વીએસ હોસ્પિટલમાં છ કલાક સુધી સારવાર ન મળતાં કિશોરનું મોત

અમદાવાદ: મ્યુનિસિપલ સંચાલિત વીએસ હોસ્પિટલ આજે ફરીથી ચર્ચાસ્પદ બની હતી. આજે સવારે ૮-૪પ વાગ્યાના સુમારે એક ૧૬ વર્ષીય કિશોરનું સારવારના અભાવે સાડા છ કલાક સુધી ટળવળતાં રહીને છેવટે કરુણ મોત નીપજતાં ભારે હોબાળો મચ્યો હતો. આ કિશોરનાં સગાંવહાલાંઓએ રોષે ભરાઇને તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક સમયે રાજ્ય બહાર પણ ગરીબોની ઉત્તમ સેવા માટે વખણાતી વીએસ હોસ્પિટલનો કારભાર દિન-પ્રતિદિન કથળતો જઇ રહ્યો છે. વીએસ હોસ્પિટલમાં કૌભાંડોની નવાઇ નથી રહી. તાજેતરમાં કરોડો રૂપિયાની નાણાકીય ઉચાપતનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. આ ઉપરાંત વીએસ હોસ્પિટલમાં અંધાપાકાંડ પણ ગાજ્યો હતો. હવે ફરીથી આ વીએસ હોસ્પિટલ વિવાદોના વમળમાં અટવાઇ છે.
આજે સવારે કચ્છ-ભૂજથી આવેલા શોએબ નામના ૧૬ વર્ષીય કિશોરનું સવારે ૮-૪પ વાગ્યે કરુણ મોત નીપજ્યું હતું. આ કિશોરને મગજનો તાવ આવવાથી રા‌િત્રના બે વાગ્યે તેનાં કુટુંબીજનો વીએસ હોસ્પિટલ ખાતે લઇ આવ્યાં હતાં. તેમ છતાં વીએસ હોસ્પિટલમાં તેની કોઇ સારવાર કરાઇ ન હતી. ફરજ પરના ડૉક્ટર ગેરહાજર હોવાનું જણાવીને આ કિશોરને ઓપીડી બિલ્ડીંગની બહાર તરફડતો છોડી દીધો હતો. કિશોરના મોતથી ઉશ્કેરાયેલાં તેનાં પરિવારજનોએ વીએસ હોસ્પિટલના સત્તાવાળાઓ વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

અા અંગે વીએસ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ ડો. એસ.ટી. મલહાનને પુછતા તેઓ કહે છે કે અા અંગે હજુ કોઈની બેદરકારી જણાઈ અાવી નથી. તપાસના અાદેશ અપાયા હોય ત્યારબાદ જ કશુ કહી શકાશે.

You might also like