ચૂંટણીના માહોલ વચ્ચે મતદારોનું મન અકળઃ પક્ષો ચિંતામાં

લોકસભા ચૂંટણીનો માહોલ હવે ધીમે ધીમે જામી રહ્યો છે. રાજકીય પક્ષો પ્રોએક્ટિવ બની રહ્યા છે. વિવિધ પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે અને ચૂંટણી પ્રચાર અભિયાન ધીમે ધીમે જોર પકડી રહ્યું છે. વાતાવરણમાં ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે. લોકોના મનમાં સતત એક પ્રશ્ન ઘૂમરાઇ રહ્યો છે કે આ વખતે કોણ મેદાન મારી જશે?

સૌ કોઇને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે નરેન્દ્ર મોદી ફરીથી દિલ્હીના સિંહાસન પર બિરાજમાન થશે કે કેમ? જુદી જુદી ટીવી ચેનલો ઓપિનિયન પોલ પણ કરાવી રહી છે, પરંતુ આ ઓપિનિયન પોલનાં કોઇ નક્કર તારણો જોવા મળતાં નથી. આ બધા વચ્ચે ભારતીય મતદાર અકળ જણાઇ રહ્યો છે. એવું લાગે છે કે ભારતીય મતદાર સમગ્ર ખેલ જોઇ રહ્યો છે અને મતદાનના દિવસે જ પોતાનાં પત્તાં ખોલશે. આ વખતના ચૂંટણીજંગમાં મુખ્ય લડાઇ મોદી વિરુદ્ધ તમામ વિપક્ષ વચ્ચે છે.

રાજકીય પક્ષો પણ અકળ જણાઇ રહ્યા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં કે જેના પર દિલ્હીની ગાદી સુધી પહોંચવાનો મદાર અને માર્ગ છે ત્યાં રાજકીય પક્ષો પણ અકળ મૌન ધારણ કરીને બેઠા છે. એવું જણાય છે કે ઉત્તર પ્રદેશમાં મોદી સામે ગઠબંધન કરનાર બે મુખ્ય પક્ષ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી ભેદી રીતે સાઇલન્ટ છે.

આ બંને પક્ષોની સાઇલન્ટ જરૂર ચોંકાવનારાં પરિણામ લાવી શકે છે. એક વાત ચોક્કસ છે કે જો મોદીને ફરીથી દિલ્હીના સિંહાસન પર બેસવું હશે તો ઉત્તર પ્રદેશમાં કમસે કમ ૭૦ બેઠકો મેળવવી જ પડશે. તેનું કારણ એ છે કે દ‌િક્ષણનાં રાજ્ય તેમજ પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યમાં ભાજપને કોઇ બેઠકો મળે એમ લાગતું નથી.

તાજેતરમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ભાજપની આંખો ઊઘડી જાય એવું ચોંકાવનારું અંકગણિત રજૂ કરતાં જણાવ્યું હતું કે ર૦૧૪માં જ્યારે નરેન્દ્ર મોદીની લહેર હતી ત્યારે પણ ભાજપને સમગ્ર દ‌િક્ષણ ભારતનાં તમામ રાજ્યમાં માર પડ્યો હતો અને પશ્ચિમ બંગાળમાં પણ બહુ જૂજ બેઠકો મળી હતી.

જ્યારે આ વખતે તો મોદીની લહેર જ દેખાતી નથી અને તેથી આ વખતે દ‌િક્ષણનાં રાજ્ય અને પશ્ચિમ બંગાળમાં ર૦૧૪ કરતાં પણ વધુ મોટો ફટકો ભાજપને પડી શકે છે અને તેથી જો ભાજપે ફરીથી દિલ્હીનો તખ્ત કબજે કરવો હશે તો ઉત્તર પ્રદેશમાં ચોક્કસપણે મેદાન મારવું પડશે અને ૬૦થી ૭૦ની વચ્ચે બેઠકો મળશે તો જ દિલ્હીની ગાદી સર કરી શકાશે.

જોકે રાજકીય પક્ષો અને ચૂંટણી નિષ્ણાતોની ગણતરીનો સમગ્ર મદાર ભારતીય મતદાર પર છે. ભારતીય મતદાર ધારે તો ગમે તેેવી ગણતરીઓ ઊંધી-ચત્તી કરી શકે છે. ભારતીય મતદાર ક્યારેય છેલ્લી ઘડી સુધી પોતાનું મન કળવા દેતો નથી. મોદીની તરફેણમાં એક ‌પરિબળ કામ કરી શકે છે.

આ પરિબળ એટલે મોદી અને ભાજપે શરૂ કરેલ આક્રમક સોશિયલ મીડિયા ઝુંબેશ. સોશિયલ મીડિયા પર ભાજપ અને મોદી તરફી જોરદાર વીડિયો વોર ચલાવવામાં આવી રહી છે અને આ વીડિયો વોર સામાન્ય મતદારોને પ્રભાવિત કરે તેવી હોય છે. ખાસ કરીને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓથી કોંગ્રેસ સહિતના વિપક્ષ પીટાઇ જશે એવા અણસાર મળી રહ્યા છે.

રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રવાદના મુદ્દાઓ ઉપરાંત મતદારને પ્રભાવિત કરી શકે તેવા ૩૧ પોઇન્ટ ઓળખી કાઢવામાં આવ્યા છે. આ મુદ્દાઓમાં પીવાનું પાણી, વીજળી, સડક, ભોજન, શિક્ષણ, આરોગ્ય, જાહેર પરિવહન વગેરેનો સમાવેશ થાય છે. મતદારો મત આપતી વખતે આ મુદ્દાઓને પણ પ્રાથમિકતા અને અ‌િગ્રમતા આપી શકે છે, સાથે-સાથે મતદાર આ મુદ્દાઓની કસોટી પર મોદી સરકારની કામગીરીને પણ મૂલવશે. આમ, હાલ તો મતદારોનું મન કળી શકાતું નથી.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 month ago