મતદારોનાે ફેંસલો EVMમાં કેદ, 26 બેઠક પર શાંતિપૂર્ણ મતદાન

ગુજરાતમાં ત્રીજા તબક્કાની ર૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી માટે સવારના ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. રાજ્યનાં અનેક સ્થળોએ ઈવીએમ ખોટવાયાં હોવાની ઘટનાને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે, જોકે ઇવીએમ ખોટવાવાના કારણે કેટલીક જગ્યાએ મતદાનમાં વિલંબ થયો હતો. રાજ્યની તમામ બેઠક પર સવારના ૧૧.૦૦ કલાક સુધીમાં સરેરાશ ૧૮થી ૨૫ ટકા મતદાન નોંધાયું છે. આખા રાજ્યના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મતદાન મથકો પર મોટી લાઇનો જોવા મળી હતી.

વહેલી સવારે જ વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને મહત્તમ મતદાન કરવાની અપીલ કરી હતી. વડા પ્રધાન મોદીએ પણ મતદાન કરીને મહાન લોકતંત્રના મહાપર્વમાં ભાગીદાર થયા હોવાનું જણાવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમનાં પત્ની અંજલી રૂપાણી સાથે મતદાન કર્યું હતું.

સૌથી ઓછું મતદાન જામનગર બેઠક પર અને સૌથી વધુ મતદાન વલસાડમાં નોંધાયું છે. કોંગ્રેસના મનહર પટેલે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી ગાંધીનગર બેઠક પર ત્રણ પૂર્વ મુખ્યપ્રધાનોએ મતદાન કર્યું સૌરાષ્ટ્રમાં તળાજાના ધારડી ગામે લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. વલસાડના ધરમપુરમાં બોગસ મતદાન થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

શરૂઆતના તબક્કે અમદાવાદ જિલ્લામાં ૩ જગ્યાએ ઈવીએમ ખોટકાયાં હતાં જ્યારે રાજ્યના વલસાડમાં ધોબી તળાવ, મહેસાણામાં બૂથ નંબર-૯૪ અને સંસ્કાર જ્યોતિ સ્કૂલ, વાઘોડિયા તાલુકાના સનોલી, પાટણના સાંતલપુરમાં, લુનીચાના, પ્રાંતિજના સલાલ, ધોળકા, રાજકોટના એસ્ટ્રોન વિસ્તારમાં ૪ ઈવીએમ અને માતૃમંદિર શાળા, બારડોલીના માણેકપોરમાં, ગીર-સોમનાથના વાવડી, સાબરકાંઠાના તલોદમાં, નવસારીના બીજલપોરમાં, વલસાડના ફલધારામાં સવારથી EVM ખોટકાતાં મતદાનમાં વિલંબ થયો હતો.

વડોદરાના સાવલી, છોટાઉદેપુરમાં 2 ઈવીએમ, રાધનપુરના દસ ગામ, નવસારીના ચોર્યાસી વિધાનસભા, સહિત મધ્ય ગુજરાતમાં પણ 7 જગ્યાએ ઈવીએમ ખોટવાયા હતા ભાણવડમાં 42 મત પડ્યા બાદ ઈવીએમ મશીનમાં ખામી સર્જાતા મશીન બદલવાની ફરજ પડી હતી.

બનાસકાંઠામાં EVM સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સાયબર ક્રાઈમ સેલને જાણ કરવામાં આવી હતી સુરતમાં ૭૬૯ મતદારો ઈવીએમ ખોટકાવાવાના કારણે અટવાયા હતા. અમદાવાદના ખોખરામાં આવેલી કે.કા. શાસ્ત્રી કોલેજના મતદાન મથક નંબર-૭ પર અધિકારીએ મતદાન રોકી રાખતાં મતદારોએ હોબાળો કર્યો હતો.

મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નને જણાવ્યું હતું કે ર૬ લોકસભા બેઠક માટે ૪પ૧પર૩૭૩ મતદારોમાં ર૩૪ર૮૧૧૯ પુરુષ મતદારો, ર૧૬૯૬પ૭૧ મહિલા મતદારો, ૯૯૦ થર્ડ જેન્ડર, સેવા મતદારો ર૬૯૬૩, ૧૬૮૦પ૪ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે. ઉપરાંત ૧૭૪૩૦ મતદાન મથકો શહેરી અને ૩૪૪ર૧ ગ્રામ્ય સહિત કુલ પ૧૮પ૧ મતદાન મથકો પર મતદાન યોજાયું છે, ર૩૩૭૭પ પોલીસ કર્મચારીઓ તહેનાત છે.

લોકશાહીના મહાપર્વ તરીકે લેખાતી લોકસભા ચૂંટણીના આજના મતદાનના દિવસે સવારથી અમદાવાદીઓ ઉત્સાહમાં હતા. ચૂંટણી પ્રચારના સમયગાળા દરમ્યાન મતદારોએ મહદંશે પોતાની પ્રતિક્રિયાને જાહેરમાં વ્યક્ત કરવાનું ટાળી ભારે ઠાવકાઇ દાખવી હતી. મતદારોના અકળ મૌનથી રાજકીય પક્ષોમાં પણ દ્વિધાનું વાતાવરણ જોવા મળ્યું હતું.

