ગેંગ રેપઃ વૃષભ, ગૌરવ અને યામિનીના નાર્કો ટેસ્ટ કરાયા

અમદાવાદ: શહેરમાં ચકચારી એવા સેટેલાઇટ ગેંગરેપ મામલે કથિત આરોપીઓના આજે નાર્કોટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે સવારે કથિત આરોપી ગૌરવ, યામિની અને વૃષભને ગાંધીનગર એફએસએલ કચેરીમાં લઇ જવાયા હતા. નાર્કોટેસ્ટ પહેલાં તેઓના શારીરિક અને માનસિક ટેસ્ટ લેવાયા હતા.

ઘોડાસર વિસ્તારમાં રહેતા વેપારીની પુત્રીનાં અપહરણ અને ગેંગરેપ મામલે અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપાઇ છે. પીડિતાની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ કરી યામિનીની રાજકોટથી અટકાયત કરી હતી. જ્યારે કથિત આરોપી ગૌરવ અને વૃષભ ક્રાઇમ બ્રાંચમાં હાજર થયા હતા.

ત્રણેયે પોલીસ સમક્ષ પોતાની કેસમાં કોઇ સંડોવણી ન હોવાનું જણાવ્યું હતું. પોલીસ સમક્ષ તેઓએ બ્રેઇન મેપિંગ અને નાર્કોટેસ્ટ માટેની તૈયારી બતાવી હતી.  ત્રણેય કથિત આરોપીઓએ પોતાના નાર્કોટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ત્રણેયની અરજી ગ્રાહ્ય રાખી નાર્કોટેસ્ટ કરાવવાની મંજૂરી આપી હતી. જેને લઇ આજે સવારે ત્રણેયને નાર્કોટેસ્ટ માટે ગાંધીનગર એફ.એસ.એલ કચેરીએ લઇ જવાયા હતા.

નાર્કોટેસ્ટ કરતા પહેલાં ત્રણેય શારીરિક અને માનસિક રીતે ટેસ્ટ માટે સક્ષમ છે કે કેમ તે અંગેનો ટેસ્ટ કરાયો હતો. આ લખાય છે ત્યારે ત્રણેય કથિત આરોપીઓના નાર્કોટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

You might also like