વીએસ હોસ્પિટલની લિફ્ટ પણ મરણઅવસ્થાએ!

અમદાવાદની વી.એસ. હોસ્પિટલની એક લિફ્ટ જાણે મરવા પડી હોય તેમ લાગી રહ્યું છે, તો બીજી લિફ્ટ વારંવાર બીમાર પડી જાય છે. આથી બીમાર દર્દીઓને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની સામેના બિલ્ડિંગમાં દર્દીઓ તથા મુલાકાતીઓ માટે બે લિફ્ટ રાખવામાં આવી છે. જોકે આ બંને લિફ્ટ ચાલુ હોવા કરતાં બંધ વધુ હોય છે. તેમાંની એક લિફ્ટ તો ૩-૪ વર્ષથી બંધ જ છે, જ્યારે બાજુમાં રહેલી બીજી લિફટ ગમે ત્યારે બંધ થઈ જાય છે. આવા સમયે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વળી આ લિફ્ટ જ્યારે અચાનક બંધ થઈ જાય ત્યારે અંદર રહેલા લોકો બુમાબુમ કરી મૂકે છે અને તેમની બૂમો સાંભળીને લોકો દોડી આવે છે. બાદમાં કલાકોની જહેમત બાદ તેમને બહાર કાઢવા પડે છે. આવો બનાવ દર ત્રીજા-ચોથા દિવસે બની રહ્યો છે, છતાં હોસ્પિટલતંત્ર ઘોર બેદરકારી સેવી રહ્યું છે.

હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર કરાવવા આવતા હોય ત્યારે તંત્રની આવી બેદરકારી અનેક સવાલ ઊભા કરે છે. આ અંગે હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેક્ટર નરેન્દ્ર પરમાર બચાવ કરતાં કહે છે, “જૂનું બિલ્ડિંગ હોવાથી લિફટ બંધ છે.” જોકે સવાલ એ છે કે બિલ્ડિંગ જૂનું હોય તો બીજી લિફ્ટ ચાલુ કેમ છે? પરંતુ આ લિફ્ટ પરાણે ચાલતી હોઈ દર્દીઓની લાઇન લાગે છે. કોર્પોરેશન દ્વારા કરોડોની ગ્રાન્ટ મળતી હોવા છતાં લિફટનું નવીનીકરણ કરવામાં આવતું નથી. ક્યારેક કોઈ અઘટિત ઘટના ઘટે એ પહેલાં તંત્ર અનિવાર્ય પગલાં ભરે તે જરૂરી છે.

You might also like