રાજકીય પક્ષોને મતદાર સ્લિપ વહેંચવા માટે દોડધામ કરવી પડશે

અમદાવાદ: આગામી તા.૨૨ નવેમ્બરે યોજાનારી કોર્પોરેશનની ચૂંટણીમાં ગત ચૂંટણી કરતા આ વખતે ૩.૬૩ લાખ મતદારોનો વધારો થયો છે.

શહેરના ૩૯.૮૩ લાખથી વધુ મતદારો કોર્પોરેશની ૪૮ વોર્ડની ૧૯૨ બેઠક માટે પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. પરંતુ મતદારો સુધી પોતાના મતદાન મથકનું નામ, મતદાન મથકના સ્થળની વિગત દર્શાવતી મતદાર સ્લિપ પહોંચતી કરવા માટે રાજકીય પક્ષોને ભારે દોડધામ કરવી પડશે.

અગાઉ રાજય ચૂંટણીપંચ સમક્ષ રાજકીય પક્ષોએ તહેવારોના માહોલને કારણે ચૂંટણીપંચ દ્વારા જ મતદાર સ્લિપ તૈયાર કરીને વહેંચતી કરવા અંગેની વિનંતી કરાઈ હતી. ભાજપન પ્રદેશ લીગલ સેલના કન્વીનર પરિન્દુ ભગતે ચૂંટણી કમિશનર ડો. વરેશ સિંહાને પણ લખ્યો હતો. જોકે ચૂંટણીપંચે રાજકીય પક્ષોની માગણીને ફગાવી દીધી છે.

રાજય ચૂંટણી પંચના સચિવ મહેશ જોશી કહે છે, ‘કેન્દ્રીય ચૂંટણીપંચ પાસે બુથ લેવલ ઓફિસર (બીએલઓ) કક્ષાનું માળખું છે. એટલે કેન્દ્રીય ચૂંટણીપંચ લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં મતદારો સ્લિપ વહેંચી શકે છે. રાજય ચૂંટણીપંચપાસે આવું કોઈ માળખું હોતું નથી. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની સમસ્યાઓની ચૂંટણીમાં આ પ્રકારે ચૂંટણીપંચ મતદાર સ્લિપ છપાવીને તેનું વિતરણ કરતું નથી. એટલે રાજકીય પક્ષોએ જ આ કામ કરવું પડશે.

બીજી તરફ રાજય ચૂંટણીપંચે હજુ સુધી ઉમેદવારોને અનુક્રમ ક્રમાંક ફાળવ્યા નથી. ગઈકાલે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્ર પરત મેળવીની છેલ્લી મુદત હતી. એટલે ચૂંટણી અધિકારીએ સાંજે ચાર વાગ્યે ઉમેદવારોને અનુક્રમ ક્રમાંક આપી દેવાશે. તેવી કાતરી આપી હતી. જોકે કોંગ્રેસના અગ્રણીઓ સાંજે ચાર વાગ્યે ઉપરાંત રાતના દસ વાગ્યે પોલિટેકનિક ચૂંટણી અધિકારીને મળવા ગયા તો તે સમયે ચૂંટણી કાર્યાલય બંધ હતું.

આ ઉપરાંત આજથી લાભપાંચમ સુધી તહેવારોના માહોલમાં પ્રિન્ટિંગ પ્રેસ બંધ રહેશે. જેના કારણે હવે મતદાર સ્લિપ પ્રસિદ્ઘ કરીને તેને મતદારો સુધી પહોચતી કરવાના કામ રાજકીય પક્ષો માટે ભારે દોડધામભર્યું બની રહેશે. મ્યુનિ. કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખ કહે છે, ઉમેદવારોના અનુક્રમ ક્રમાંક વગર મતદાર સ્લિપ તો છપાવી શકાય તેમ નથી. આની સાથે સાથે બેનરો, પત્રિકાની છપામણીનું કામ પણ અટકી પડ્યું છે.

You might also like