મતદારોનાં નામ લીસ્ટમાંથી કમી થવા મુદ્દે કોંગ્રેસનો હોબાળો

અમદાવાદ: રાજ્યમાં 6 મહાનગરપાલિકાની બેઠકો માટે હાલ ચૂંટણી ચાલી રહી છે ત્યારે કેટલાક મતદાતાઓનાં નામ લીસ્ટમાંથી ડિલીટ થતાં કોંગ્રેસે આજે અમદાવાદની કલેક્ટર કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે ડિલીટ થયેલા નામોમાંથી મોટાભાગના પટેલ મતદારો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે વોટ આપવા ગયેલા કેટલાક પટેલ મતદાતાઓનાં નામ લીસ્ટમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા છે. તેમના નામની સામે લાલ લીટી મારી દેવામાં આવી છે. આ અંગે સ્થાનિક ચૂંટણી અધિકારી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ મતદારોએ સ્થળાંતર કર્યું હોવાથી તેમના નામ કમી કરાયા છે. જોકે માત્ર અમદાવાદમાં જ આવા 10 હજાર જેટલા પાટીદાર મતદારોના નામ યાદીમાંથી ડિલિટ થતાં પાટીદારોએ સીધો આક્ષેપ કર્યો છે કે હારના ડરથી ભાજપે આ પગલું ભર્યું છે.

આ મામલે કોંગ્રેસે કલેક્ટર કચેરી આગળ હોબાળો મચાવ્યો હતો. સિદ્ધાર્થ પટેલ સહિતના આગેવાનોએ કલેક્ટર સમક્ષ મતદાર યાદીમાંથી મતદાતાઓનાં નામ કમી થયા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે આ બાબતની ગંભીરતા જાણીને રાજ્યના ચૂંટણી કમિશ્નર વરેશ સિન્હા અમદાવાદની કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા.

You might also like