કારણે દર્દીઓને ભયના માહોલ વચ્ચે સારવાર કરાવવી પડે છે.

વીએસ હોસ્પિટલ સંકુલમાં આવેલ ત્રણ માળનું બિલ્ડિંગ, જેમાં ર૦૦૦ જેટલા દર્દીઓ સારવાર લેતા હોય છે અને તેમનાં સગાં-સંબંધીઓ પણ હોય છે. આ બિલ્ડિંગમાં બાળકોના વોર્ડમાં તેમજ મેલ વોર્ડમાં દર્દીઓના પલંગ ઉપરની છત પરથી પોપડા પડી રહ્યા છે તેમજ દીવાલો પણ તૂટવા લાગી છે અને અહીંયાં બીજા માળે આવેલા દર્દીના ઓપરેશન વોર્ડમાં પણ દીવાલોમાં તિરાડ પડી ગઈ છે અને હોસ્પિટલ બારીના કાચ પણ તૂટેલા જોવા મળે છે. દર્દીઓ અને સ્ટાફ દ્વારા ઘણીવાર તંત્રનું આ અંગે ધ્યાન દોરવામાં આવે છે, પરંતુ તંત્ર કહે છે, નવું બિલ્ડિંગ બની રહ્યું છે ત્યારબાદ કોઈ સમસ્યા રહેશે નહીં.

હાલમાં બે દિવસ પહેલાં બાળકોના વોર્ડ નંબર-૧૩ની પાછળની ભાગના બિલ્ડિંગની છત પરથી સ્લેબ પડ્યો હતો, પરંતુ સ્લેબ પડ્યો ત્યારે કોઈ વ્યક્તિ હાજર ન હતી,  જેથી કોઈ જાનહા‌િન થઇ ન હતી તેમજ આ વોર્ડમાં ગંદકી પણ જોવા મળે છે. આ બિલ્ડિંગમાં જો તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં નહીં લેવાય તો મોટી ઘટના પણ સર્જાઈ શકે તેમ છે.

હોસ્પિટલના મેઈન બિલ્ડિંગના જર્જરિત થઈ ગયેલા સ્લેબનો હિસ્સો તૂટી પડ્યો હતો, જેના કારણે તેની નીચે પાર્ક કરવામાં આવેલાં ટુ વ્હીલરને નુકસાન થયું હતું તેમજ વીએસ હોસ્પિટલ આજુબાજુનાં બિલ્ડિંગના સ્લેબ પણ ગમે ત્યારે પડી શકે તેવા છે અને તંત્ર તે પડે તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ટ્રોમા સેન્ટરથી કોલેજ જવાના રસ્તા પરના જર્જરિત બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં પાર્કિંગ કરવામાં આવે છે તે જ બિલ્ડિંગના સ્લેબ પડવા લાગ્યા છે અને તે જ જગ્યાએ દર્દીઓ અને તેમનાં સગાં-સંબંધીઓ બેસીને જમતા હોય છે. આવા સમયે જો સ્લેબ પડ્યો કાં તો બિલ્ડિંગ પડ્યું તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત વીએસ હોસ્પિટલની ગુજરાત અને ગુજરાત બહાર એક સમયે ભારે પ્રતિષ્ઠા હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વીએસ હોસ્પિટલની પ્રતિષ્ઠા ઘસાતી જાય છે અને તેમાં પણ વીએસ હોસ્પિટલના મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલના અાશીર્વાદથી ઊભા થયેલા જૂના બિલ્ડિંગને તોડવાના તંત્રના પ્રયાસ સામે ભારે વિરોધ પણ થયો હતો. હાલમાં આ બિલ્ડિંગ પણ બિસમાર થઇ ગયું છે. તંત્ર દ્વારા વહેલી તકે બિલ્ડિંગનું રિપેરિંગ કરાવવું જરૂરી બન્યું છે.

મેયર અને વીઅેસ હોસ્પિટલ બોર્ડના ચેરમેન ગૌતમ શાહ કહે છે, હોસ્પિટલ સંબંધિત નાનાં-મોટાં રિપેરિંગ કામને લગતો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેના રિપોર્ટના આધારે એકાદ મહિનામાં જ્યાં જરૂરી હશે ત્યાં રિપેરિંગ કામ હાથ ધરાશે.
પ્રિતેશ પ્રજાપતિ

You might also like