પ.બંગાળ બીજા તબક્કામાં મતદારો મનમુકીને વરસ્યા : 80 ટકા મતદાન

કોલકાતા :પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનાં બીજા ચરણમાં 56 સીટોનાં માટે જબર્દસ્ત મતદાન થયું છે. ચૂંટણી પંચનાં અધિકારી સંદીપ સકસેનાએ જણાવ્યું કે સાંજે 5 વાગ્યા સુધીમાં 80 ટકા મતદાન થયું છે. અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર બંગાળનાં છ જિલ્લા અલીપુરદુઆર, જલપાઇગુડી, દાર્જિલિંગ, ઉત્તર દિનાજપુર, દક્ષિણ દિનજાપુર, માલદા તથા દક્ષિણ બંગાળનાં બીરભુમ જિલ્લામાં 70.82 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે પશ્ચિમ બંગાળમાં કુલ 80 ટકા મતદાન થયું છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાનનો પ્રારંભ થઇ ગયો છે.  56 વિધાનસભા બેઠક માટે મતદાન યોજાઇ રહ્યું છે. આજે રવિવારની રજા હોય સવારથી લોકોમાં મતદાનને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મળતા અહેવાલ મુજબ બપોરે 3 વાગ્યા સુધીમાં 70.33 ટકા જેટલું મતદાન થયું છે. સવારથી જ મતદાન મથક પર ભારે માત્રામાં લોકો મતદાન કરવા પહોંચી ગયા છે. આજે બીજા તબક્કામાં અલીપુર દ્વાર, જલપાઇ ગુડ્ડી, દાર્જિલિંગ, ઉત્તર દિનાજપુર, દક્ષિણ દિનાજપુર, માલદા અને વીરભૂમમાં મતદાનનો પ્રારંભ થઇ ગયો છે. કુલ 56 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે.

જેમાં અલીપુર દ્વારમાં 5 બેઠક, જલપાઇ ગુડ્ડીમાં 7, દાર્જિલિંગમાં 6, ઉત્તર દિનાજપુરમાં 9, દક્ષિણ દિનાજપુરમાં 6, માલદામાં 12 અને વીરભૂમની 11 બેઠકનો સમાવેશ થાય છે. મળતા અહેવાલ મુજબ વીરભૂમ જિલ્લાના બોલપુર વિધાનસભા ક્ષેત્રમાં બૂથ નંબર 78 પર સવારે ટીએમસી અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ થઇ છે. આ અથડામણમાં ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે ચૂંટણી પંચે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી છે. સંવેદનશીલ મતદાન મથક સહિત ઘણી જગ્યાએ સીસી ટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. અલીપુર દ્વારમાં સેન્ટ્રલ ફોર્સની 68 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. જ્યારે 1302 પોલિંગ બૂથ (306 સંવેદનશીલ બૂથ સહિત) પર પ્રદેશ પોલીસને ભારે માત્રામાં તૈનાત કરવામાં આવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટવિટર લોકોને સૌથી વધારે સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. મોદીએ જણાવ્યું કે આજે મતદાનનો નવો રેકર્ડ સ્થાપિત કરવામાં આવે.

You might also like