બંગાળમાં 49 સીટો પર બંપર વોટિંગ, 67 ટકા મતદાન

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં ઉત્તરીય ૨૪ પરગણા, વિદ્યાનગર અને હાવરા જિલ્લાની ૪૯ બેઠકો માટે આજે સવારે ૭.૦૦ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. જોકે કેટલાક સ્થળોએ ઈવીએમમાં ગરબડ ઊભી થતાં મતદાન શરૂ થતાં વિલંબ થયો હતો. પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કામાં બંપર વોટિંગ થયું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં 67 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે બોગસ મતદાન મામલે 100 લોકોની ઘરપકડ કરવામાં આવી છે.

બીજેપી ઉમેદવાર રૂપા ગાંગુલી અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઇ હતી. ત્યાર બાદ રૂપા ગાંગુલી વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. રૂપા ગાંગુલીએ મહાભારત સિરિયલમાં દ્રોપદીનો રોલ કર્યો હતો.  વોટિંગ દરમ્યાન ઉત્તરી હાવડના સલ્કિયામાં એક મતદાન કેન્દ્ર પર હોબાળો થયો ગતો અને બીજેપી દ્વારા તૃણમૂલ કોંગ્રેસ પર બુથ કબજે કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

સલ્કિયામાં મતદાન કેન્દ્ર પર હોબાળોઃ ઉત્તરી હાવડાના સલ્કિયામાં બૂથ નંબર 94માં લાઇનમાં ઉભેલા મતદાતાઓએ એવી ફરિયાદ કરી છે કે તેમને વોટિંગ કરવા માટે અંદર જવા દેવામાં આવી રહ્યાં નથી. ત્યાર બાદ ત્યાં બીજેપી ઉમેદવાર રૂપા ગાંગુલી પહોંચ્યા હતા અને તેમણે આ મામલે વિરોધ પ્રગટ કર્યો હતો.

આ દિગ્ગજોની કિસ્મત દાવ પરઃ ચોથા તબક્કામાં વિધાનસભાની ૪૯ બેઠક માટે મતદાન જારી છે. જેમાં ઉત્તર પરગણાની ૩૩ અને હાવરાની ૧૬ બેઠકનો સમાવેશ થાય છે. ચોથા તબક્કામાં ૧.૦૮ કરોડ મતદારો અમિત મિત્રા, પૂર્ણેન્દુ બાસુ, ચંદ્રિમા ભટ્ટાચાર્ય, બ્રત્ય બાસુ, જ્યોતિ પ્રિય મલિક અરૂપરાય જેવા તૃણમૂલ કોંગ્રેસના કેટલાક દિગ્ગજ પ્રધાનો સહિત કુલ ૩૪૫ ઉમેદવારોનાં ચૂંટણી ભાવિનો ફેંસલો કરશે. કુલ ઉમેદવારોમાં મહિલાઓની સંખ્યા માત્ર ૪૦ છે.ડાબેરી મોરચા અને તેના સાથી કોંગ્રેસ તેમજ ભાજપ માટે પણ આ ચૂંટણીજંગ નિર્ણાયક છે કારણ કે આ તબક્કામાં ભાજપનાં ઉમેદવાર રૂપા ગાંગુલી અને પક્ષના એક માત્ર વર્તમાન વિધાનસભ્ય સમિક ભટ્ટાચાર્ય મેદાનમાં છે. બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ જગમોહન દાલમિયાની પુત્રી વૈશાલી અને બંગાળ ક્રિકેટનાં પૂર્વ કેપ્ટન લક્ષ્મી રતન શુકલા પણ મેદાનમાં છે. બંને ટીએમસીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે.

કડક સુરક્ષા વ્યવસ્થાઃ ત્રીજા તબક્કાની ચૂંટણીમાં હિંસક અથડામણોના અહેવાલ બાદ ચૂંટણીપંચે આ ચોથા તબક્કાના મતદાન માટે સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત કર્યો છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે કેન્દ્રીય સશસ્ત્ર દળો સહિત કુલ ૯૦,૦૦૦ સુરક્ષાકર્મીને તહેનાત કરવા આવ્યા છે. ઉત્તર ૨૪ પરગણા અને હાવરા જિલ્લાની તમામ સરહદો પર નાકાબંધી કરીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. વિદ્યાનગર અને હાવરાના કેટલાય વિસ્તારોની હોટલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ તબક્કાનું મતદાન તૃણમૂલ કોગ્રેસ માટે ઘણું મહત્ત્વનું છે કારણ કે તેમાં નવ પ્રધાન અને એક પૂર્વ પ્રધાનના ચૂંટણી ભાવિનો ફેંસલો થનાર છે.

You might also like