વીએસ હોસ્પિટલનાં ડોક્ટર્સ કવાર્ટર્સ ‘બિમાર’ હાલતમાં

અમદાવાદ: મ્યુનિ. સંચાલિત વીએસ.હોસ્પિટલની રાજ્યભરમાં ગરીબોની હોસ્પિટલ તરીકેની પ્રતિષ્ઠા છે. વીએસ હોસ્પિટલની પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચાય છે. આ હોસ્પિટલનું સ્વતંત્ર વ્યવસ્થાપક મંડળ છે. તેમ છતાં અવારનવાર વીએસ હોસ્પિટલ વિવાદાસ્પદ બને છે. આ હોસ્પિટલના ડોક્ટર્સ કવાર્ટર્સની બિસમાર હાલતે નવી ચર્ચા જગાડી છે.

વીએસ હોસ્પિટલમાં કરોડો રૂપિયાની નાણાકીય ઉચાપતના મામલે તંત્ર હજુ સુધી ઉદાસીન જ છે. આ કૌભાંડના છેડા મોટામાથાંઓ સુધી અડતા હોવાથી સત્તાવાળાઓએ પોલીસમાં એફઆઈઆર નોંધાવ્યે સવા મહિનો થયા બાદ પણ તપાસમાં શિથિલતા જોવા મળે છે. આની સાથે સાથે ખુદના આરએમઓ સ્તરના ડોક્ટરોનાં કવાર્ટર્સ પ્રત્યે પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. ડોક્ટરોના સ્ટાફ કવાર્ટસના બારી-બારણાના કાચ તૂટી ગયા છે. ઉપરની છતનો સ્લેબ પડું પડુ થાય તેવો છે. નીચેની ટાઈલ્સ તૂટી ગઈ છે. બાથરૂમ અને ટોઈલેટ જર્જરિત હાલતમાં છે. કવાર્ટસની સીડીઓ પણ ભંગાર હાલતમાં જોવા મળે છે.

ડોક્ટરોના દર્દી અથવા તેમના સગાં સંબંધી મિત્રો સાથેના એક અથવા બીજા પ્રકારના ટંટા-ફસાદ માટે જાણીતી આ હોસ્પિટલમાં ડોક્ટર્સ સ્ટાફની ઉપેક્ષા ખરેખર આશ્ચર્યજનક બાબત છે. એક તરફ આ સ્ટા©ફ કવાર્ટર્સ બિસમાર હોલતમાં છે. બીજી તરફ તંત્રમાં વૈશ્વિક સ્તરનું રૂ.૪૫૦ કરોડના ખર્ચે સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર તૈયાર કરવાનો થનગનાટ જોવા મળે છે! ૧૯ માળના ૧૫૫૦ પથારીની ક્ષમતાવાળા ત્રણ ટાવર બની રહ્યા છે.

જેમાં ઈમર્જન્સી સેવા માટે ટેરેસ ઉપર હેલિપેડની સુવિધા રહેશે તેવો પણ તંત્રનો દાવો છે. પરંતુ હોસ્પિટલના હાલના ચાર આસિ. આરએમઓ અને આરએમઓને ભંગાર હાલતના કવાર્ટર્સમાં રહેવું પડે છે. નવી બિલ્ડિંગ તૈયાર ન થાય ત્યાં સુધી એટલે કે હજુ એક વર્ષ રહેવું પડશે! ત્યાર બાદ આ ડોક્ટરોને નવી બિલ્ડિંગમાં કવાર્ટર્સ ફાળવાશે. પૂર્વ મેયર મીનાક્ષીબહેન પટેલે પોતે આ કવાર્ટર્સની મુલાકાત લઈ ચૂક્યાં છે. તેમ છતાં સ્થિતિ યથાવત્ જ છે!

પાલડીના કોંગ્રેસના કાર્યકર જોહર ટી. વોરાએ આ મુદ્દે મેયરના હોદ્દાની રૂએ વી.એસ. મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન ગૌતમ શાહને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. દરમિયાન આ અંગે મેયર શાહને પૂછતાં તેઓ કહે છે, ‘મેં વી.એસ. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. એસ.ટી. મલ્હાનને આ કવાર્ટર્સમાં પૂરતું સમારકામ કરવાની સૂચના આપી છે.’

You might also like