મતદાનની તારીખનું વિઘ્નઃ અનેક પરિવારોના માંગલિક પ્રસંગ રઝળ્યા

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: ચૂંટણી પંચ દ્વારા ગયા રવિવારે ૧૭મી લોકસભાની ચૂંટણીના કાર્યક્રમ જાહેરાત કરાયા બાદથી ગુજરાત સહિત દેશનું રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં જે તે બેઠક પરના ઉમેદવારની પસંદગી માટેની કવાયત જોરશોરથી આરંભાઇ હોઇ અમુક બેઠક માટેના ચૂંટણીના મુરતિયા પણ જાહેર કરાયા છે.

હવે આવા મુરતિયા લીલાં તોરણેથી પાછા આવશે કે આનંદભેર પોંખાશે તે તો આગામી તા.ર૩ મેના રોજ હાથ ધરનારી ગણતરીના દિવસે ખબર પડશે. પરંતુ ચૂંટણી પંચ દ્વારા વિવિધ ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે સત્તાવાળાઓ પાસેથી મ્યુનિસિપલ હોલની માગણી કરી હોઇ જે તે હોલનું અગ્રીમતાના ધોરણે બુકિંગ કરાવીને મહિનાઓ અગાઉથી લગ્ન જેવા માંગલિક પ્રસંગોને ઉત્સાહ-ઉમંગભેર ઊજવવા થનગનતા અનેક સામાન્ય નાગરિકોના ચહેરા પરનું નૂર હણાયું છે કેમ કે નાગરિકોના બુુકિંગના દિવસો તંત્રે ચૂંટણી પંચને ફાળવતા તેમના માંગલિક પ્રસંગો રઝળી પડતાં નવા નાકે દિવાળી ઊજવવાની કપરી પળો આવી છે.

આપણા દેશની લોકશાહીમાં દર પાંચ વર્ષે વિભિન્ન સ્તરેથી લોકપ્રતિનિધિઓ ચૂંટી કાઢવા નાગરિકોને મળેલા મતાધિકાર થકી યોજાતી ચૂંટણી પૈકી લોકસભાની ચૂ્ંટણી તો તમામ ચૂંટણીનું મહાપર્વ ગણાય છે. આગામી ૧૭મી લોકસભાની ચૂંટણી માટે સાત તબક્કામાં આ મહાપર્વ ઊજવાશે. તા.૧૧ એપ્રિલના પહેલા તબક્કાથી તા.૧૯ મેના સાતમા તબક્કાના મતદાન પૈકી ગુજરાતમાં આગામી તા.ર૩ એપ્રિલના ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે.

ગુજરાતની લોકસભાની તમામ ર૬ બેઠક માટે એક દિવસમાં ચૂંટણીનું આયોજન કરાયું હોઇ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આ દિશામાં તડામાર તૈયારી હાથ ધરાઇ છે. જે માટે વિવિધ સ્તરેથી આયોજન ઘડાઇ રહ્યા છે જેમાં પોલિંગ બૂથની વ્યવસ્થા, ચૂંટણી સ્ટાફની ટ્રેનિંગ વ્યવસ્થા પોલીસ સહિતના ચૂંટણી બંદોબસ્તમાં જોડનારાં દળોની ઉતારાની વ્યવસ્થા વગેરેનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદની પશ્ચિમ અને પૂર્વ એમ લોકસભાની બે બેઠક માટે ચૂંટણીના સુવ્યવસ્થિત આયોજનના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા બળવંતરાય ઠાકોર હોલ, નરોત્તમ ઝવેરી હોલ, મંગલ પાંડે હોલ તેમજ અસારવા કોમ્યુનિટી હોલ સહિતના કોમ્યુનિટી હોલ ફાળવવાની મ્યુનિસિપલ તંત્રને માગણી કરાઇ છે.

