૧૫ સપ્ટેમ્બરથી મતદારયાદીમાં નામ દાખલ કરાવવાની તક

અમદાવાદ: વિધાનસભા ચૂંટણી-ર૦૧૭ની તૈયારીના ભાગરૂપે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ૧પ સપ્ટેમ્બરથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થશે, જેમાં અમદાવાદમાં નવા દોઢ લાખ મતદારનો ઉમેરો થવાની શક્યતા છે. એક માસ ચાલનારા આ કાર્યક્રમમાં જાન્યુઆરી-ર૦૧૭માં જે વ્યક્તિ ૧૮ વર્ષ કે તેથી ઉપરની ઉંમરની હશે તેઓ જ તેમનું નામ નવા મતદાર તરીકે દાખલ કરાવી શકશે.

૧ જાન્યુ., ર૦૧૭ બાદ ૧૮ વર્ષની થનાર વ્યક્તિને ર૦૧૭ની ચૂંટણીમાં મતાધિકાર મળશે નહીં, કારણ કે ચૂંટણીપંચ દ્વારા નવા મતદાર બનવા માટે ૧ જાન્યુઆરી, ર૦૧૭ કટ ઓફ ડેટ નિશ્ચિત કરાઇ છે. રાજ્યની નવી મતદારયાદી પ જાન્યુઆરી, ર૦૧૭ના રોજ ફાઇનલ કરવામાં આવશે. આ માસે યોજાયેલી ઝુંબેશમાં અમદાવાદમાં ૧.પ૦ લાખથી વધુ નવા મતદાતા ઉમેરાવાનો અંદાજ છે. જ્યારે જાન્યુઆરી-ર૦૧૭ની ફાઇનલ યાદી સુધીમાં અમદાવાદમાં ૩ લાખથી વધુ નવા મતદાતા ઉમેરાય તેવી શક્યતા છે. મતદારયાદીમાં સુધારા-વધારા બાદ અમદાવાદમાંથી રપ હજારથી વધુ નામ કમી થશે. હાલમાં ગુજરાતમાં ૪ કરોડથી વધુ મતદાર છે, જેમાં પ૧ ટકા ૩૯ વર્ષથી નીચેની વયના, રપ.પ ટકા ૧૮ થી ર૯ના વયજૂથના છે, જેમાં ૧ર લાખથી વધુ નવા મતદાતા ઉમેરાશે અને ર લાખથી વધુ મતદાતા ઘટશે. સતત ચાલતી કામગીરીના કારણે ચોક્કસ આંક જાન્યુઆરીની ફાઇનલ મતદારયાદીમાં જાહેર થશે.

વિધાનસભા મુજબ અત્યાર સુધી રાજ્યમાં ૪પ હજાર મતદાન મથકો હતાં જે વધીને હવે ૪૮,૭પર થશે. અમદાવાદ શહેરમાં ૧ર૦૦ મતદારદીઠ એક બૂથ રખાયું છે. જે પહેલાં ૧૬૦૦ મતદારદીઠ હતું. ઉપરાંત આગામી ચૂંટણીમાં મતદાતાને ર કિલોમીટરથી દૂર મતદાન કરવા નહીં જવું પડે.

આગામી ચૂંટણીમાં મતદાન મથકોનું અસરકારક મોનેટરીંગ થઇ શકે તે માટે પહેલી વાર ગૂગલ મેપ ઉપયોગમાં લેવાશે. સેેટેલાઇટ વ્યૂની મદદથી મતદાન મથકનો ફોટો અને નંબર અપલોડ કરાશે, જેનાથી કોઇ પણ વિસ્તારનું મતદાન મથક સરળતાથી લોકેટ થશે અને જરૂરી માહિતી પણ મળશે. ૧પમીથી જે ઝુંબેશ શરૂ થશે તેમાં ૧૮ અને ૧પ સપ્ટેમ્બર અને ૧૦ ઓક્ટોબરે તમામ મતદાન મથકો ખુલ્લાં રહેશે.

You might also like