વી.એસ. હોસ્પિટલમાં મેન્ટેનન્સનાં ધાંધિયાંથી ખરા સમયે જનરેટર ચાલુ થયું ન હતું

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને અપાતી સુવિધા હંમેશાં વિવાદાસ્પદ બની રહી છે. જે તે ખાટલા સહિતની ગંદકી, અપૂરતી દવા, પેરા મેડિકલ સ્ટાફની ઉદાસીનતા, ભોજનની નબળી ગુણવત્તા વગેરે બાબતોથી દર્દીઓ પરેશાન છે. પરંતુ તંત્રની નિષ્કાળજીથી ગત તા.ર૯ જૂને એક દર્દીનું મોત થતાં આ હોસ્પિટલ ફરી વિવાદોમાં આવી છે. વેન્ટિલેટર પર મુકાયેલા આ દર્દીનાં મૃત્યુ પાછળ જનરેટરના મેન્ટેનન્સમાં દાખવાયેલી નિષ્કાજી પણ કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.

વી.એસ. હોસ્પિટલ પરિસરમાં કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવી હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે. આ નવી હોસ્પિટલના નિર્માણ દરમ્યાન જૂની બિલ્ડિંગને વીજ પુરવઠો પૂરો પાડતો મુખ્ય કેબલ કપાતાં હોસ્પિટલનો વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાઇ ગયો હતો. આ દરમ્યાન દાણીલીમડાના સાદિક હુસૈન નામના વેન્ટિલેટર પર રખાયેલા દર્દીનું વીજળી ખોરવાતાં મૃત્યુ થયું હતું.

આ ઘટનાથી વી.એસ. હોસ્પિટલની પ્રતિષ્ઠા ખરડાતાં મેયરના હોદ્દાની રૂએ વી.એસ. મેનેજમેન્ટ બોર્ડના ચેરમેનનો હવાલો સંભાળતાં ગૌતમ શાહે તત્કાળ તપાસના આદેશ આપતાં તંત્ર હરકતમાં આવ્યું છે. વીજ કેબલ કપાયાની જાણકારી સત્તાવાળાઓને સમયસર ન કરનાર કોન્ટ્રાકટરને નોટિસ અપાઇ હોઇ હવે સત્તાવાળાઓ તેને પેનલ્ટી ફટકારવા જઇ રહ્યા છે. જોકે હોસ્પિટલના જનરેટરની વ્યવસ્થાની કાર્યક્ષમતા ઉપર પર પ્રશ્નો ઊઠ્યા છે. વોર્ડ નં.૧પમાં સાદિક હુસૈનનું તંત્રની આ બાબતની લાપરવાહીથી મોત થયું હોવાનો પણ આક્ષેપ ઉઠયા છે. આ અંગે હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉ. સંદીપ મલ્હાનને પૂછતાં તેઓ કહે છે, “એક જનરેટરની અંદર ભેજ ઘૂસી જવાથી ટેકનિકલ પ્રોબ્લેમ સર્જાયો હતો.’ જોકે આ અંગે પૂરતી તપાસ કરાયા બાદ મેન્ટેનન્સનો હવાલો સંભાળતા કોન્ટ્રાકટર સામે આગળની કાર્યવાહી કરાશે.
http://sambhaavnews.com/

You might also like