મતદાર યાદીમાંથી નામો ગૂમ થવાના મામલે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદ: મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ દરમિયાન મતદાર યાદીમાંથી નામો ગૂમ થવાના મામલે એડવોકેટ કે. આર. કોષ્ટી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી કરવામાં આવી છે. જે અંગે હાઈકોર્ટે ચૂંટણી પંચ અને જિલ્લા કલેક્ટરને નોટિસ આપીને વધુ સુનાવણી આવતી કાલે હાથ ધરવામાં આવશે.  આ મામલે કોંગ્રેસના અગ્રણી ચાંપાનેરી દ્વારા પણ હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી કરાઈ છે તે અંગે પણ આવતી કાલે સુનાવણી હાથ ધરાશે.

અમદાવાદ મહાનગરપાલિકા સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી ગત તા. રર નવેમ્બરના રોજ યોજાઈ હતી. આ ચૂંટણી દરમિયાન અમદાવાદ અને જામનગરમાંથી એક લાખથી વધુ મતદારોના નામો મતદારયાદીમાંથી ગૂમ થઈ ગયા હતા. એટલું જ નહીં હજારો મતદારોના નામો ઉપર ડિલિટના સિક્કા મારી દઈને તેમના નામ રદ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે હજારો મતદારો મતદાનથી વંચિત રહ્યા હતા.

આ મામલે એડવોકેટ કે.આર. કોષ્ટી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હીતની અરજી કરવામાં આવી હતી. જેમાં અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન જે રીતે મતદારોના નામોને ડિલિટ કરવામાં આવ્યા છે તે કાયદાની વિરુદ્ધ કરાયા છે. મતદારયાદીમાં કોઈ પણ જાતના સુધારા વધારા કરવા હોય તો તેને ચૂંટણીના બે માસ પહેલા કરી દેવાના હોય છે. મતદારોના નામ રદ કરવા માટેચૂંટણી પંચ નોટિસ આપવી પડે ત્યાર બાદ તેમા સુધારા વધારા કરી શકાય છે. જો કે આ વખતે મતદાર યાદીઓમાંથી નામો રદ કરવાના મામલે કોઈ પણ જાતની નોટિસ અપાઈ નથી.

આથી અરજદાર દ્વારા એવી રજૂઆત કરાઈ છે કે જે મતદારો મતદાનથી વંચિત રહ્યા છે તેવા મતદારોને તા. બીજી ડિસેમ્બરે હાથ ધરવામાં આવનાર મત ગણતરીની પ્રક્રિયા પહેલા ફરીથી મત આપવાની તક આપવી જોઈએ. એટલું જ નહીં આ મામલે હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસના નેતૃત્વમાં જ્યુડિશિયલ તપાસ નીમવાની માંગણી કરાઈ હતી.

આ મામલે હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે આ અરજીને ગ્રાહ્ય રાખી હતી. આ અંગે હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા કલેક્ટરને નોટિસ ફટકારીને વધુ સુનાવણી આવતી કાલે હાથ ધરશે.  દરમિયાનમાં કોંગ્રેસના અગ્રણી ચાંપાનેરી દ્વારા પણ હાઈકોર્ટમાં મતદાર યાદીમાંથી મતદારોના નામો ગૂમ થવા અંગે જાહેર હીતની અરજી કરાઈ છે. તેને પણ હાઈકોર્ટે ગ્રાહ્ય રાખીને વધુ સુનાવણી આવતી કાલે હાથ ધરવામાં આવશે.

You might also like