એક તબક્કે મતદાન નિરસ થશે તેવી ચર્ચા હતી, જોકે શહેરનાં કેટલાંક મતદાન મથકો પર સવારના ૭ વાગ્યાથી મતદારો પોતાનો મત આપવા પહોંચી ગયા હતા. આજની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ રહી હોઇ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જેવા રાજકીય દિગ્ગજો મતદાર કે ઉમેદવાર તરીકેના ભાવિ સાથે અમદાવાદ-ગાંધીનગરની બેઠક સંકળાયેલી હોઇ સમગ્ર દેશના લોકોની પ્રારંભથી આ બેઠકોના મતદાન પર મીટ મંડાઇ છે.

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની બેઠક પરથી ભાજપના ઉમેદવાર ક્રમશઃ એચ.એસ.પટેલ અને ડો. કિરીટ સોલંકી, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ક્રમશઃ ગીતાબહેન પટેલ અને રાજુ પરમાર સહિતના ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો કરવા અમદાવાદીઓ સવારથી ઉત્સવના મૂડમાં લાગતા હતા. ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ‌અમિત શાહનું ભાવિ નક્કી થવાનું હોઇ તેમના કોંગ્રેસના હરીફ સી.જે. ચાવડા સાથેની ટક્કર પણ લાંબા સમયથી ચર્ચાસ્પદ બની હોઇ આ બેઠક પરના મતદારો પણ સવારથી ઉત્સા‌િહત હતા.

આજના મતદાનના પ્રથમ ત્રણ કલાકમાં એટલે કે સવારના સાત વાગ્યાથી સવારના ૧૦ વાગ્યા સુધીમાં અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર આ ત્રણેય બેઠકો પર સરેરાશ ૧૬ ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લા ચૂંટણીપંચ દ્વારા અમદાવાદ જિલ્લામાં પ્રથમ બે કલાક દરમ્યાન થયેલા મતદાનના સત્તાવાર આંકડા મુજબ સવારના ૭ થી ૯ના સમયગાળામાં શહેર-જિલ્લામાં ૩.૧૦ લાખની વધુ પુરુષ અને ૧.૮૪ લાખથી વધુ સ્ત્રી મતદારો મળીને કુલ પ૪.૯પ લાખ મતદારો પૈકી ૪.૯પ લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. અમદાવાદ શહેર-જિલ્લામાં પ્રથમ બે કલાકમાં સરેરાર ૯.૦૧ ટકા મતદાન નોંધાયું હતું.દરમિયાન શહેરનાં મેયર બીજલબહેન પટેલે પાલડી ગામની શાળા નં. રર ખાતે મતદાન કર્યું હતું.

વેજલપુર વિસ્તારની ઉમંગ હાઇસ્કૂલના મતદાન મથકમાં છેલ્લા દોઢ કલાકથી ઇવીએમ મશીન ખોટકાતાં મતદારોમાં રોષ ફેલાયો હતો. ખોખરાના કે.કા. શાસ્ત્રી કોલેજના મતદાન મથકમાં પણ ઇવીએમ ખોટકાયું હતું, જોકે શહેરમાં ઇવીએમ ખોટકાયાની છૂટીછવાઇ ફરિયાદ નોંધાઇ છે.

આ દરમિયાન ઘોડાસર કેનાલ પાસેના સ્મૃતિ મંદિર નજીકની આલોક, પુષ્પક અને નંદનવન સોસાયટીના મતદારોએ વાજતેગાજતે મતદાન કરવાનો લહાવો લીધો હતો. આ સાથે પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારો પર ગુલાબની પુષ્પવર્ષા પણ કરાઇ હતી

ગાંધીનગરમાં આંગળી પર સહી લગાડાય છેઃ સી.જે. ચાવડા
ગાંધીનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાએ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં મતદારની આંગળી પર સહી લગાડી દેવામાં આવી હોવાની ફરિયાદ ચૂંટણીપંચને કરી છે. મતદાન પહેલાં મતદાન કર્યું હોવાની સહી આંગળી પર આગલા દિવસે લગાડી દેવા કેટલાક ચોક્કસ લોકો કાર્યરત થયાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.

વેજલપુર, જુહાપુરા, મકતમપુરા વગેરે વિસ્તારમાં મતદાન સ્લિપ મળી નથી.  પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વેજલપુર, જુહાપુરા, મક્તમપુરા, મકરબા વિસ્તારની અનેક સોસાયટી તથા વટવા સહિતના વિસ્તારમાં પણ મતદારોને મતદાર સ્લિપ મળી નથી. મતદારોએ ચૂંટણીપંચમાં વારંવાર વ્યક્તિગત રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર જવાબ મળ્યો નથી. મતદાર સ્લિપ સમયસર મતદાર સુધી પહોંચે તે જોવાની જવાબદારી ચૂંટણીપંચની છે.

કે.કા. શાસ્ત્રી મતદાન મથક પર મતદારોનો હોબાળો
શહેરના ખોખરામાં આવેલા કે.કા. શાસ્ત્રી કોલેજના મતદાન મથક-૭માં ટેકનિકલ કારણસર મતદાન અધિકારીએ મતદાન રોકી રાખતાં મતદારોએ હોબાળો મચાવ્યો હતો, જોકે થોડીવાર બાદ મતદાન મથક-૭માં ફરીથી મતદાન શરૂ કરાયું હતું.

અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે આજે ૯.૩૦ વાગ્યે અંકુર ચાર રસ્તા પાસેની નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતેના મતદાન મથક પર પરિવાર સાથે મતદાન કર્યું હતું.

You might also like