ચૂંટણી પંચની જે તે હોલની ફાળવણીની માગણીને સત્તાધીશોએ અગ્રીમતાના ધોરણે માન્ય રાખતાં આ હોલને આઠથી દશ મહિના અગાઉથી લગ્ન જેવાં માંગલિક પ્રસંગો માટે બુક કરીને હાશકારો અનુભવનાર અનેક સામાન્ય નાગરિકોના પરિવારને ચિંતામાં ગરકાવ કર્યા છે.

મ્યુનિસિપલ વહીવટી તંત્ર તો કહે છે અમે ચૂંટણી પંચના પ્રિસાઇડિંગ ઓફિસર, આસિ.પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના મતદાન પ્રક્રિયા સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા ચૂંટણી સ્ટાફની ટ્રેનિંગ, પોલીસ સ્ટાફના ઉતારા સહિતના વિવિધ આયોજન હેતુ જે તે નાગરિકના જે તે હોલના બુકિંગને ભલે કેન્સલ કર્યું છે પરંતુ આ નાગરિકોને તેમનું રિફન્ડ પૂરેપૂરું ચૂકવી રહ્યા છે.

કેટલાક હોલમાં તો ત્રણ-ચાર દિવસની તબક્કાવાર ટ્રેનિંગ માટે ચૂંટણી પંચે બુકિંગ કર્યું હોઇ આ તમામ દિવસોની ફાળવણી અગ્રીમતાના ધોરણે કરવી પડી છે. એટલે અમુક હોલમાં દશથી પંદર દિવસ તો કેટલાક હોલમાં પોલિંગ બૂથની વ્યવસ્થા માટે બે થી ત્રણ દિવસ અપાયા છે.

ચૂંટણી નિર્વિદને સરળતાથી પાર પડે તેવા હેતુસર આ તમામ હોલ અપાયા હોવા છતાં તેનું બુકિંગ કરાવનારા નાગરિકોને નવેસરથી હોલ શોધવાની કડાકૂડ થઇ છે. એક તો ખાનગી હોલની સરખામણીમાં મ્યુનિસિપલ હોલ ભાડાની દૃષ્ટિએ સસ્તા હોઇ તેના સમયસર બુકિંગ માટે લોકોમાં રીતસરની પડાપડી થતી હોય છે.

જેના કારણે જે તે દિવસે અરજદારોની સંખ્યા વધવાથી ડ્રો કરીને હોલની ફાળવણી કરાય છે આ સંજોગોમાં કમુરતાં ઊતર્યા બાદ પુરબહારમાં ખિલનારા લગ્નગાળાની મોસમમાં સામાન્ય લોકો ઉનાળાનો આકરી ગરમી ઉપરાંત હોલ શોધવાની કવાયતમાં પરસેવે રેબઝેબ થઇ જશે.

અનેક લોકોએ તો અત્યારથી જે તે ઝોનના એસ્ટેટ વિભાગમાં દોટ મૂકીને ચૂંટણી પંચને પોતાના નિર્ધારિત દિવસે હોલની ફાળવણી કરી તો નથી તેની પૂછપરછ આરંભી છે. લાડીને હોંશભેર સજી ધજીને લાવેલા વરરાજાનું અદકેરું સ્વાગત કયા હોલમાં કરવું તેની પળોજણમાં પડ્યા છે.

બીજી તરફ મ્યુનિસિપલ સંચાલિત શાળાઓમાં પણ પોલિંગ બૂથ સહિતની વ્યવસ્થા માટે સત્તાવાળાઓએ તંત્રની માલિકીની સ્કૂલની આશરે બસો બિલ્ડિંગની ફાળવણી ચૂંટણી પંચને કરી છે. આમ અમદાવાદમાં લોકસભાની ચૂંટણીનો ‘વરઘોડો’ શાનદાર-જાનદાર રીતે નીકળે તે દિશામાં જોરદાર કવાયત આરંભાઇ ચૂકી હોઇ મ્યુનિસિપલ શાળા તો લગ્ન માટે ફાળવાતી ન હોઇ હોલનાં બુકિંગ રાતોરાત કેન્સલ થઇ રહ્યાં હોઇ એનું આયોજન કરનારા સેંકડો પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે.

You might also like