આતંકવાદીઓનાં શસ્ત્ર IED કરતાં મતદારોનું વોટર આઈડી વધુ શક્તિશાળી: PM મોદી

શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દુનિયાને હચમચાવી નાખી હોઇ આતંકવાદ જેવી વૈશ્વિક સમસ્યાને વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતના મતદાન પર્વ સાથે સાંકળીને આજે સવારે રાણીપ ખાતે મતદાન કરવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આતંકવાદ પર સીધો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આતંકવાદનું શસ્ત્ર આઇઇડી છે તો મતદારનું શસ્ત્ર વોટર આઇડી હોય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન હાઇસ્કૂલમાં ગાંધીનગર લોકસભા બેઠક માટે મત આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા વતનમાંથી મને મતદાન કરવાની તક મળી છે. જે રીતે કુંભના મેળામાં સ્નાન કરીને પવિત્રતાનો આનંદ આવે છે તેવો જ પવિત્ર અનુભવ મને લોકતંત્રના મહાપર્વના આ દિવસે અમદાવાદમાં મતદાન કરીને થાય છે.

લોકતંત્રના મહાપર્વને ઉત્સવ તરીકે લેખાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને બહુ મોટી સંખ્યામાં મતદાન કરવાનો આગ્રહ કરતાં વધુમાં જણાવ્યું હતું કે, મતદાન કોને કરવું, કોને ન કરવું તે માટે મતદાર ખૂબ સમજદાર છે. પહેલીવાર મત આપતા યુવક-યુવતીઓનું સ્વાગત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે નિર્ણાયક સરકાર બનાવવા માટે હું યુવા મતદારોને શુભકામનાઓ પાઠવું છું. પ્રથમ વાર મતદાન કરનારા યુવાઓએ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે મતદાન કરવાનું છે. તેઓ લોકતંત્રની શક્તિ અને તેનું મહત્વ દુનિયાની સામે ઉદાહરણ તરીકે મૂકવા માટે સો ટકા મતદાન કરે.

મોદીએ મીડિયાનો આભાર માનતાં વધુ જણાવ્યું હતું કે પત્રકારોએ ધોમધમખતા તાપમાં પોતાની ફરજ બજાવી છે. તેમણે પત્રકારોને તબિયત સાચવવાની અને આરામ કરવાની સલાહ આપી હતી.

આજે સવારે ગાંધીનગરના રાયસણ ખાતે નાનાભાઇ પંકજના ઘરે માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. માતા હીરાબાએ મોદીને કપાળે તિલક કરીને મિઠાઇ ખવડાવી તેમનું મોં મીઠું કર્યું હતું. હીરાબાએ પોતાના શક્તિ ઉપાસક પુત્ર નરેન્દ્ર મોદીને શ્રીફળ, માતાજીની ચૂંદડી અને રૂપિયા પ૦૦ પણ ભેટમાં આપ્પા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ મેળવીને અમદાવાદના રાણીપ આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓ કારમાંથી ઊતરીને ખુલ્લી જીપમાં બેઠા હતા.

તેમણે ખુલ્લી જીપમાં અડધો કિમી મુસાફરી કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ તેમનાં પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સહિત મોદીના સ્વાગત માટે હાજર હતા. વડા પ્રધાન મોદીએ અમિત શાહની પૌત્રીને વહાલથી તેડી લઇને તેને રમાડી હતી તેમજ જીતના પ્રતીક સમાન ‘વી’નું નિશાન કરી બતાવ્યું હતું.

You might also like